BREAKING NEWS

રાજકોટની ઝેરી બનતી હવા...? પ્રદૂષણમાં નવી દિલ્હી સાથે હરિફાઈ, રંગીલા શહેરનો AQI હવે 200ને પાર

  • November 28, 2025 04:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વાયુ પ્રદૂષણ મામલે રાજકોટ શહેર હવે જાણે નવી દિલ્હી સાથે હરિફાઇમાં હોય તેવી સ્થિતિ સામે આવી છે.પર્યાવરણીય દ્રષ્ટિએ હવાની શુધ્ધતા અને ગુણવત્તાનું માપન જેનાથી થાય તે છે એર ક્વોલિટી ઇન્ડેક્સ, જો આ ઇન્ડેક્સ ૧૦૦થી જેટલો નીચે હોય તો તેટલી આદર્શ સ્થિતિ માનવામાં આવે છે પરંતુ રાજકોટ શહેરમાં તો ગઇકાલે તા.૨૭ નવેમ્બર ૨૦૨૫ને ગુરુવારે આ ઇન્ડેક્સ ૨૦૦ને પાર પહોંચી ગયો હોવાનું રાજકોટ મહાપાલિકાના સત્તાવાર રિપોર્ટમાં જાહેર થયું છે.


રાજકોટ મહાપાલિકાના આઇ વે પ્રોજેક્ટના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમના સેન્સરમાં થયેલી નોંધ મુજબ મહાપાલિકાની મુખ્ય કચેરી જ્યાં આવેલી છે તે ઢેબર રોડ ઉપરનો કોર્પોરેશન ચોકની હવા સૌથી વધુ પ્રદૂષિત છે, ત્યાંનો એર ક્વોલિટી ઇન્ડેક્સ ૨૦૧ છે, જ્યારે સમગ્ર શહેરમાં જ્યાં આગળ સૌથી વધુ વૃક્ષો આવેલા છે તે રેસકોર્સ રિંગ રોડની હવા એકદમ શુધ્ધ છે, ત્યાંનો એર ક્વોલિટી ઇન્ડેક્સ ફ્ક્ત ૩૦ છે. આ ઉપરાંત સૌથી શુધ્ધ હવા તો કોઠારીયા ગામ વિસ્તારની જે જ્યાંનો ઇન્ડેક્સ તો સૌથી નીચો ૨૯ નોંધાયો છે.


રાજકોટ શહેરમાં વધતા જતા વાહનો અને ઘટતા જતા વૃક્ષોને કારણે પ્રદૂષણ વધ્યું છે તે વાસ્તવિકતા છે. રાજકોટમાં પરિવાર દીઠ એક વૃક્ષ નથી પરંતુ પરિવારમાં જેટલા સભ્યો હોય તેટલા વાહનો અચુક જોવા મળે છે.


એકંદરે પ્રદુષણ વધ્યું છે તે બાબત સ્વીકારીએ તો પણ સેન્સરમાં પણ લોચા હોવાનું પણ ચિત્ર ઉપસે છે કારણ કે કોર્પોરેશન ચોકનો ઇન્ડેક્સ ૨૦૧ હોય તો ત્યાંથી ૫૦ મીટરના જ અંતરે આવેલા ત્રિકોણબાગ ચોકનો ઇન્ડેક્સ ફ્ક્ત ૩૯ કેવી રીતે હોય શકે ? શું વાયુ પ્રદૂષણ કોર્પોરેશન ચોકમાં સ્થિર થઇ જતું હશે ? ત્યાંથી આગળ વધતું જ નહીં હોય ? સહિતના અનેક સવાલો ઉપસ્થિત થઇ રહ્યા છે જેનો જવાબ રાજકોટ મહાપાલિકામાં કોઇ પાસે નથી.

રાજકોટના કયા વિસ્તારનો AQI કેટલો ?


૧. કોર્પોરેશન ચોક-૨૦૧

૨. સોરઠિયાવાડી- ૧૩૯

૩. પ્રદ્યુમન પાર્ક ઝૂ- ૧૩૫

૪. નાના મવા સર્કલ- ૧૦૮

૫. ગ્રીનલેન્ડ ચોક- ૧૦૮

૬. ડિલક્સ ચોક- ૧૦૫

૭. જામ ટાવર ચોક- ૧૦૪

૮. રામાપીર ચોક- ૧૦૧

૯. ઇસ્ટ ઝોન ઓફિસ- ૬૪

૧૦. કોઠારીયા- ૨૯

૧૧. મહિલા કોલેજ ચોક- ૪૫

૧૨. જ્ડુસ ચોક- ૪૪

૧૩. મોરબી રોડ- ૭૩

૧૪. દેવપરા- ૫૬

૧૫. જિલ્લા પંચાયત ચોક- ૪૮

૧૬. અટીકા- ૮૭

૧૭. જંક્શન રેલવે સ્ટેશન- ૨૦

૧૮. ત્રિકોણ બાગ- ૩૯

૧૯. આજી ડેમ- ૬૭

૨૦. રેસકોર્સ- ૩૦


પર્યાવરણનો અભ્યાસ કે વાતોના વડા?

રાજકોટ મહાપાલિકાએ યુએસએની એક એજન્સી સાથે રાજકોટ શહેરના પર્યાવરણીય અભ્યાસ માટે દોઢેક વર્ષ પૂર્વે એમઓયુ કર્યા છે અને આ એજન્સીના ભારતીય સ્થાનિક પ્રતિનિધિઓને આ કામગીરી માટે મહાપાલિકા કચેરીમાં કમિશનર બ્રાન્ચની બાજુમાં વિશાળ અને સુવિધાયુક્ત ઓફિસની ફાળવણી કરાઇ છે. રાજકોટનું લઘુતમ અને મહતમ તાપમાન, વરસાદ, પ્રદૂષણ વિગેરેનો આ એજન્સી ઉંડો અભ્યાસ કરીને રિપોર્ટ આપશે તેવું જાહેર કરાયું હતું. પરંતુ આજ દિવસ સુધી આ એજન્સીએ રિપોર્ટ આપ્યો નથી. ખરેખર રાજકોટનો એર ક્વોલિટી ઇન્ડેક્સ વધવાનું કારણ આ એજન્સી પાસે જ શોધાવી ને જાહેર કરવા ફરજ પાડવી જોઇએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application