નેત્રહીન અને વિકલાંગ સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ માટે કોમ્પ્યુટર કૌશલ્ય સંદર્ભે લેવામાં આવતી ત્રીપલ- સી અને ત્રિપલ સી પ્લસ ની પરીક્ષા માટે ફીનો જે કોઈ ખર્ચ થશે તે સરકાર ભોગવશે અને આવા અધિકારીઓ તથા કર્મચારીઓને તેમના દ્વારા ભરવામાં આવેલી ફી રિ-એમ્બર્સ કરવામાં આવશે.
ગુજરાત સરકારના સાયન્સ અને ટેકનોલોજી વિભાગ દ્વારા આ સંદર્ભે જાહેર કરવામાં આવેલી સૂચના મુજબ નેત્રહીન અને વિકલાંગ કર્મચારીઓને તાલીમ માટે ત્રીપલ સી માટે રૂપિયાનો 900 અને ત્રીપલ સી પ્લસ માટે રૂપિયા 1,800 ની ફી ઠરાવવામાં આવી છે. જ્યારે કોઈ અધિકારી કે કર્મચારી તાલીમ આપતી સંસ્થાને ફી ચૂકવ્યાની પહોંચ રજૂ કરશે ત્યારે કચેરીમાંથી તેને આ રકમ રિએમ્બર્સ કરી આપવામાં આવશે. જોકે પરીક્ષા પાસ કર્યા બાદ તેમના સેવા કાળ દરમિયાન માત્ર એક વખત આ લાભ મળશે.
સરકારે આ માટે અલગ અલગ જે સેન્ટરને મંજૂરી આપી છે તેમાં વિકલાંગ વિદ્યાવિહાર માધાપર (ભુજ), સૌરાષ્ટ્ર ઝોન માટે અંધજન કલ્યાણ ટ્રસ્ટ ધોરાજી, ઉત્તર ગુજરાત ઝોન માટે અંધજન મંડળ અમદાવાદ, મધ્ય ગુજરાત ઝોન માટે બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ દાહોદ અને દક્ષિણ ગુજરાત ઝોન માટે નેશનલ એસોસિયેશન ફોર ધ બ્લાઇન્ડ નામની સંસ્થાને મંજૂરી આપવામાં આવી છે.
સરકારે જણાવ્યું છે કે ઝોન વાઇસ જે પાંચ સંસ્થાને મંજૂરી આપવામાં આવી છે ત્યાં નેત્રહીન અધિકારીઓ અને કર્મચારીઓ ત્રીપલ સી અને ત્રીપલ સી પ્લસ ની પરીક્ષા આપીને તેનું પ્રમાણપત્ર સરકારમાં રજૂ કરી શકશે. જ્યારે અસ્થિ વિષયક ખામી ધરાવતા અને બધીર કર્મચારીઓ કે અધિકારીઓ આ પાંચમાંથી કોઈ એક સંસ્થામાં તેમની ઈચ્છા મુજબ પ્રવેશ લઈને તાલીમ મેળવી શકશે. સરકારી નોકરીમાં કોમ્પ્યુટરનું નોલેજ હવે ફરજિયાત બનાવવામાં આવ્યું છે અને આ માટે ત્રિપલ સી તથા ત્રીપલ સી પ્લસ પરીક્ષા આપવાની હોય છે.