BREAKING NEWS

રાજ્યમાં સૌથી વધુ ઠંડીમાં રાજકોટ બીજા નંબરે, આબુમાં માઈનસ 3 ડિગ્રી, પાણી થીજી ગયું, ગુજરાતમાં હજુ ઠંડી વધશે

  • January 04, 2026 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બે-ત્રણ દિવસથી ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. ગુજરાતમાં 8 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર બન્યું છે. તો રાજકોટ 9.4 ડિગ્રી તાપમાન સાથે બીજા નંબર પર છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઉત્તરપૂર્વથી પૂર્વ દિશા તરફ પવન ફૂંકાતા ઠંડીનું જોર વધ્યું છે. આગામી દિવસોમાં ગુજરાતમાં તાપમાનનો પારો હજુ પણ બેથી ત્રણ ડિગ્રી ગગડી શકે છે.


માઉન્ટ આબુમાં તાપમાન માઇનસ 3 ડિગ્રીએ પહોંચ્યું

ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના માઉન્ટ આબુમાં તાપમાન માઇનસ 3 ડિગ્રીએ પહોંચ્યું છે. અહીં લઘુત્તમ તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. હાલમાં મેદાનો અને વાહનો પર બરફની થર જામી ગઈ છે. પક્ષીઓ માટે ઘરની બહાર રાખેલા પાણીના કુંડા પણ થીજી ગયા છે અને ઝાકળના ટીપાં બરફમાં ફેરવાઈ ગયા છે. તીવ્ર ઠંડીને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. તો બીજી તરફ પ્રવાસીઓ કડકડતી ઠંડીમાં પણ મોજ માણતા નજરે પડ્યાં હતાં.


હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી ત્રણ દિવસમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે. પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વ તરફ હોવાથી તાપમાનમાં ફેરફાર જોવા મળી શકે છે. આગામી 9 જાન્યુઆરી સુધી સમગ્ર રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા નથી. તેમજ વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવના પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. બાદમાં તાપમાન ઊંચી જતા ઠંડીનું જોર ઘટી શકે છે.


હવામાન વિભાગના જણાવ્યાં પ્રમાણે, ગુજરાતમાં સૌથી ઠંડુગાર શહેર નલિયા નોંધાયું છે. નલિયામાં 8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજકોટમાં 9.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તેમજ ડીસામાં પણ તાપમાનનો પારો ગગડીને 10.8 ડિગ્રીએ પહોંચ્યો છે. હાલમાં ઉત્તર ભારતમાં હિમવર્ષા થઈ રહી છે, તેની સીધી અસર ગુજરાતના હવામાન પર જોવા મળી રહી છે. ઉત્તરપૂર્વથી પૂર્વ દિશા તરફ પવન ફૂંકાઈ રહ્યા છે, તેના કારણે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના અનેક શહેરમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. તેમજ હજુ પણ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીના ઘટાડાની પણ આગાહી કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application