BREAKING NEWS

રાત્રે ગુજરાતમાં મોતની ચિચિયારી ગુંજી...ગોધરામાં ચાર વાહન વચ્ચેની ટક્કરમાં બેનાં મોત, સાણંદમાં ટ્રિપલ અકસ્માત બાદ ભીષણ આગઃ બે ભડથું

  • March 17, 2026 10:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતના સ્ટેટ હાઈવે પર ગઈકાલની રાત મુસાફરો માટે કાળમુખી સાબિત થઈ છે. રાજ્યના બે મહત્વના માર્ગો સાણંદ-વિરમગામ અને ગોધરા-વડોદરા હાઈવે પર રાત્રે સર્જાયેલા બે અલગ-અલગ ગમખ્વાર અકસ્માતોમાં ચાર વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ અકસ્માતોમાં આઠથી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.


સાણંદ-વિરમગામ હાઈવે પર મોડી રાત્રે સર્જાયેલો અકસ્માત અત્યંત હૃદયદ્રાવક હતો. ઘટનાની વિગત મુજબ, કપચી ભરેલી એક ટ્રક હાઈવે પર વળાંક લઈ રહી હતી, તે જ સમયે પૂરપાટ ઝડપે આવી રહેલા એક દૂધના ટેન્કર સાથે તેની ધડાકાભેર ટક્કર થઈ હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે નજીકમાંથી પસાર થઈ રહેલી એક ‘થાર’ કાર પણ તેની અડફેટે આવી ગઈ હતી.


અકસ્માતની ગણતરીની સેકન્ડોમાં જ ઘર્ષણને કારણે ત્રણેય વાહનોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં ત્રણેય વાહનો આગના ગોળામાં ફેરવાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં થાર કારમાં સવાર વ્યક્તિ અને ટ્રકના ક્લીનરનું જીવતા ભુંજાઈ જવાથી ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા જ સાણંદ અને વિરમગામ ફાયર વિભાગની ટીમો દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં વાહનો બળીને ખાખ થઈ ગયા હતા.


બીજી તરફ, પંચમહાલ જિલ્લાના વેજલપુર-ખરસલીયા ચોકડી પાસે પણ એક ભીષણ અકસ્માત સર્જાયો હતો. અહીં કન્ટેનર, આઈશર, ટ્રેલર અને એક વાન એમ ચાર વાહનો વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં રસ્તા પર ફરજ બજાવી રહેલા 32 વર્ષીય ટીઆરબી જવાન જગદીશ મફતભાઈ બારિયા અને લુણાવાડાના 30 વર્ષીય વાન ચાલક અશરફ રશીદ પઠાણનું કરુણ મોત નીપજ્યું હતું. ફરજ પર તૈનાત જવાનના મોતથી પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું.


પંચમહાલના આ અકસ્માતમાં લુણાવાડાનો એક જ પરિવાર ભોગ બન્યો હતો. આ પરિવાર વાનમાં સવાર થઈને ગોધરા તરફ જઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત નડ્યો હતો. વાનમાં સવાર પરિવારના કુલ નવ સભ્યો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાં ચાર બાળકો, ચાર મહિલાઓ અને એક પુરુષનો સમાવેશ થાય છે. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી એક વ્યક્તિની હાલત અત્યંત નાજુક હોવાથી વધુ સારવાર અર્થે વડોદરા રિફર કરવામાં આવી હતી.


એક જ રાતમાં બનેલી આ બે મોટી ઘટનાઓએ ગુજરાતના હાઈવે પરની સુરક્ષા અને વાહનચાલકોની ઝડપ સામે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા કર્યા છે. રાત્રિના સમયે ભારે વાહનોની અનિયંત્રિત ગતિ અને વળાંકો પર સાવચેતીનો અભાવ નિર્દોષ લોકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. પોલીસ હાલ આ બંને મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application