BREAKING NEWS

કાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નું બજેટ: સંશોધન પ્રવૃત્તિને અપાશે પ્રાધાન્ય

  • March 12, 2026 09:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું બજેટ આવતીકાલે ફાઇનાન્સ કમિટીની બેઠકમાં રજૂ કરવામાં આવશે. ગયા વર્ષે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નું બજેટ રૂપિયા 200 કરોડને પાર કરી ગયું હતું. આ વખતે તે કદમાં પણ અનેકગણો વધારો થવાની ભરપૂર સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ આ વર્ષે બજેટમાં સંશોધનને લગતી પ્રવૃત્તિને વધુ પ્રાધાન્ય આપવામાં આવે તેવી શક્યતા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાપનાને 60 વર્ષ પુરા થતા હોવાથી મોટાભાગના ભવનોને તે માટે ખાસ ફંડ ફાળવવામાં આવશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને કેન્દ્ર સરકાર તરફથી પીએમ ઉષા યોજના અંતર્ગત રૂપિયા 100 કરોડની ગ્રાન્ટ મળી છે. તેમાંથી વિકાસના અનેક કામો થઈ રહ્યા છે. આ વખતે આ ગ્રાન્ટના ઉપયોગથી અને કેન્દ્ર તથા રાજ્ય સરકારની અન્ય ગ્રાન્ટમાંથી સંશોધનલક્ષી પ્રવૃત્તિને વેગ મળે તે માટેના પ્રયાસો બજેટમાં સ્પષ્ટપણે જોવા મળશે. ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી ભવન માટે સંશોધનના આધુનિક સાધનો ખરીદવાની દરખાસ્ત પણ કરવામાં આવી છે. બજેટમાં આ બાબતોને સમાવવા માટે જે દરખાસ્ત થઈ છે તેની મળતી માહિતી મુજબ ગાંધીનગરમાં આઈઆઈટીની જે લેબોરેટરી છે તેવી લેબોરેટરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્થાપવા માટેની આ દરખાસ્ત છે. જો આ લેબોરેટરી સ્થપાશે તો બેક્ટેરિયાનું જનીનીક બંધારણ જાણી શકાશે. આ માટે બાયો સાયન્સ ભવનમાં એક ખાસ મશીન પણ ખરીદવાની દરખાસ્ત છે. આ ઉપરાંત રૂપિયા 70 લાખના ખર્ચે બાયોલોગ માઈક્રોબીઅલ આઈડેન્ટીફીકેશન સિસ્ટમ ડેવલપ કરવા માટેના ફંડની પણ માગણી કરવામાં આવી છે. આરટીપીસીઆરનુ રૂપિયા 18 લાખનું મશીન અને પ્રોટીન પ્યોરીફીકેશન સિસ્ટમ ખરીદવા માટે રૂપિયા 65 લાખના બજેટની માંગણી પણ સંશોધનલક્ષી પ્રવૃત્તિ કરતા વિભાગો તરફથી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે અત્યારે એનએફડીડી માં એનએમઆર મશીન છે પરંતુ તે બંધ હાલતમાં છે અને રિપેર ન થઈ શકે તેવી સ્થિતિમાં છે. આ મશીનના બદલે નવું બીજું મશીન રૂપિયા સાડા ત્રણ કરોડના ખર્ચે ખરીદવા માટે વાતથી ચાલી રહી છે. કંપની સાથે બાયબેક સિસ્ટમ સંદર્ભે પણ યુનિવર્સિટીના સતાવાળાઓ વાત કરી રહ્યા છે.

ઉદ્યોગોની જરૂરિયાત મુજબ સંશોધન થાય તે માટે પણ સ્થાનિક ઉદ્યોગપતિઓ અને ગુજરાત તથા બહારના ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો સાથે વાતચીત થઈ રહી છે અને તે બાબતને ધ્યાનમાં રાખી તેવા ફ્રેમવર્ક મુજબના સંશોધનને લગતા કામો આગળ ધપાવવાની દિશામાં પણ કામગીરી થઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application