BREAKING NEWS

દુબઈમાં મિસાઈલના ધડાકા અને બજારમાં ફફડાટ: અમીર રોકાણકારો સિંગાપોર-હોંગકોંગ તરફ વળ્યા; કરોડોનું ફંડ શિફ્ટ કરવાની તૈયારી

  • March 09, 2026 07:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મધ્ય પૂર્વમાં વધતા જતા ભૂ-રાજકીય તણાવને કારણે દુબઈમાં સંપત્તિ ધરાવતા એશિયાના અમીર રોકાણકારો હવે સુરક્ષિત આશ્રયસ્થાન શોધી રહ્યા છે. જે દુબઈ અત્યાર સુધી ટેક્સ-ફ્રી રોકાણ અને સુરક્ષા માટે જાણીતું હતું, ત્યાંથી હવે નાણાં ખસેડીને સિંગાપોર (Singapore) અને હોંગકોંગ (Hong Kong) જેવા સ્થિર નાણાકીય કેન્દ્રોમાં લઈ જવાની હિલચાલ તેજ થઈ છે.


ભારતીય ઉદ્યોગપતિઓમાં ફેલાયો ડર
તાજેતરના અહેવાલો મુજબ ઈરાની મિસાઈલ અને ડ્રોન હુમલા બાદ દુબઈમાં સ્થાયી થયેલા બે મોટા ભારતીય ઉદ્યોગપતિઓએ પોતાના બેંક ખાતામાંથી 1 લાખ ડોલર થી વધુની રકમ તાત્કાલિક સિંગાપોર ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે હુમલા બાદ સર્જાયેલી ટેકનિકલ ખામીઓને કારણે શરૂઆતમાં આ ટ્રાન્ઝેક્શન અટકી પડ્યા હતા, પરંતુ પાછળથી અન્ય બેંકો દ્વારા નાણાં સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બતાવે છે કે રોકાણકારો હવે ખાડી ક્ષેત્રમાં લાંબા ગાળાનું જોખમ લેવા તૈયાર નથી.


સિંગાપોર અને હોંગકોંગ કેમ બન્યા પસંદગી?

અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ ગમે ત્યારે ભીષણ યુદ્ધમાં ફેરવાઈ શકે તેવી દહેશત છે. સિંગાપોર અને હોંગકોંગ ભૌગોલિક રીતે આ સંઘર્ષથી ઘણા દૂર છે અને ત્યાંની બેન્કિંગ સિસ્ટમ અત્યંત મજબૂત માનવામાં આવે છે. એશિયાના ધનિક પરિવારો હવે પોતાની મૂડીનું વૈવિધ્યકરણ (Diversification) કરી રહ્યા છે જેથી યુદ્ધની સ્થિતિમાં તેમની બધી જ સંપત્તિ એકસાથે જોખમમાં ન મુકાય.


દુબઈનું ટ્રિલિયન ડોલર માર્કેટ દાવ પર

છેલ્લા કેટલાક વર્ષોમાં ચીન અને ભારત સહિતના એશિયાઈ દેશોના રોકાણકારો માટે દુબઈ મુખ્ય વેલ્થ હબ બન્યું છે. UAE ની સેન્ટ્રલ બેંકના જણાવ્યા મુજબ દેશના બેન્કિંગ ક્ષેત્રની કુલ સંપત્તિ 1.48 ટ્રિલિયન ડોલર (આશરે 5.42 ટ્રિલિયન દિરહામ) ને પાર કરી ગઈ છે. દુબઈના પ્રોપર્ટી માર્કેટમાં એશિયાઈ રોકાણકારોનો હિસ્સો સૌથી વધુ છે. જો રોકાણકારો અહીંથી પીછેહઠ કરશે, તો રિયલ એસ્ટેટ માર્કેટમાં મોટો કડાકો આવી શકે છે.


'થોભો અને રાહ જુઓ' ની નીતિ
જોકે બધા જ રોકાણકારો ગભરાટમાં નિર્ણય નથી લઈ રહ્યા. ઘણી સંપત્તિ વ્યવસ્થાપન કંપનીઓ (Wealth Management Firms) ના જણાવ્યા મુજબ, મોટાભાગના ગ્રાહકો અત્યારે સ્થિતિ સ્પષ્ટ થાય તેની રાહ જોઈ રહ્યા છે. UAE સેન્ટ્રલ બેંકે એક નિવેદનમાં જણાવ્યું છે કે દેશનું નાણાકીય તંત્ર સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તમામ વ્યવહારો રાબેતા મુજબ ચાલુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News