જામનગરમાં બિલ્ડર પર EDના દરોડાથી ખળભળાટ... લાલાના બંગલા પર વહેલી સવારે ઇડીની ટૂકડી ત્રાટકી

  • November 28, 2025 03:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં ગઇકાલે સીબીઆઇ અને આઇટીના જોઇન્ટ ઓપરેશનની સ્યાહી સુકાઇ નથી ત્યાં આજે સેન્ટ્રલની બીજી એજન્સી ઇડી દ્રારા જામનગરમાં દરોડો પાડવામાં આવતા ભારે ખળભળાટ મચી ગયો છે, અહીંના બિલ્ડર પર પોલીસને  સાથે રાખીને એન્ફોર્સમેન્ટ ડીરેકટોરેટ એટલે કે ઇડી દ્રારા દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જેના પગલે ભારે ઉત્તેજના છવાઇ છે અને બે દિવસમાં સેન્ટ્રલની મોટી એજન્સીઓ અહીં ત્રાટકી હોવાથી ભારે ચર્ચા પણ જાગી છે.

ગઇકાલે જે જોઇન્ટ ઓપરેશન થયું તે આઇટીએટીના લાંચ મામલે થયું હતું. જેમાં સાંજે જયપુરથી વધુ એક ધરપકડ કરવામાં આવી હતી, આ પ્રકરણ તાજુ છે ત્યાં આજ સવારથી ઇડીએ ધામા નાખી દેતા શું આજના દરોડા ગઇકાલના પ્રકરણના અનુસંધાને છે કે કેમ એવી પણ ચર્ચા લાગી હતી. પરંતુ જાણવા મળી રહ્યું છે કે ઇડીના દરોડા અને સીબીઆઇ-આઇટીના જોઇન્ટ ઓપરેશન વચ્ચે હાલ કોઇ સંબધં છે નહીં.


મની લોન્ડરીંગ કે અન્ય કોઇ મુદે આજે દરોડા પાડવામાં આવ્યા

જામનગરની પોશ ગણાતી જયતં સોસાયટીમાં રહેતા બિલ્ડર જીતેન્દ્ર ગોરીયા ઉર્ફે લાલાના બંગલા પર ઇડીની ટીમ પોલીસ કાફલા સાથે વહેલી સવારે પહોંચી હતી અને તપાસ શરૂ કરવામાં આવી હતી, આ લખાય છે ત્યારે બપોર સુધીમાં સેન્ટ્રલની આ એજન્સી દ્રારા પુછપરછ કરવામાં આવી રહી છે, કદાચ સંબંધીત દસ્તાવેજોની પણ ચકાસણી કરવામાં આવી રહી હશે, મની લોન્ડરીંગ કે અન્ય કોઇ મુદે આજે દરોડા પાડવામાં આવ્યા છે કે કેમ તેની સત્તાવાર વિગતોની રાહ જોવાઇ રહી છે.


દરોડાથી પરિવારજનોમાં અફડાતફડી મચી

ઇડીની ટીમના વહેલી સવારે દરોડાથી પરિવારજનોમાં અફડાતફડી મચી ગઈ હતી. તપાસ દરમ્યાન ઇડીના અધિકારીઓએ દસ્તાવેજોની ચકાસણી કરી હતી. તદઉપરાંત બંગલામાં રોકડ, સોના-ચાંદી અંગે પણ તપાસ કરવામાં આવી હોવાનું બિન સત્તાવાર રીતે જાણવા મળી રહ્યું છે, એન્સફોર્સમેન્ટ વિભાગના અધિકારીઓ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બિલ્ડર પર ત્રાટકતા અનેક સવાલની સાથે તરેહ-તરેહની ચર્ચા શરૂ થઈ છે. શહેરમાં સતત બીજા દીવસે વધુ એક સેન્ટ્રલ એજન્સીના અધિકારીઓ દ્રારા બિલ્ડર પર દરોડા પાડવામાં આવતા તરેહ-તરેહની વાતો ચાલી રહી અને આ મુદો પણ ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. 


દરોડાથી શહેરભરમાં ભારે ચકચાર ફેલાઇ

હજુ ગઇકાલે જ ઇડી દ્રારા ગુજરાત, દિલ્હી, યુપી સહિત ૧૦ રાજ્યોમાં વ્યાપક પ્રમાણમાં દરોડા પાડવામાં આવ્યા છે, જેની કાર્યવાહી આજે પણ ચાલુ છે, મહારાષ્ટ્ર્ર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, તેલંગણા, છતીસગઢ અને રાજસ્થાન, બિહારમાં પણ ઇડીએ દરોડા પાડ્યા છે, એ આખું ઓપરેશન જે ચાલી રહ્યું છે તેના અનુસંધાને જામનગરમાં દરોડા પડ્યા છે કે કેમ તેની હજુ સુધી કોઈ ખરાઈ થઈ નથી. પરંતુ ઇડીની ટીમ દ્રારા જ્યારે અહીં દરોડા પાડવામાં આવ્યા ત્યારે જીતેન્દ્ર ગોરીયા ઘરે નહીં હોવાનું જાણવા મળી રહ્યું છે, આ દરોડાથી શહેરભરમાં ભારે ચકચાર ફેલાઇ છે. 


બંગલાનો એક રૂમ ન ખુલ્યો, ઇડીના અધિકારીઓ ધંધે લાગ્યા

જામનગરની જયતં સોસાયટીમાં રહેતા બિલ્ડર જીતેન્દ્ર ગોરીયા ઉર્ફે લાલાના બંગલા પર આજે સવારે ઇડીની ટીમ ત્રાટકી હતી, ત્યારબાદ બંગલામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું, આ દરમ્યાન બંગલાના એક રૂમનો દરવાજાને તાળુ હોય ખુલ્યો ન હતો આથી અધિકારીઓએ પરિજનને આ રૂમ ખોલવા કહ્યુ હતું પરંતુ પરિજનો આ રૂમની ચાવી અમારી પાસે ન હોય જીતેન્દ્ર પાસે રહેતી હોવાનું સતત રટણ કર્યુ હતું. આથી ઇડીના અધિકારીઓએ પોલીસને બોલાવવાની ફરજ પડી હતી, ત્યારે આ બધં રૂમમાં શું છે તે ભારે ચર્ચા સાથે તપાસનો વિષય બન્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News