ગિરનાર અંબાજી મંદિરના ભંડારા વિભાગમાં ચિકન પાર્ટી, કથિત વીડિયો બાદ તંત્ર સફાળું જાગ્યું

  • March 12, 2026 04:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢ ગીરનાર પર્વત અંબાજી મંદિર ભંડારા પરિસરમાં દારૂ અને ચીકન પાર્ટી થતી હોવાના બનાવથી ચકચાર જાગી છે. અને ધર્મનગરીની ગરિમાને ઝાંખપ લાગી છે.
સમગ્ર બનાવને લઈ જિલ્લા કલેકટરે તપાસના આદેશ આપ્યા છે.અને નોનવેજ પાર્ટીમાં સમાવિષ્ટ ઈસમોને ગિરનાર પર પ્રવેશ પ્રતિબંધ અંગેના આદેશ કરાયા છે. સવારથી જ મામલતદાર, પોલીસ સહિતની ટીમ દ્વારા અંબાજી મંદિરે તપાસ શરૂ કરી છે અને પૂછપરછનો ધમધમાટ થઈ રહ્યો છે. પરંતુ આસ્થાની જગ્યા પર ગેરકાનૂની પ્રવૃત્તિ બદલ ભાવિકોમાં રોષ ફેલાયો છે.


ગીરનાર પર્વત પર શક્તિપીઠ અંબાજી મંદિર લાખો ભાવિકોમાં આસ્થાનું કેન્દ્ર છે.હાલ મંદિરનું સંચાલન વહીવટી અધિકારીઓ દ્વારા  થઈ રહ્યું છે.અંબાજી મંદિર ભંડારા વિભાગમાં અમુક યુવકો દ્વારા દારૂ અને ચિકન પાર્ટી થતી હોવા અંગે કથિત વિડીયોથી લાખો શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ પહોંચી છે અને મંદિરના સુદ્રઢ આયોજન અને વ્યવસ્થા અંગે પણ સવાલો સર્જાયા છે. નોનવેજ પાર્ટી અંગેના કથીત વિડિયો બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. જિલ્લા કલેકટર અનિલ રાણાવસીયાએ ગેરકાનૂની પ્રવૃત્તિ અન્વયે તપાસના આદેશ આપ્યા છે. 


પ્રાથમિક તબક્કે તંત્રએ ૧૧ શખ્સોને સસ્પેન્ડ કર્યા છે.ગેર કાનૂની પ્રવૃત્તિ કરનાર ઇસમોને ગિરનાર પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કલેકટરના આદેશ બાદ  મામલતદાર, પોલીસ અને વન વિભાગની ટીમ દ્વારા વિડીયો ક્યારનો છે, વીડિયોમાં જોવા મળતા યુવકોની ઓળખ ઉપરાંત પાર્ટીનુ આયોજન કોના દ્વારા અને કોની નીગરાનીમાં થયું હતું સહિતની વિવિધ બાબતો અંગે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે.જોકે વિડીયો વાયરલ થયા બાદ તંત્રએ તપાસ માટે આળસ ખંખેરી પરંતુ અગાઉ પણ આ પ્રકારે ગેરરીતિ થતી હોવાની બાબતને પણ નકારી શકાતી નથી. 


સમગ્ર મામલો ટોક ઓફ ધ ટાઉન થયો છે અને આસ્થાની જગ્યા પર નોનવેજ આરોગવાની ઘટના અંગે નિંદા થઈ રહી છે. આજે બપોરે ચાર વાગ્યે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા પણ વાયરલ વિડીયો ના આધારે ગિરનાર અંબાજી મંદિર પર ગેરકાનૂની પ્રવૃત્તિ કરનાર દોષીતો સામે કડક કાર્યવાહી કરવા અને નિર્દોષ સામે કાર્યવાહી ન કરવામાં આવે તે અંગે પણ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવશે.


અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે ભવનાથ વિસ્તાર અભયારણ્ય ક્ષેત્રમાં આવતો હોવાથી તંત્ર દ્વારા વિવિધ સ્થળોએ અને ગિરનારના પગથિયા પર પણ ચેકપોસ્ટ રાખવામાં આવી છે. ત્યાં જ કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ કડક ચેકિંગ વચ્ચે પણ મંદિર વિસ્તારમાં જ નોનવેજ પાર્ટી થતી હોવાના બનાવથી ચેકિંગ વ્યવસ્થા અંગે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે.


અંબાજી મંદિરના મહંત મોટા પીર બાવા તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ મંદિરનું સંચાલન વહીવટદારના હસ્તે છે અને મામલતદાર વહીવટદાર તરીકે કાર્યરત છે. અને તંત્ર દ્વારા જ મંદિરની દેખરેખ રાખવામાં આવી રહી છે. વહીવટી શાસન હોવા છતાં પણ મંદિરના ભંડારા વિભાગમાં નોનવેજ આરોગવાની ઘટનાથી સંચાલન અને દેખરેખ અંગે પણ અનેક સવાલો સર્જાયા છે. જોકે સમગ્ર ઘટના બાદ તંત્રએ મંદિરનું શુદ્ધિકરણ ની પ્રક્રિયા હાથ ધરી છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે અંબાજી મંદિર ના મહંત પદ માટે વહીવટી તંત્ર દ્વારા અરજીઓ મંગાવવામાં આવી હતી. પરંતુ હજી સુધી કોઈ નિર્ણય જ લેવાયો નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application