વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન, ટ્રફ જેવી જુદી જુદી સિસ્ટમોના કારણે દેશના મોટાભાગના રાજ્યોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને તોફાની પવન મેઘ ગર્જના સાથે વરસાદ શરૂ થઈ ગયો છે. ગુજરાતમાં આવતીકાલથી બે દિવસ માટે માવઠાની આગાહી કરવામાં આવી છે. ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ જમ્મુ કાશ્મીર લદાખ ઉત્તરાખંડ સહિત અનેક જગ્યાએ વરસાદ સાથે બરફ વર્ષા શરૂ થઈ ગઈ છે. પ્રતિ કલાકના 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય છે અને અમુક તબક્કે તેની ઝડપ વધીને 70 કિલોમીટર આસપાસ પહોંચી જાય છે.
પૂર્વોતરના રાજ્યો આસામ મેઘાલય અરુણાચલ સિક્કિમ સહિતના રાજ્યોમાં પણ પ્રતિ કલાકના 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન સાથે વરસાદ શરૂ થયો છે. પવનની ઝડપ અમુક તબક્કે વધીને 50 કિલોમીટર સુધી પહોંચી જાય છે. પશ્ચિમ બંગાળ સિક્કિમ મધ્ય પ્રદેશ વિદર્ભ ઓડિશા ઝારખંડ છત્તીસગઢ બિહાર રાજસ્થાન આંધ્રપ્રદેશ કર્ણાટકા કેરલા તમિલનાડુ પોંડીચેરી સહિતના રાજ્યોમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે અને આગામી તારીખ 19 સુધી દેશના અનેક રાજ્યોમાં વરસાદ માટે ચેતવણી આપવામાં આવી છે.
ગુજરાતમાં તારીખ 18 અને 19 ના રોજ વરસાદ માટેની આગાહી કરવામાં આવી છે. આવતીકાલ તારીખ 18 ના બનાસકાંઠા સાબરકાંઠા પાટણ જામનગર મોરબી દ્વારકા અને કચ્છ જિલ્લામાં વરસાદ માટેનું એલર્ટ અપાયું છે. તારીખ 19 ના આ તમામ વિસ્તાર ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છના મોટાભાગના વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં પણ વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ અને તાપી જિલ્લામાં વરસાદ માટેનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વરસાદી વાતાવરણ પહેલા આજે દીવ પોરબંદર સુરત સહિતના દરિયાકાંઠાના અનેક વિસ્તારોમાં જાકળ જોવા મળી હતી આજે સવારે દિવમાં 90 દ્વારકામાં 85 નલિયામાં 84 ઓખામાં 88 કંડલામાં 88 પોરબંદરમાં 93 સુરતમાં 91 અને વેરાવળમાં 84% ભેજ નોંધાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application