સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં એક હૃદયદ્રાવક અને ચકચારી ઘટના સામે આવી છે. અહીં એક નિર્દોષ સગીરાને હવસનો શિકાર બનાવી ચાર નરાધમોએ સામૂહિક દુષ્કર્મ (ગેંગરેપ) આચર્યું હોવાની ઘટનાથી સમગ્ર પંથકમાં રોષ અને અરેરાટી ફેલાઈ ગઈ છે.
પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, આરોપીઓ સગીરાને બળજબરીપૂર્વક અથવા લલચાવી-ફોસલાવીને કોઈ અવાવરું અને નિર્જન સ્થળે લઈ ગયા હતા. ત્યાં ચાર શખ્સોએ સગીરાની લાજ લૂંટી હતી. આ જઘન્ય અપરાધ બાદ પીડિતાના પરિવારને જાણ થતાં જ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લા પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે, સુરત જિલ્લા પોલીસ અધિક્ષક (SP) રાજેશ ગઢિયા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા અને સમગ્ર સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. પોલીસે આરોપીઓ વિરુદ્ધ પોક્સો (POCSO) એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
પીડિતાને તબીબી પરીક્ષણ માટે મોકલવામાં આવી છે અને ફોરેન્સિક પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. આ પ્રકારના ગંભીર ગુનામાં સંડોવાયેલા કોઈપણ શખ્સને છોડવામાં આવશે નહીં. પોલીસ તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ કરી રહી છે. આ ઘટનાએ મહિલાઓ અને ખાસ કરીને સગીરાઓની સુરક્ષા પર ફરી એકવાર પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું છે. પોલીસ હાલ આરોપીઓની શોધખોળ માટે અલગ-અલગ ટીમો બનાવીને દરોડા પાડી રહી છે.