BREAKING NEWS

પબજી રમવા માટે મોબાઇલ ખરીદવા બે સગીરએ મળી બાઇકની ચોરી કરી

  • March 09, 2026 10:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલના સમયમાં ટીનેજર અને બાળકોને મોબાઈલનું વળગણ કંઈ પણ કરાવે એવી ચિંતાજનક સ્થિતિ નિર્માણ થઈ ચૂકી છે. ત્યારે આવી જ એક લાલબત્તીરૂપ ઘટના રાજકોટ જિલ્લાના ભાયાવદર વિસ્તારમાં સામે આવી છે. બે કિશોરવયના મિત્રોએ મળી બાઇકની ચોરી કરી હતી બાદમાં પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલ બંને બાળ આરોપીઓને ઝડપી લઈ બાઇક ચોરી શા માટે કરી હતી? તે અંગે પુછતા ચોંકાવનારૂ કારણ આપ્યું હતું. બંનેને પબજી જેવી ગેમ રમવા માટે એન્ડ્રોઇડ મોબાઈલ લેવો હોય માટે બાઈક ચોરી કરી હતી.


જાણવા મળતી વિગતો મુજબ ગઈ તા. 3-3-2026 ના રાત્રીથી તા. 4/3 ના સવારના 4:30 વાગ્યાના સમયગાળા દરમિયાન ભાયાવદરના મયુરનગર વિસ્તારમાં યુવાને ઘર બહાર પાર્ક કરેલ બાઈકની ચોરી થઈ ગયા અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. વાહન ચોરીના આ બનાવને લઈ ધોરાજી એએસપી સિમરન ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ ભાયાવદર પોલીસ મથકના પીઆઇ વી.સી.પરમારની રાહબરીમાં ટીમે તપાસ હાથ ધરી હતી. દરમિયાન પોલીસે બાઈક ચોરીના આ બનાવમાં બે કિશોરવયના આરોપીઓને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી રૂપિયા 25,000 ની કિંમતનું બાઈક કબજે કર્યું હતું.


બાઈક ચોરીમાં ઝડપાયેલા આ બંને બાળ આરોપીઓને તેમણે શા માટે બાઈક ચોરી કરી હતી? તે અંગે પોલીસે પૂછતાછ કરતા તેમણે એવુ કારણ જણાવ્યું હતું કે, તેમને મોબાઇલ ફોનમાં પબજી જેવી ગેમ રમવી હોય જે માટે એન્ડ્રોઇડ મોબાઈલ ખરીદવો હોય પરંતુ પૈસા ન હોવાથી આ બાઈક ચોરી કરી હતી. બંને બાળ આરોપીઓની આ કબુલાત સાંભળી પોલીસ દ્વારા પ્રજાજોગ અપીલ કરવામાં આવી છે કે, આપના સંતાનોની પ્રવૃત્તિ પર સંપૂર્ણપણે ધ્યાન આપો જેથી તેઓ અણસમજમાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિ આચરે નહીં અને ગેરમાર્ગે દોરાય નહીં.


બાઈક ચોરીના આ બનાવનો ભેદ ઉકેલવાની કામગીરીમાં ભાયાવદર પોલીસ મથકના પીઆઈ વી.સી. પરમાર, એએસઆઇ શક્તિસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ રણજીતભાઈ ડેરૈયા, કુલદીપસિંહ જાડેજા, કોન્સ્ટેબલ સત્યપાલસિંહ જાડેજા, હિમાંશુ ભાઈ હુણ અને અજયભાઈ સોરઠીયા સાથે રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News