માધાપર ચોકડી પાસે આવેલા સંતોષીનગરની સામે રેલવેના પટમાંથી જીવીત નવજાત બાળક ત્યજી દેવાયેલ હાલતમાં મળી આવ્યું હતું. આ બાળકને ૧૦૮ ની ટીમે તુરંત જ સારવાર માટે ઝનાના હોસ્પિટલના બાળકોના વિભાગમાં ખસેડયું હતું. ગાંધીગ્રામે પાલીસની ટીમે આ બાળક ત્યજી દેનાર નિષ્ઠુર જનતા કોણ? તેની તપાસ શરૂ કરી હતી. તપાસમાં ચોંકાવનારી વિગત સામે આવી છે. મૂળ મધ્યપ્રદેશની ૧૫ વર્ષની સગીરાની પૂછતાછમાં દેવભુમિ દ્વારકા પંથકમાં દાહોદના એક શખસે તેની સાથે દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દેતાં આ બાળક ત્યજી દીધાનું ખુલતાં પોલીસે આરોપી વિરૂધ્ધ બળાત્કાર, પોક્સો એકટ હેઠળ ગુનોનોંધી દેવભૂમિ દ્વારકા પોલીસને તપાસ ટ્રાન્સફર કરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ, ગઈ તા.૨૭ ના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મયુરસિંહ જાડેજાએ શેઠનગરમાં રહેતા ચેતનભાઈ રાયધનભાઈ જીલરીયાની ફરિયાદ પરથી નવજાત બાળકની માતા અને તપાસમાં ખુલે તેના વિરૂધ્ધ બાળકને અસુરક્ષીત રીતે ત્યજી દેવાનો ગુનો નોંધ્યો હતો.
સંતોષીનગરની સામે રેલવેના પટમાં ઝુંપડપડ્ડી પાસે નવજાત બાળક મળી આવ્યું હતું જેને ઝનાના હોસ્પીટલમાં સારવારમાં ખસેડયુ હતુ. જે બાદ બાળકનો જન્મ થતાં જ ત્યજી દીધાના સામે આવતાં બનાવની આળગની તપાસ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીઆઈ એસ. આર. મેઘાણીની રાહબરીમાં પીએસઆઈ પી.બી. વારોતરીયા અને રાઈટર વિશ્વરાજસિંહ દ્વારા હાથ ધરાઈ હતી.
પોલીસ સીસીટીવી કેમેરાના ફુટેજ ચેક કરવા ઉપરાંત આસપાસના લોકો પાસેથી માહિતી મેળવતા ચોંકાવનારા ખુલાસા થયા હતાં. જેમાં જે તે સમયે માધાપર ચોકડી પાસે આવેલ રઘુવીર ઇન્ડસ્ટ્રીઝ ઝોન નજીક ઝુંપડામાં રહેતાં શ્રમિક પરીવાર દ્વારા બાળક ત્યજી દીધેલનું ખુલતાં હાલ મધ્યપ્રદેશ રહેતી સગીરાને બોલાવી પૂછતાછ કરતાં હકીકત સામે આવી હતી.
સગીરાએ વર્ણવેલ હકીકત મુજબ, ૧૦ મહિના પહેલા તેણી પરીવાર સાથે રઘુવીર ઇન્ડસ્ટ્રીઝ ઝોન નજીક ઝુંપડામાં રહેતી હતી અને પરિવાર મજૂરી કામ કરતો હતો. તે દરમિયાન દેવભૂમિ દ્વારકાના નવી ત્રેવડ ગામે પાણીનો ટાંકો બનાવવાનો હોય જેથી ત્યાં મજૂરીકામે ગયેલ હતાં. ત્યાં આરોપી પણ સાથે કામ કરતો હોય જેને લલચાવી ફોસલાવી ગામ નજીક આવેલ ઝાળી ઝાંખરામાં લઇ જઈ બળજબરીથી શરીર સબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું.
જે બાદ ત્યાં કામ પૂરું કરી તેઓ પરત રાજકોટ રહેવાં આવતાં રહેલ હતાં. તે દરમિયાન તેણીને ગર્ભ રહી ગયો હોવાની જાણ થતાં પરીવાર ચોંક્યો હતો. જે બાદ પોતે સગીર હોવાના કારણે તેની ઝુંપડામાં જ પ્રસૃતી કરાવી નાંખી બાળકને ત્યજી દિધું હતું. હાલ પોલીસે સગીરાના પિતાની ફરીયાદ પરથી પુત્રી પર દુષ્કર્મ આચરનાર મુળ દાહોદના ગરબાડાના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો.