BREAKING NEWS

નિર્લિપ્ત રાયે રાજકોટ રેન્જ IGનો ચાર્જ સંભાળ્યો, રેન્જના વહીવટ કરતા અધિકારી-કર્મચારીઓની યાદી મંગાવાયાની ચર્ચા!

  • March 09, 2026 03:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ એડિશનલ પોલીસ કમિશનર તરીકે મુકાયેલા ચૈતન્ય માંડલીક તેમજ રેન્જ આઈજી તરીકે બાહોશ અને કડક અધિકારીની છાપ ધરાવતા એસએમસીના પૂર્વ ડીઆઈજી નિલિપ્ત રાય રાજકોટ સર્કિટ હાઉસ ખાતે પહોંચતા બંને અધિકારીઓનું રાજકોટ શહેર અને રેન્જના અધિકારીઓ દ્વારા બુકે આપી સન્માન કરાયા બાદ આજે બપોરે ૨/૩૦ના સમયે પોતાનો ચાર્જ સાંભળી લીધાના ગણતરીની જ મિનિટોમાં રેન્જ આઈ જી એકશનમાં આવ્યા હતાં અને રેંજના પાંચેય જિલ્લાના જિલ્લા એસપી સાથે બેઠકનો દોર આદર્યો હતો. ઉપરાંત સાંજે ગોંડલની મુલાકાતે પણ જવાના હોવાનું જાણવા મળી રહ્યું છે.


પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ડીઆઈજી કક્ષાના અધિકારીઓની બદલીનો રાઉન્ડ નીકળતા જ રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવની ગાંધીનગર આઇબીમાં તેમજ શહેર પોલીસના એડિશનલ પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયાની સુરત ખાતે બદલી થઈ હતી. આજે રેન્જ આઈ જી અશોકકુમાર યાદવ ચાર્જ છોડી ગાંધીનગર જવા રવાના થયા હતા તો તેમના સ્થાને મુકાયેલા નવા રેન્જ આઈજી નિલિપ્ત રાય તેમજ રાજકોટ એડિશનલ સીપી તરીકે મુકાયેલા ચૈતન્ય માંડલીક રાજકોટ સર્કિટ હાઉસ ખાતે પહોંચતાં તેઓનું ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા


રાજકોટ રેન્જના નવનિયુક્ત આઈજી ને ગ્રામ્ય એસ.પી વિજયસિંહ ગુર્જર, એલસીબી પીઆઇ વીવી ઓડેદરા સહીતના અધિકારીઓએ બુકે આપી સન્માન કર્યા બાદ બાહોશ અધિકારી નિર્લિપ્ત રાયે પોતાનો રેન્જ આઈ જી તરીકેનો ચાર્જ સંભાળતાની સાથે જ રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી અને સુરેન્દ્રનગરના એસપી સાથે કોન્ફરન્સ બેઠકોનો દોર શરૂ કર્યો હતો. પાંચેય જિલ્લાની ક્રાઈમની સ્થિતિ જાણી તેના પર મંથન કર્યું હતું, તેમજ બાહોશ અધિકારી નિલિપ્ત રાયની રાજકોટ રેન્જ આઈજી તરીકે બદલી થતાં જ ગોંડલનું રાજકારણ ગરમાયું હોય સોશિયલ મીડિયા પર થયેલ પોસ્ટ અને ધારાસભ્ય દ્વારા અપાયેલ નિવેદન બાદ ગોંડલ ફરી ચર્ચામાં રહેતાં નિલિપ્ત રાય રાજકોટ રેન્જના તમામ એસપી સાથેની બેઠક બાદ તુરંત ગોંડલ મુલાકાતે જનાર છે અને ત્યાંથી સ્થિતિનો તાગ મેળવી સ્થાનિક પોલીસને સૂચનો પણ કરશે તેવું જાણવા મળી રહ્યું છે.


આ ઉપરાંત શહેર પોલીસના એડી. સીપી તરીકે બદલી પામનાર ચૈતન્ય માંડલિક પણ બપોરના સમયે પરીવાર સાથે સર્કીટ હાઉસ પર પહોંચ્યા હતાં. જ્યાં તેઓનું ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, ડીસીપી ટ્રાકીક હરપાલસિંહ જાડેજા અને ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ.આર.ગોંડલીયા સહિતના પોલીસ અધિકારીઓએ સ્વાગત કર્યું હતું.જે બાદ તેઓએ બપોરે ચાર્જ સંભાળી એકશન મોડમાં આવ્યાં હતાં અને તેઓએ પણ શહેરની ક્રાઈમ કુંડળી અંગે માહિતી મેળવી હતી.


દેખાવે ચોકલેટી પરંતુ ગોંડલીયા મરચા જેવા તીખા તેવર દેખાડશે રાય

2010 ની બેન્ચના આઇપીએસ અધિકારી નિર્લિપ્ત રાય નું પ્રથમ પોસ્ટિંગ પ્રોફેશનલ તરીકે હિંમતનગર, ત્યારબાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, અમરેલી એસપી, અને ડીઆઈજી તરીકે સ્ટેટ મોનિટરિંગ સેલમાં ફરજ બજાવી ચૂક્યા છે, દેખાવે ચોકલેટી લાગતા નિર્લિપ્ત રાય ગુનેગારો માટે ગોંડલીયા તીખા મરચા જેવા સાબિત થશે, એટલું જ નહીં પોલીસમાં કરપ્શન કરતા અધિકારીઓ અને કર્મચારીઓ ને પાઠ ભણાવવામાં પણ તેમનો જોટો જડે તેમ નથી તેમના આકરા અને કડક હાથે કામ લેવાની છાપના કારણે ગુનેગારો જ નહીં પરંતુ ગ્રામ્ય પોલીસમાં રીતસર નો ફફડાટ ફેલાયો છે.


રેંજના વહીવટ કરતા અધિકારી કર્મચારીઓની યાદી મંગાવાયાની ચર્ચા!

પ્રમાણિક અને કડક આઇપીએસ અધિકારીની છાપ ધરાવતા રાજકોટ રેન્જ આઈ જી તરીકે ચાર્જ સંભાળતા ની સાથેજ નિર્લિપ્ત રાયે રેંજના પાંચ જિલ્લામાં ફરજ બજાવતા અને એસપીના તેમજ બ્રાન્ચો સહિતના વહીવટદારો કોણ કોણ છે? તે અંગે પણ ગુપ્ત રીતે યાદી મંગાવ્યાનું વિશ્વાસુ સૂત્રો અને પોલીસ બેડામાં ચર્ચાઈ રહ્યું છે જેના કારણે પોલીસ બેડામાં રીતસરનો ગભરાટ જોવા મળી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News