BREAKING NEWS

ગુજરાત સહિત દેશભરની રેસ્ટોરન્ટમાં કરચોરીનો ખતરનાક ખેલ, ઇન્કમટેક્સે AIનો સહારો લઈ દરોડા પાડ્યા, જાણો શું છે માલિકોની મોડસ ઓપરેન્ડી

  • March 10, 2026 12:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત સહિત દેશભરના ફૂડ એન્ડ બેવરેજ સેક્ટરમાં ચાલી રહેલી કરોડો રૂપિયાની ટેક્સ ચોરીને ડામવા માટે આવકવેરા વિભાગે અત્યાર સુધીની સૌથી મોટી ટેકનિકલ સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. ગ્રાહકો પાસેથી રોકડ મેળવીને બિલનો ડેટા સિસ્ટમમાંથી ગાયબ કરી દેવાની નવી ‘મોડસ ઓપરેન્ડી’નો પર્દાફાશ થતા ફફડાટ વ્યાપી ગયો છે. આ મસમોટા કૌભાંડને પકડવા માટે વિભાગે હવે પરંપરાગત રીતો છોડીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) અને બિગ ડેટા એનાલિટિક્સનો સહારો લીધો છે.


ગુજરાતમાં રાજકોટ, અમદાવાદ, દાહોદ અને ગોધરામાં આવી રેસ્ટોરન્ટ્સમાં તપાસ કરતા આ સમગ્ર મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો છે. દેશની રેસ્ટોરન્ટ્સમાં 70 હજાર કરોડથી વધુના ટ્રાન્જેક્શનના બિલનો નાશ કરવામાં આવ્યાનું બહાર આવ્યું છે. પ્રાથમિક ધોરણે ઇન્કમટેક્સ વિભાગે 70 રેસ્ટોરન્ટમાં તપાસ કરતા આ માહિતી બહાર આવી હતી. રેસ્ટોરન્ટના માલિકો બિલ ડિલિટ કર્યા પછી કૂક અને વેઇટરના નામે યુપીઆઇથી રૂપિયા ટ્રાન્સફર કરતા હતા. ટૂંક સમયમાં રેસ્ટોરન્ટ્સ સામે સરકાર આકરા પગલા લે તેવી તૈયારી કરી રહી છે. 


આ રીતે ખેલ ચાલી રહ્યો છે

તપાસમાં સામે આવ્યું છે કે અનેક રેસ્ટોરાં માલિકો ટેક્સની જવાબદારીમાંથી બચવા માટે ખાસ પ્રકારના બિલિંગ સોફ્ટવેરનો ઉપયોગ કરતા હતા. આ સોફ્ટવેરમાં એક ‘હિડન ફીચર’ રાખવામાં આવતું હતું, જેની મદદથી ગ્રાહકને બિલ તો આપવામાં આવતું, પરંતુ રોકડમાં થયેલા વ્યવહારોનો ડેટા દિવસના અંતે અથવા મહિનાના અંતે મેઈન સર્વર પરથી ડિલીટ કરી દેવાતો હતો. સત્તાવાર ચોપડે માત્ર કાર્ડ અથવા ઓનલાઇન પેમેન્ટના જૂજ વ્યવહારો જ દર્શાવવામાં આવતા હતા. ટેક્સ રિટર્ન ફાઈલ કરતા પહેલા છેલ્લા ૩૦ દિવસના બિલિંગ રેકોર્ડ્સ સાફ કરી દેવાતા હતા, જેથી ઓડિટ દરમિયાન કોઈ વિસંગતતા પકડાય નહીં.​​​​​​​

અમદાવાદના ડેટા સેન્ટર પરથી ભાંડો ફૂટ્યો

આ સમગ્ર કૌભાંડના તાર અમદાવાદ સ્થિત એક અગ્રણી સોફ્ટવેર કંપની સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. આવકવેરા વિભાગે આ કંપનીના ડેટા સેન્ટર પર દરોડા પાડીને અંદાજે 60 ટેરાબાઇટ જેટલો વિશાળ ટ્રાન્ઝેક્શન ડેટા જપ્ત કર્યો છે. આ સોફ્ટવેર પ્લેટફોર્મ ભારતના બિલિંગ માર્કેટમાં દસ ટકા હિસ્સો ધરાવે છે. દેશભરની 1.77 લાખથી વધુ રેસ્ટોરન્ટ્સ આ સોફ્ટવેર સાથે જોડાયેલી છે.


ટેક્સ રિટર્નમાં આવક ઓછી દર્શાવવામાં આવી

આ ડેટાના વિશ્લેષણથી જીએસટી અને ઇન્કમ ટેક્સની અબજો રૂપિયાની ચોરી પકડાય તેવી સંભાવના છે. જપ્ત કરવામાં આવેલો ડેટા એટલો વિશાળ છે કે તેનું મેન્યુઅલ ચેકિંગ અશક્ય છે. આથી, અમદાવાદની સ્પેશિયલ ફોરેન્સિક અને એનાલિટિક્સ લેબમાં આ ડેટાનું પ્રોસેસિંગ શરૂ કરવામાં આવ્યું છે. એક્સપર્ટ્સ એ તપાસી રહ્યા છે કે સોફ્ટવેરના કોડિંગમાં ડેટા ડિલીટ કરવા માટે કયા ‘બેકડોર’ બનાવવામાં આવ્યા હતા. ડિલીટ કરવામાં આવેલી એન્ટ્રીઓને રિકવર કરીને અસલી વેચાણના આંકડા મેળવવામાં આવી રહ્યા છે. એઆઇ એવા રેસ્ટોરન્ટ્સની ઓળખ કરી રહ્યું છે જ્યાં ફૂટફોલ (ગ્રાહકોની સંખ્યા) વધુ હોય છતાં ટેક્સ રિટર્નમાં આવક ઓછી દર્શાવવામાં આવી હોય.​​​​​​​


ટેક્સ ચોરી કરનારા વેપારીઓમાં ફફડાટ

આવકવેરા વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, ડેટા વિશ્લેષણ બાદ જે રેસ્ટોરન્ટ્સમાં મોટી ગેરરીતિ જણાશે તેમને નોટિસ ફટકારવામાં આવશે. આ માત્ર ઇન્કમ ટેક્સની જ નહીં પણ જીએસટીની પણ સીધી ચોરી હોવાથી સેન્ટ્રલ જીએસટી વિભાગ પણ આ તપાસમાં જોડાય તેવી શક્યતા છે. ટેકનોલોજીના આક્રમક ઉપયોગથી ટેક્સ ચોરો માટે હવે બચવું મુશ્કેલ બન્યું છે. સરકારના આ પગલાથી પ્રામાણિક કરદાતાઓમાં હરખની લાગણી છે, જ્યારે ટેક્સ ચોરી કરનારા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application