મિડિલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક એવિએશન ઉદ્યોગ ભારે દબાણ હેઠળ છે. બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર ભારતીય એરલાઈન્સે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સની ટિકિટના દરમાં આશરે 15% નો વધારો કર્યો છે. અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે હોર્મુઝ દરિયાઈ માર્ગ પ્રભાવિત થયો છે, જેનાથી ઈંધણના પુરવઠા પર માઠી અસર પડી છે.
જેટ ફ્યુઅલના ભાવમાં તોતિંગ ઉછાળો
એરલાઈન્સ માટે સૌથી મોટો પડકાર જેટ ફ્યુઅલ (ATF) ના વધતા ભાવ છે. યુદ્ધ શરૂ થયા પહેલા જેટ ફ્યુઅલની કિંમત આશરે 85-90 ડોલર પ્રતિ બેરલ હતી, જે હવે ઉછળીને 150 થી 200 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ છે. બ્રન્ટ ક્રૂડ ઓઈલની કિંમત તાજેતરમાં 120 ડોલર પ્રતિ બેરલના સ્તરને સ્પર્શી ગઈ હતી, જે હાલમાં 93 ડોલરની આસપાસ છે. ઈંધણના ભાવ બમણા થતા એરલાઈન્સ પાસે ભાડું વધારવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી.
40,000થી વધુ ફ્લાઈટ્સ રદ
માત્ર ભાડામાં વધારો જ નહીં, પણ મુસાફરોને ફ્લાઈટ રદ થવાનો પણ સામનો કરવો પડી રહ્યો છે. મિડિલ ઈસ્ટમાં તણાવ શરૂ થયા બાદ અત્યાર સુધીમાં વિશ્વભરમાં 40,000 થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. ભારત સહિત એશિયાની ઘણી મોટી એરલાઈન્સે નુકસાન ઘટાડવા માટે પોતાના વિમાનોને ગ્રાઉન્ડેડ (ઉડાન બંધ રાખવી) કરવાની યોજના બનાવી છે. નિષ્ણાતો આ સ્થિતિને 1970ના દાયકા પછીનું સૌથી મોટું ઓઈલ સંકટ ગણાવી રહ્યા છે.
હજુ પણ વધી શકે છે ભાડું
ભારતીય એરલાઈન્સના જણાવ્યા મુજબ જો વૈશ્વિક સ્તરે તેલની સપ્લાય ચેઈન જલ્દી સામાન્ય નહીં થાય, તો આગામી દિવસોમાં ટિકિટના દરોમાં હજુ પણ વધારો થઈ શકે છે. વધતી જતી ઓપરેશનલ કોસ્ટને કારણે એરલાઈન્સ કંપનીઓ અત્યારે ભારે આર્થિક બોજ હેઠળ છે, જેનો સીધો બોજ હવે મુસાફરોએ સહન કરવો પડશે.