રાજકોટ સતત બીજા દિવસે દેશમાં સૌથી વધુ ગરમ શહેર, આજે સીવીયર હીટ વેવનું ઓરેન્જ એલર્ટ, જાણો ગુજરાતમાં ક્યાં કેટલું તાપમાન નોંધાયું

  • March 11, 2026 10:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના અમુક વિસ્તારોમાં અને તેમાં પણ ખાસ કરીને કચ્છ તથા સૌરાષ્ટ્રમાં આજે હીટ વેવથી સીવિયર હીટ વેવનું ઓરેન્જ એલર્ટ ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવ્યું છે. ગઈકાલે સમગ્ર દેશમાં રાજકોટ ખાતે સૌથી ઊંચું તાપમાન 42 ડિગ્રી નોંધાયું હતું.


દરિયાકાંઠાના વિસ્તારોના તાપમાનમાં ગઈકાલે એકાએક જોરદાર પલટો આવ્યો છે. મહત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રી થી ૯ ડિગ્રી સુધીનો વધારો એક જ દિવસમાં નોંધાતા જનજીવન આકુળ વ્યાકુળ બની ગયું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ ગુજરાત અને મધ્યપ્રદેશમાં આગામી ત્રણ દિવસ સુધી સરેરાશ કરતાં ચાર થી છ ડિગ્રી વધુ તાપમાન રહેશે.


રાજ્યના અન્ય વિસ્તારોની સરખામણીએ દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યાર સુધી ગરમીનું પ્રમાણ ઘણું ઓછું રહેતું હતું. ઓખા દ્વારકા સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યાર સુધી મહત્તમ તાપમાન 30 ડિગ્રીથી નીચે રહેતું હતું પરંતુ ગઈકાલે તેમાં એકાએક જોરદાર ફેરફાર આવ્યો છે અને વેરાવળમાં એક સાથે નવ ડિગ્રીનો વધારો ગઈકાલે નોંધાયો છે. વેરાવળમાં સોમવારે મહત્તમ તાપમાન 31.2 ડિગ્રી હતું તે ગઈકાલે વધીને 40.8 ડિગ્રી થઈ ગયું હતું.


આવી જ રીતે દીવમાં ત્રણ દ્વારકામાં પાંચ નલિયામાં એક ઓખામાં એક પોરબંદરમાં ત્રણ ડિગ્રીનો વધારો ગઈકાલે મહત્તમ તાપમાનમાં થયો છે. ગઈકાલે દીવમાં 41.3, દ્વારકામાં 33.3, કંડલામાં 39.5, નલિયામાં 38.8, ઓખામાં 30.2, પોરબંદરમાં 40.9 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. હવામાન ખાતાના જણાવ્યા મુજબ ઉનાળાની સિઝનમાં અત્યારે હોવું જોઈએ તેના કરતાં દીવમાં દસ ડિગ્રી દ્વારકામાં પાંચ ડિગ્રી કંડલામાં સાત ડિગ્રી નલિયામાં 6 ડિગ્રી પોરબંદરમાં આઠ ડિગ્રી અને ઓખામાં ત્રણ ડિગ્રી વધુ તાપમાન છે.

ગુજરાતમાં આજે સિવિયર હીટ વેવનું એલર્ટ આઇસોલેટેડ પોકેટ માટે કરવામાં આવ્યું છે. આવી જ રીતે રાજસ્થાન વિદર્ભ અને કોકણમાં હીટ વેવ માટેનું એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં તારીખ 13 સુધી ગરમ અને ભેજવાળા વાતાવરણની ચેતવણી આપવામાં આવી છે.


માર્ચમાં ગરમીનો પ્રકોપ ચાલુ: દિલ્હી અને મુંબઈનું તાપમાન ૪૦ ડિગ્રીને વટાવી ગયું


માર્ચ મહિનાની શરૂઆત સાથે જ ઉત્તર અને પશ્ચિમ ભારતમાં હવામાન કઠોર બન્યું છે. દિલ્હી અને મુંબઈ બંનેમાં તાપમાન સામાન્ય કરતાં વધુ નોંધાઈ રહ્યું છે, જેના કારણે લોકો અકાળે તીવ્ર ગરમી અને ભેજનો સામનો કરી રહ્યા છે. પંજાબ અને ઉત્તર પ્રદેશમાં પણ તાપમાન વધી રહ્યું છે. સફદરજંગ ઓબ્ઝર્વેટરીમાં મહત્તમ તાપમાન ૩૫-૩૭ ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં લગભગ ૭ ડિગ્રી વધારે છે. હવામાં ભેજને કારણે, હીટ ઇન્ડેક્સ નોંધપાત્ર રીતે વધ્યો છે, જેના કારણે લોકો ગરમી અને અસ્વસ્થતા અનુભવી રહ્યા છે.

જ્યારે ઉત્તર ભારતમાં ઉનાળો શરૂ પણ થયો નથી, ત્યારે મુંબઈના લોકો પહેલાથી જ ગરમીથી પીડાઈ રહ્યા છે. મંગળવારે, દિવસનું તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું હતું. ભારતીય હવામાન વિભાગે મુંબઈ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. સાંતાક્રુઝ વેધશાળા અનુસાર, દિવસનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું, જે ગયા વર્ષે આ દિવસના સામાન્ય તાપમાન કરતાં 7.6 ડિગ્રી વધારે હતું. આ માર્ચમાં નોંધાયેલું સૌથી વધુ તાપમાન છે.


મુંબઈમાં 5 માર્ચે 38.9 ડિગ્રી સેલ્સિયસ, 4 માર્ચે 38.7 ડિગ્રી સેલ્સિયસ અને 9 માર્ચે 38.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. બીજી તરફ, કોલાબા વેધશાળામાં 35.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જે આ દિવસ માટે સામાન્ય કરતાં 4.3 ડિગ્રી સેલ્સિયસ વધુ હતું. આઈએમડી અનુસાર, મુંબઈ માટે યલો એલર્ટ જારી કરવામાં આવી છે, જેમાં ગરમ હવામાનની અપેક્ષા છે. મુંબઈના કેટલાક ભાગોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર વધ્યું છે, જેમાં પશ્ચિમી ઉપનગરોમાં રામ મંદિર વિસ્તારમાં 42.4 ડિગ્રી સેલ્સિયસ અને વિક્રોલીમાં 41.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.


ઉત્તર પ્રદેશમાં આજે હવામાન મોટાભાગે સ્વચ્છ અને શુષ્ક રહેવાની ધારણા છે. રાજ્યના મોટાભાગના ભાગોમાં તાપમાન વધવાની ધારણા છે, જેના કારણે દિવસ દરમિયાન તેજસ્વી સૂર્યપ્રકાશ અને ગરમી રહેશે. મહત્તમ તાપમાન 34 ડીગ્રી સેલ્સિયસથી 36 ડીગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 19 ડીગ્રી સેલ્સિયસથી 20 ડીગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની ધારણા છે. રાજ્યમાં હાલ વરસાદની કોઈ ખાસ શક્યતા નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application