રાજકોટમાં આઇસ ફેક્ટરીઓ, ગોલાની દુકાનો, કોલ્ડડ્રિંક્સની દુકાનો, આઇસક્રીમ પાર્લર્સ સહિતના સ્થળોએ ચેકીંગના સદંતર અભાવને પગલે તેમજ મહાપાલિકામાં નોંધાતી પ્રદૂષિત પાણીના વિતરણની ફરિયાદો નહીં ઉકેલવાના કારણે શહેરમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે. ઉનાળાના આરંભે જ શહેરમાં ટાઈફોઈડ અને કમળા જેવા પાણીજન્ય રોગચાળાના બે કેસ મળ્યા છે. પાણીજન્ય રોગચાળા તેમજ પ્રદૂષિત પાણીના વિતરણની ફરિયાદોને પગલે વિવિધ વિસ્તારોમાંથી પાણીના ૧૦૧૧ સેમ્પલ લઇને ક્લોરિન ટેસ્ટ કરવામાં આવ્યા હતા જે તમામ પરિક્ષણમાં પાસ થયા હતા.
દરમિયાન રાજકોટ શહેરનો વિકલી એપેડેમિક રિપોર્ટ જાહેર કરતા મહાપાલિકાના ચીફ હેલ્થ ઓફિસર ડો.જયેશ એલ.વકાણીએ જણાવ્યું હતું કે, છેલ્લા એક સપ્તાહમાં શહેરમાં ટાઈફોઈડનો એક કેસ, કમળાનો એક કેસ, ડેંગ્યૂનો એક કેસ, શરદી ઉધરસના ૪૮૮ કેસ, સામાન્ય તાવના ૪૪૬ કેસ, ઝાડા ઉલ્ટીના ૧૫૬ કેસ સહિત વિવિધ રોગચાળાના કુલ ૧૦૯૨ કેસ નોંધાયા છે.
વિશેષમાં મચ્છરજન્ય રોગચાળા ડેંગ્યૂનો એક કેસ મળતા તેમજ મચ્છરના ઉપદ્રવની વ્યાપક ફરિયાદો મળતા કુલ ૧૪૨૧ ઘરોમાં ફોગિંગ કરાયું હતું.મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વ્હીકલ માઉન્ટેઇન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવી હતી. મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરાઇ હતી જેમાં બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી સહિત કુલ ૧૪૩ સ્થળે મચ્છર ઉત્પતિ અંગે તપાસ કરાઇ હતી તેમજ રહેણાંકમાં ૧૨૧ અને કોર્મશીયલમાં ૩૨ સહિત કુલ ૧૫૩ને નોટીસ ફટકારાઇ હતી.