BREAKING NEWS

1 વર્ષની બાળકીને દીપડાએ ફાડી ખાધી....રોટલી બનાવતી માતાની બાજુમાંથી દીકરીને તરાપ મારી ઉઠાવી ગયો, ધારીના ત્રંબકપુર ગામની હૃદયદ્રાવક ઘટના

  • November 28, 2025 04:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ધારી ગીર પૂર્વના દલખાણીયા રેન્જમાં ત્રંબકપુર ગામે દીપડાએ માતાની નજર સામે જ તેની એક વર્ષની બાળકીને ઉઠાવી મોતને ઘાટ ઉતાર્યા હૃદયદ્રાવક ઘટના બની છે. બાળકી રોટલી બનાવતી માતાની બાજુમાં જ હતી. ત્યારે દીપડાએ ચપળતાથી તેના પર તરાપ મારી અને ઉઠાવી ગયો હતો. ઘટનાને પગલે માતાએ દેકારો કરતા પરિવારના અન્ય સભ્યો દોડી આવ્યા હતા અને બાળકની શોધખોળ હાથ ધરી હતી. જોકે બાળકીનો મૃતદેહ જ હાથ લાગ્યો હતો.


દીપડાને પકડવા સાત પાંજરા મુકવામાં આવ્યા

મળતી માહિતી મુજબ ત્રંબકપુર ગામે ખેડૂત પરસોતમભાઈ મોરીની વાડીમાં પરપ્રાંતીય મજૂર પરિવાર ભાગ્યું રાખી ખેતી કરે છે. માતા બાળકીને બાજુમાં બેસાડીને રોટલી બનાવતી હતી અને અચાનક દીપડો આવીને બાળકીને ઉઠાવી જતો રહ્યો હતો. બાદમાં તેનો મૃતદેહ હાથ લાગ્યો હતો. મૃતક રીંકુના મૃતદેહને પીએમ માટે ધારીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. 
આ ઘટનાને લઈ દલખાણીયા રેન્જના આરએફઓ સહિત વન વિભાગ અને પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. વન વિભાગ દ્વારા માનવભક્ષી દીપડાને પકડવા સાત પાંજરા મુકવામાં આવ્યા છે. અમરેલી જિલ્લામાં છેલ્લા ચાર દિવસમાં સિંહ અને દીપડા જેવા હિંસક પ્રાણીઓ દ્વારા માનવ પર હુમલાની આ ત્રીજી ઘટના  છે.


રાત્રે ખુલ્લામાં ન સુવુ, ટોર્ચ સાથે રાખવી

RFO હર્ષલ વણિકે જણાવ્યું હતું કે, ત્રંબક ગામે એક માતા રોટલી બનાવી રહી હતી ત્યારે અચાનક દિપડો આવી ગયો હતો અને બાળકીને ઉઠાવી ગયો હતો. શોધખોળ દરમિયાન બાળકી મૃત હાલતમાં મળી આવી હતી. વનવિભાગની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. હાલમાં 7 જેટલા પાંજરા મુકવામાં આવ્યાં છે. દીપડાની શોધખોળ ચાલું છે. વનવિભાગ તરફથી અપીલ કરવામાં આવે છે કે પોતાના બાળકનું ખાસ ધ્યાન રાખવું, રાત્રે ખુલ્લામાં ન સુવુ, ટોર્ચ સાથે રાખવી તેમજ સરકારે આપેલા માચડાનો ઉપયોગ કરે. તેમજ જો નોનવેજ ખાતા હોય તો તેનો એઠવાડ ઘરથી દૂર નાખવો જોઈએ જેથી વન્ય પ્રાણીઓ આર્કષિત ન થાય અને આવી ઘટનાઓ ન બને. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application