BREAKING NEWS

રાજકોટ જિલ્લા પંચાયતે સ્થળાંતરના 69 લાખના કૌભાંડને કબરમાં દફનાવી દીધું, છ મહિના પછી પણ હજુ રિપોર્ટ જાહેર થયો નથી

  • March 09, 2026 11:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ જિલ્લા પંચાયતની મુખ્ય કચેરીનું યાજ્ઞિક રોડ પરથી જૂના કોર્ટ બિલ્ડિંગમાં એકાદ વર્ષથી વધુ સમય પહેલા સ્થળાંતર કરવામાં આવ્યું ત્યારે રૂપિયા 69 લાખનો થયેલો ખર્ચ છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં હોવા છતાં અને આ મામલે તપાસ સમિતિની પણ રચના કરવામાં આવી હોવા છતાં હજુ સુધી 'દૂધનું દૂધ અને પાણીનું પાણી' કરવામાં આવ્યું નથી અને આવું કરવા માટેનો કોઈ પ્રયાસ પણ સત્તાવાળાઓ તરફથી કરવામાં આવતો ન હોવાથી આ સમગ્ર પ્રકરણને કબરમાં દફનાવી દેવામાં આવ્યું હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે.

રાજકોટ જિલ્લા પંચાયતની મુખ્ય કચેરીનું સ્થળાંતર કરવામાં આવ્યું ત્યારે તેની પાછળ રૂપિયા 69 લાખ જેટલો ખર્ચ થયો હોવાની જિલ્લા પંચાયતની જુલાઈ 2025ના માસમાં મળેલી સામાન્ય સભામાં કબુલાતમાં કરવામાં આવી હતી. પરંતુ આ સમગ્ર મામલો એકાએક ગરમાઈ જતા અને આમાં કૌભાંડ થયું છે તેવો આક્ષેપ કરવામાં આવતા 69 લાખ પૈકી અત્યાર સુધીમાં જુદા જુદા આઠ બિલના કુલ રૂપિયા 19,42,413 માત્ર ચૂકવવામાં આવ્યા છે અને બાકીની રકમના બિલ હજુ મળ્યા નથી, બિલ મળ્યા પછી બાંધકામ શાખા દ્વારા ચકાસણી કરીને જરૂરી મંજૂરી પછી ચૂકવવામાં આવશે તેવો જવાબ તારીખ 27 ફેબ્રુઆરી 2026 ની સામાન્ય સભામાં આપવામાં આવ્યો છે. જોકે આ પહેલાની જુલાઈ માસની 2025 ની સામાન્ય સભામાં 69 લાખમાંથી કઈ બાબતમાં કેટલો ખર્ચ થયો છે તેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી અને જણાવ્યું હતું કે અત્યાર સુધી 19.42 લાખ રૂપિયા ચૂકવાયા છે અને બાકીની રકમ માટે ગ્રાન્ટની માંગણી વિકાસ કમિશનર સમક્ષ કરવામાં આવી છે. એક બાજુ એવો જવાબ આપવામાં આવે છે કે હજુ બિલ મળ્યા નથી ત્યારે બીજી બાજુ આ બિલના આધારે ગ્રાન્ટની વધારાની માગણી ગાંધીનગરમાં કરવામાં આવી છે તેવો જવાબ પણ આપવામાં આવે છે.


આ સમગ્ર બાબતમાં જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના આગેવાન મનસુખભાઈ સાકરીયા તો 84 લાખનું કૌભાંડ હોવાનું જણાવે છે. બધી જ રકમનું કૌભાંડ ન હોય પરંતુ મામુલી રકમ ચૂકવીને મોટી રકમની ગેરરીતીના આક્ષેપો થઈ રહ્યા છે. આ પ્રકારના આક્ષેપ પછી તપાસ સમિતિ નિમાવવામાં આવી હતી અને સમિતિનો રિપોર્ટ 30 દિવસમાં જાહેર કરી દેવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી. આ વાતને છ મહિનાથી વધુ સમય થઈ ગયો છે પરંતુ હજુ સુધી આવો કોઈ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો નથી, અને હવે તો ચૂંટાયેલા વર્તમાન બોર્ડની મુદત પૂરી થવા આડે આંગળીના વેઢે ગણાય કેટલા દિવસો બાકી છે.


2025 ના જુલાઈ માસમાં મળેલી રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં એવો જવાબ આપવામાં આવ્યો હતો કે ત્રણ વર્ષથી બંધ હાલતમાં પડેલા જુના કોર્ટ બિલ્ડીંગની સફાઈ પાછળ રૂપિયા 12.23 લાખનો ખર્ચ થયો છે. બિલ્ડીંગના જોઈન્ટમાં એસીપી પેનલ, વોટરપ્રૂફિંગ જેવા કામ પાછળ રૂપિયા 16.5 લાખનો ખર્ચ થયો છે. આવી જ રીતે પદાધિકારીઓની ચેમ્બરમાં એલ્યુમિનિયમ સેક્શન, પડદા, કલર કામ, ફીક્સ ફર્નિચર કાઢીને રીપેર કરવા અને નવી જગ્યાએ લગાવવા માટેના રૂપિયા ૧૨ લાખનો ખર્ચ થયો હોવાનું સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું હતું. અધિકારીઓની ચેમ્બરમાં ડાયસ હટાવીને ફ્લોરિંગની કામગીરી, બારી દરવાજા રીપેરીંગ, ગ્લાસ પાર્ટીશન પેનલ, નવી લોખંડની ગ્રીલ, બે અધિકારીઓની નવી ચેમ્બર બનાવવા સહિતની કામગીરી પાછળ રૂપિયા ૧૨.૧૩ લાખનો ખર્ચ થયો હોવાનો જવાબ જિલ્લા પંચાયત દ્વારા ભૂતકાળમાં આપવામાં આવ્યો છે. અંડરગ્રાઉન્ડ વોટર ટેંકમાં ડીસઇન્ફેક્શનની કામગીરી, બિલ્ડિંગમાં પ્લાસ્ટર, કલર કામ, 15 જેટલી જગ્યાએ જી-સ્વાનના રાઉટરના પ્લેટફોર્મ બનાવવા જેવી કામગીરી પાછળ રૂપિયા 4.80 લાખનો ખર્ચ થયો હોવાનું પણ જણાવાયું હતું. બિલ મળ્યા વગર આના પાઇ સહિતનો આ ખર્ચ કેવી રીતે રજૂ કરાયો હશે ? જો કોભાંડ નથી જ થયું અને બધું બરાબર છે તો તપાસ સમિતિનો રિપોર્ટ સાર્વજનિક શા માટે કરવામાં આવતો નથી ?તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે.


ઈમલાની રૂપિયા 56.28 લાખની આવક થઈ

જૂનું બિલ્ડીંગ તોડી પાડવા માટે જે એજન્સીને ઈમલાનું કામ સોપવામાં આવ્યું હતું તેમાંથી રાજકોટ જિલ્લા પંચાયતને રૂપિયા 56.28 લાખની આવક થઈ છે. જૂના બિલ્ડીંગમાં રહેલ જૂનું ફર્નિચર, એર કન્ડિશન, પંખા વગેરે જુના કોર્ટ બિલ્ડિંગમાં ઉપયોગમાં લેવાયા છે. નવું વધારાનું કોઈ ફર્નિચર બનાવવામાં આવ્યું નથી તેવી વાતો કરવામાં આવે છે. તો પછી આટલો બધો ખર્ચ સ્થળાંતર માટે કેમ થયો હશે?તેવા સવાલો પણ પૂછાઇ રહ્યા છે.


એક વર્ષ પછી પણ હજુ એજન્સીએ બિલ કેમ નહીં મૂક્યા હોય?

જિલ્લા પંચાયતના સ્થળાંતરને એકાદ વર્ષ જેટલો સમય પસાર થઈ ગયો છે. છેલ્લે તારીખ 27 ફેબ્રુઆરીના મળેલી સામાન્ય સભામાં એવો જવાબ લેખિતમાં આપવામાં આવ્યો છે કે શિફટીગ અને રીપેરીંગના કામ માટે અત્યાર સુધીમાં આઠ બિલ મંજૂર કરવામાં આવ્યા છે અને તે પેટે રૂપિયા 19,42,413 નું ચુકવણું કરવામાં આવ્યું છે. એજન્સી દ્વારા બિલ રજૂ થાય પછી બાંધકામ શાખા દ્વારા ચકાસણી કરી જરૂરી મંજૂરી મેળવ્યા પછી તે ચૂકવવામાં આવશે. એક વર્ષ જેટલો સમય પસાર થઈ જવા છતાં હજુ એજન્સીએ શા માટે તમામ બિલ નહીં મૂક્યા હોય ? શું આ સમગ્ર પ્રકરણ ટાઢું પડી જાય તેની રાહ જોવામાં આવી રહી છે? તેવો સવાલ પણ પૂછાઇ રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News