બરડા ડુંગર નજીકમાં આવેલા મોખાણા ગામમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાના સતત આંટાફેરાને કારણે ગ્રામજનોમાં ભારે ભય અને ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. દીપડા દ્વારા પશુઓના મારણની ઘટનાઓ સતત વધી રહી છે, જેને પગલે ખેડૂતો અને માલધારીઓ પોતાના પશુધનને લઈને ચિંતામાં મુકાયા છે.
મંગળવારે રાત્રીના ગામની તદ્દન નજીક આવેલી ખેડૂત વેજાભાઈ અરજણભાઈ મોરીની વાડીમાં દીપડાએ ત્રાટકીને ગાયના એક વાછરડાનું મારણ કર્યું હતું. ખેડૂત પરિવારના જણાવ્યા અનુસાર, મારણ કર્યા બાદ પણ દીપડો હજુ વાડીની આસપાસના વિસ્તારમાં જ ભ્રમણ કરી રહ્યો છે, જેના કારણે પરિવારમાં ભયની લાગણી ફેલાઇ છે. ગ્રામજનોના જણાવ્યાનુસાર દીપડો હવે માનવ વસવાટની સાવ નજીક આવી પહોંચ્યો હોવાથી માત્ર પશુઓ જ નહીં, પણ માણસો પર પણ હુમલો થવાની ભીતિ સેવાઈ રહી છે. મોખાણા ગામમાં અવારનવાર દીપડા દ્વારા પશુધન પર હુમલા કરવામાં આવે છે.
ફોરેસ્ટ વિભાગને વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ પગલાં ન લેવાતા દીપડાનો ત્રાસ વધતા ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાઇ છે. આથી તાત્કાલિક ધોરણે ગામની સીમમાં પાંજરૂ ગોઠવી દીપડાને પકડીને સુરક્ષિત સ્થળે મુકત કરવામાં આવે અને પશુમારણનો ભોગ બનેલા ખેડૂતને યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ ગ્રામજનોમાં ઉઠી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application