રાજકોટમાં પોલીસનો ડર અને ખોફ ઓસરી રહ્યો છે તો બીજી તરફ કહેવાતા ગાંઠિયા દાદાઓનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. શહેરમાં સરાજાહેર હત્યાઓ ફાયરિંગ, ધમકી અને હથિયારોનો બેફામ ઉપયોગ કરી ગભરુ પ્રજાને રંજાડી રહ્યા છે અને પોલીસ જાણે મુક પ્રેક્ષક બની તમાશો નિહાળતી હોય તેવી સનસનાટી મચાવતી વધુ એક ઘટના મંગળા રોડ પર પ્રગતિ હોસ્પિટલ નજીક બની હતી. જેમાં મધરાત્રે ફિલ્મી ઢબે બે કુખ્યાત ગેંગ વચ્ચે ધાણી ફૂટ ફાયરિંગ થતા ચકચાર જાગી છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટમાં ગત ફેબ્રુઆરી માસથી રાજકોટના જંગલેશ્વરની ગેંગ અને પેંડાગેંગના સાગરિત પરેશ ગઢવીની ગેંગ વચ્ચે છેલ્લા ઘણા સમયથી ચાલતી અદાવત અને સમયાંતરે વારંવાર ફાયરિંગના બનાવ બાદ વધુ એક વખત ગતરાત્રિના મંગળા રોડ પર બંને જૂથ સામસામે આવી જતા મધરાત્રે ધાણી ફૂટ ફાયરિંગ થતા સનસનાટી મચી જવા પામી હતી.
આ અંગેની પોલીસને જાણ થતા ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, એસીપી બી.બી બસીયા, ક્રાઈમ બ્રાન્ચનો કાફલો તેમજ એસઓજી બ્રાન્ચના પીઆઇ એસ.એમ જાડેજા, એ ડિવિઝન પીઆઈ બી.વી બોરીસાગર અને ડિસ્ટાફ સહિતનો કાફલો ઘટના સ્થળે મંગળારોડ પર દોડી ગયો હતો.

પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરતા મોડીરાત્રીના ત્રણથી ચાર વાગ્યાના અરસામાં મંગળા રોડ પર પ્રગતિ હોસ્પિટલ પાસે બંને ગેંગના સાગરીતો સામસામે આવી જતા જૂની અદાવત અને વેરઝેરના ખારમાં ફિલ્મી ઢબે બંને ગેંગે સામ સામે ફાયરિંગ કરતા ફાયરિંગના અવાજથી વિસ્તારમાં લોકો ગભરાઈને જાગી ગયા હતા, તો બીજી તરફ ફાયરિંગના અવાજથી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ તથા સગાસંબંધીઓમાં નાશભાગ મચી ગઇ હતી.
સૂત્રોમાંથી મળેલી વિગતો મુજબ જંગલેશ્વરની નામચીન રમાના પતિ જાવેદ જુનેજાને દાખલ કરાયો હોય આ ગેંગનો સંજય પોતાના પિતાની સારવાર ચાલતી હોય ગોકુલ હોસ્પિટલમાં હોવાની જાણ પરેશ ગઢવીની ગેંગ સુધી વાત પહોંચતા જ આ ગેંગ જંગલેશ્વર ગેંગને ભરી પીવા મંગળા રોડ ખાતે દોડી ગઈ હતી, બને ગેંગોમાં લાંબા સમયથી ચાલી આવતી માથાકૂટ છેલ્લા થોડા દિવસોમાં ખૂબ ઉગ્ર બની ગઈ છે. ગુનેગારોમાં ચર્ચા ચાલી રહી છે કે આ ગેંગવોર વધુ લોહિયાળ બનેતો ના નહીં તેવું ચર્ચાઇ રહ્યું છે.

પોલીસના રાત્રી પેટ્રોલિંગના અભાવે આવી ઘટનાઓ સરળતાથી બની શકે છે, તે ચિત્ર સામે આવ્યું છે. પોલીસ પેટ્રોલિંગમાં નિષ્ક્રિયતા સામે પ્રજાજનોમાં સવાલો ખડા થયા છે આ લખાય છે ત્યાં સુધી હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાય નથી પરંતુ ફાયરિંગની ઘટનાએ ચકચાર જગાવી છે.
રાજકોટને બિહાર બનતું અટકાવવા ક્યારે ધોકો ઉપાડશો?
રાજકોટમાં ગુંડાગીરી ખતમ કરવા અધિકારીઓએ મેદાનમાં ઉતરવું પડશે. આક્રમક કાર્યવાહી, રાત્રિ પેટ્રોલિંગમાં દબદબો, હથિયારોના જથ્થાનો નાશ અને ગેંગોને મૂળથી નાબૂદ કરવાની તાતી જરૂર ઊભી થઈ છે. નહીંતર કાયદો માત્ર કાગળો ઉપર રહી જશે અને ગુંડા ઓ રાજકોટમાં રાજ કરે તે પૂર્વે ખતમ કરવાની અને બાહોશ અધિકારીઓ ને થાણા અને જુદી જુદી બ્રાંચોમાં મૂકવાની જરૂર છે.

યુવતી બાબતે માથાકૂટ બાદ આ બંને ગેંગ સામસામે આવી છે
ગત ઉતરાયણ પર્વ એ ગોકુલધામમાં એક યુવતી બાબતે સોહીલને ગઢવી ગેંગના પરેશ અને ભયલુ ગઢવીએ માર મારી માથાકૂટ કરી હતી ત્યારબાદ તેનો બદલો લેવા ફેબ્રુઆરી માં જંગલેશ્વર ના સોહીલ તેમજ તોફિક સહિતનાઓએ પુનિત નગરમાં કારમાં ધસી આવી ગઢવી ગેંગના સાગરીત પર ફાયરિંગ કર્યું હતું ત્યારબાદ 15 ઓગસ્ટે ગઢવી ગેંગે બદલો લેવા કોઠારીયારોડ પર શાહનવાજ વેતરણ પર ફાયરિંગ કર્યું હતું આમ બંને ગેંગ એકબીજાને ભરી પીવા મોકાની રાહ જોઈ બેઠી હોય છે.
ફાયરિંગ થતા ટેન્કરના કાચમાં અને કારમાં ગોળીઓ ઘૂસી ગઈ
રાજકોટના મંગળારોડ પર ડોક્ટર અમિત હપાણીની પ્રગતિ હોસ્પિટલ પાસે થયેલ અંધાધુંધ ફાયરિંગમાં ત્રીપલ સવારી મોટરસાયકલમાં આવેલા શખ્સોએ ફાયરિંગ કર્યાનું એક જૂથે જણાવ્યું છે આ ફાયરિંગથી એક ટેન્કરના કાચમાં તેમજ એક કારમાં ગોળી ઘૂસી ગઈ હતી, પોલીસે હાલ બંને તરફે કેટલા વ્યક્તિઓ સંડોવાયેલા છે તેઓને ઉઠાવી લેવા દોડધામ શરૂ કરી છે.
ફાયરિંગ બંને તરફે થયાની પોલીસને દૃઢ શંકા ગુનો નોંધાશે
મધરાત્રે ત્રણ વાગ્યા ના સુમારે મંગળા રોડ પર બે જૂથ વચ્ચે ચાલતી ગેંગવોરમાં આડેધડ ફાયરિંગ થયું હોય તેમ છતાં હજુ સુધી કોઈ ગુનો દાખલ થયો નથી પરંતુ પોલીસ અધિકારીઓ ને દ્રઢ શંકા છે કે ફાયરિંગ બંને તરફે થયું જ છે જેથી સીસીટીવી કેમેરાના ફૂટેજોની ચકાસણી શરૂ કરી છે અને સ્પષ્ટ થયા બાદ બંને પક્ષની સામસામે ફરિયાદ નોંધાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.