રાજકોટમાં યુવકની હત્યા મામલે પરિવાર અને પલોસી વચ્ચે ઘર્ષણ, મહિલાઓના હૈયાફાટ રૂદનથી સિવિલ હોસ્પિટલ ગુંજી ઉઠી

  • March 16, 2026 04:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં રૈયાધાર ઉપર ડ્રિમસિટી તરફ જતા રોડ પર ફિલ્મી ઢબે બાઇકનો કારમાં પીછો કરી કાર આડે નાખીને બાઈક સવાર કાકા ભત્રીજા ઉપર પાંચ જેટલા શખ્સોએ ધોકા, પાઇપ, કુહાડી સહિતના હથિયારો વડે હુમલો કરી યુવકને કુહાડીના આઠથી દશ જેટલા ઘા મારી લોહી લુહાણ કરી દીધો હતો અને બાદમાં કારમાં જ અપહરણ કરી શીતલ પાર્ક પાસે ફેંકી દેતા ગંભીર રીતે ઘવાયેલા યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો છે. ઘટનાને પગલે યુનિવર્સીટી પોલીસ દોડી ગઈ હતી. આ માથાકૂટ રસનો ચીચોડો હટાવવા મુદ્દે થઇ હોવાનું સામે આવ્યું છે. બનાવને પગલે મોટી સંખ્યામાં અનુ.જાતિ સમાજના લોકો સિવિલ હોસ્પિટલએ એકઠા થયા હતા અને મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી આરોપીઓને પકડી પાડવા માગ કરી હતી. જો આરોપી ત્રણ વાગ્યા સુધીમાં નહીં પકડાય તો મૃતદેહને પોલીસ કમિશનર કચેરી ખાતે લઇ જવાની પણ અગ્રણી રાજુ સોલંકીએ ચીમકી ઉચ્ચારી હતી. જોકે પરિવાર અને પોલીસ વચ્ચે સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ બહાર ઘર્ષણ થયું હતું. મહિલાઓના રૂદનથી સિવિલ હોસ્પિટલ ગુંજી ઉઠી હતી. 


શહેરના રામેશ્વર ચોક ખાતે સાંઈ દર્શન ફ્લેટમાં રહેતા ભાવેશ ડાયાભાઈ વાણવી (ઉ.વ.30)નો ભત્રીજા પરિષ સુનિલભાઈ વાણવી, મિત્ર રાહુલ કાનજીભાઈ પરમાર સાથે બાઇકમાં ડ્રિમ સિટી તરફ જતા હતા ત્યારે રાત્રીના દશેક વાગ્યે સ્વિફ્ટ કાર અને બાઈકમાં આવેલા શખસોએ બાઈક આડે વાહનો નાખી ધોકા, પાઇપ, કુહાડી વડે હુમલો કરતા ભાવેશ વાણવી તેના ભત્રીજા પ્રિન્સને ગંભીર ઈજાઓ થઇ હતી. ઈજાગ્રસ્ત ભાવેશનું કારમાં અપહરણ કરી શીતલ પાર્ક પાસે ફેંકી દીધો હતો. કોઈએ 108ને જાણ કરતા ભાવેશને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. ઘટનાની જાણ થતા યુનિવર્સીટી પોલીસ દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં ભાવેશ જોગરાણાના ભાઈ સાગરે ડ્રિમસિટી પાસે રસનો ચીચોડો શરૂ કર્યો હતો એ દૂર કરવા માટે ભાવેશએ મહાપાલિકામાં અરજી કરાવી હતી. આ બાબતનો ખાર રાખી હમીર મેરાભાઈ જોગરાણા સહિતના અજાણ્યા પાંચેક શખ્સોએ કાર અને બાઇકમાં આવી જીવલેણ હુમલો કરી મોત નિપજાવ્યાનું ખુલ્યું છે. જયારે કેટલીક સૂત્રો માંથી મળતી વિગતો મુજબ આ હત્યા ડ્રિમસિટીમાં રહેતી યુવતી સાથેની મિત્રતને લઈને પણ થઇ હોવાનું જાણવા મળ્યું છે. બનાવના પગલે યુનિવર્સીટી પોલીસે રાહુલ કાનજીભાઈ પરમાર (રહે-ઉમિયા ચોક, સાંઈ દર્શન એપાર્ટમેન્ટ મવડી)ની ફરિયાદ પરથી હમીર મેરાભાઈ જોગરાણા સહીત અજાણ્યા પાંચ જેટલા શખસો વિરુધ્ધ બીએનસીની કલમ 109,118(1),191(2),191(3), 190, 189(2) સહીત એટ્રોસિટીની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે.


મૃતક ભાવેશ વાણવી 15 દિવસ પહેલા જ પાસાંથી છૂટીને આવ્યો હતો

જેનું હત્યા કરવામાં આવી છે એ ભાવેશ વાણવી પોતાને પત્રકાર ગણાવતો હતો અને બે મહિના પહેલા કાલાવડ રોડ પર બ્રાહ્મણ સમાજ છાત્રાલયમાં પ્રમુખ તરીકે સેવા આપતા બંકિમભાઈને ફોન કરી હું પત્રકાર ભાવેશ વાણવી વાત કરું છું. તારે મારા ભાગીદાર ધર્મેશ દોશી સાથે શું માથાકૂટ છે ? કહી ભાવેશ વાણવીએ બેફામ ગાળાગાળી કર્યા બાદ ફરી ફોન કરી કહ્યું કે હટકે રેસ્ટોરન્ટના પાર્સલ કેમ બંધ કર્યા કહી 'હું ભાવેશ વાણવી તેમજ ધર્મેશ દોશી સાથે જ છીએ, તારે શું કરવાનું છે ?' તેમ કહી ફરીને બન્નેએ બેફામ ગાળો ભાંડી ધમકી આપતા ફરિયાદ નોંધાવી હતી. આ માથાકૂટ થવાનું કારણ એવું ન હતું કે, ભાવેશ વણવી અને ધર્મેશ દોશીનું "હટ કે ફૂડઝોન" બ્રાહ્મણ સમાજ છાત્રાલય પાસે આવેલું હોય ત્યાંથી છાત્રાલયમાં અને ગર્લ્સ હોસ્ટેલમાં પાર્સલ આવતા હોવાને કારણે ગંદકી ફેલાતી હોવાને લીધે પાર્સલ લાવવાની મનાઈ ફરમાવતાં જ બન્નેએ માથાકૂટ શરૂ કરી હતી તેમજ છાત્રાલય ના પ્રમુખ અને ગર્લ્સ હોસ્ટેલના સંચાલક મહિલાને ધમકી આપતા ગુના નોંધાયા હતા જે અંગે વડોદરા જેલ માં પાસા હેઠળ ધકીલી દેવામાં આવ્યો હતો. અને હજુ 15 દિવસ પહેલા જ પાસાંથી છૂટીને આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application