BREAKING NEWS

મધ્ય પૂર્વના તણાવ વચ્ચે ચીનના સુર બદલાયા: ભારતને 'દુશ્મન નહીં પણ દોસ્ત' ગણાવ્યું

  • March 08, 2026 08:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચીને સ્વીકાર્યું છે કે ભારત અને ચીન વચ્ચેનો પરસ્પર વિશ્વાસ અને સહયોગ જ એશિયાના ઉત્થાન માટે અનિવાર્ય છે. ચીની વિદેશ મંત્રી વાંગ યીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે બંને દેશોએ એકબીજાને પ્રતિસ્પર્ધી માનવાને બદલે ભાગીદાર તરીકે જોવા જોઈએ. 'ગ્લોબલ સાઉથ' (વિકસતા દેશો) ના બે સૌથી મોટા સભ્યો હોવાને નાતે ભારત અને ચીન વચ્ચેના સંબંધો હવે સામાન્ય થવા તરફ આગળ વધી રહ્યા છે.


મિત્રતા માટે ચીનના 4 મુખ્ય મુદ્દા
વાંગ યીએ ભારત સાથેના સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા માટે ચાર મહત્વના પાયા ગણાવ્યા છે:


પ્રતિસ્પર્ધી નહીં પણ ભાગીદાર: બંને દેશોએ એકબીજાને જોખમ માનવાને બદલે વિકાસની તક તરીકે જોવા જોઈએ. ભારત અને ચીન વચ્ચેની સ્પર્ધા રચનાત્મક હોવી જોઈએ, સંઘર્ષાત્મક નહીં.


સરહદ પર શાંતિ:
સરહદી વિસ્તારોમાં સ્થિરતા જાળવી રાખવા અને સારા પાડોશી ધર્મનું પાલન કરવા પર ભાર મૂક્યો છે. જો સરહદ પર શાંતિ હશે તો જ વેપારી સંબંધો મજબૂત થશે.


BRICS માં પરસ્પર સમર્થન:
આ વર્ષે અને આવતા વર્ષે બ્રિક્સ (BRICS) ની અધ્યક્ષતા ભારત અને ચીન વારાફરતી કરવાના છે, ત્યારે બંને દેશોએ એકબીજાને સંપૂર્ણ ટેકો આપવો જોઈએ.


આંતરરાષ્ટ્રીય જવાબદારી:
બંને દેશોએ પરસ્પરના અવરોધો દૂર કરી વૈશ્વિક મંચ પર જવાબદાર શક્તિ તરીકે ઉભરવું જોઈએ.


એશિયાનું પુનરુત્થાન અને ભારતની ભૂમિકા
વાંગ યીએ ભારપૂર્વક કહ્યું કે જો એશિયાએ વિશ્વમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવું હશે, તો ભારત અને ચીનનું વિભાજન પોસાય તેમ નથી. તેમણે કહ્યું, "ભારતને દુશ્મન નહીં, પણ દોસ્ત બનાવવો જોઈએ. બંને દેશોના સહિયારા હિતો ખૂબ વ્યાપક છે અને સાંસ્કૃતિક સંબંધો પણ ઊંડા છે."


સંબંધો સામાન્ય થવાના સંકેત

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વાંગ યીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે તિયાનજિનમાં થયેલી મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો હતો. ચીને હવે એ વાત સ્વીકારી છે કે ભારત-ચીન વચ્ચેના સંબંધો હવે પાટા પર આવી રહ્યા છે અને તેઓ પરસ્પર સહયોગને નવી ઊંચાઈએ લઈ જવા માટે પ્રતિબદ્ધ છે.

રાજદ્વારી નિષ્ણાતો માને છે કે મધ્ય પૂર્વના યુદ્ધને કારણે ઊર્જા સુરક્ષા અને વૈશ્વિક સપ્લાય ચેઈન જોખમમાં છે, ત્યારે ચીન ભારત જેવા મોટા બજાર અને પાડોશી દેશ સાથેના વિવાદો ઘટાડીને પોતાની આર્થિક સ્થિતિ મજબૂત કરવા માંગે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News