શહેરમાં સિંધિ સમાજના ઇષ્ટદેવ ભગવાન ઝૂલેલાલજીના જન્મોત્સવ નિમિત્તે ચેટીચંડ પર્વને ભવ્ય રીતે ઉજવવાની તૈયારીઓ તેજ બની છે. સિંધિ યુવા સેના અને હર મંદિર ટ્રસ્ટ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. હર મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ધનરાજભાઈ જેઠાણી, લીલારામભાઈ પોપટાણી, રાજાભાઈ હિન્દુજા, અજીતભાઈ લાલવાણી, બ્રીજલાલભાઈ સોનવાણીના માર્ગદર્શન હેઠળ વર્ષોથી ચાલી આવતી પરંપરા અનુસાર આ પાવન દિવસે શહેરમાં વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ ૧૦૭૬મા ઝૂલેલાલ સાંઈજીના જન્મદિવસની ઉજવણી વિશેષ ઉત્સાહ અને ધાર્મિક ભાવનાથી કરવામાં આવશે.
તા. 20 માર્ચ ૨૦૨૬ના રોજ બપોરે ૩:૩૦ વાગ્યે લાલસાંઈની પૂજા-આરતી બાદ રાજકોટના રામનાથપરા સ્થિત હર મંદિર ટ્રસ્ટ ખાતેથી શોભાયાત્રાનું પ્રસ્થાન થશે. આ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાગ લેશે અને શહેરના વિવિધ વિસ્તારોમાં ભક્તિમય માહોલ સર્જાશે. શોભાયાત્રામાં ડીજેના તાલે ભક્તિગીતો, પરંપરાગત ભેરાણા સાહેબનો રથ, સજાવટ કરેલા ઘોડા, આકર્ષક વાહનો અને વિવિધ સાંસ્કૃતિક ઝાંખીઓ મુખ્ય આકર્ષણ રહેશે.
શહેરના વિવિધ વિસ્તારોમાં યાત્રાનું સ્વાગત કરવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. માર્ગ પર ઠેર ઠેર સ્વાગત દ્વાર, ફૂલોથી સજાવટ અને ભક્તોને પ્રસાદ વિતરણની વ્યવસ્થા કરવામાં આવશે. આ સાથે, સમાજના આગેવાનો અને સેવાભાવી યુવાઓ દ્વારા યાત્રાની વ્યવસ્થા સુચારુ રીતે પાર પડે તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
ઈતિહાસ મુજબ, ૧૯૪૭માં ભારતના ભાગલા બાદ રાજકોટના રામનાથપરા વિસ્તારમાં સિંધિ સમાજ દ્વારા પ્રથમ હર મંદિર ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારથી લઈને આજ સુધી, અવિરત રીતે દર વર્ષે ચેટીચંડના પર્વે ઝૂલેલાલ ભગવાનના જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે. આ પર્વ સિંધિ સમાજ માટે આસ્થા, એકતા અને સંસ્કૃતિનું પ્રતિક માનવામાં આવે છે.
આ શોભાયાત્રા આયોજન માટે દિનેશભાઈ પારવાણી, જયેશભાઈ વત્યા, અમિતભાઈ શહાની, મનોજભાઈ આર્ત્વાણી, સંદીપભાઈ નાવાણી, જાહેમત ઉઠાવી રહ્યા છે. વધુ માહિતી માટે દિનેશભાઈ પારવાણીનો સંપર્ક ૯૪૨૯૯૧૭૦૫૩ નંબર ઉપર કરી શકાય છે.
શોભાયાત્રા માર્ગ
રામનાથપરા શ્રી હરમંદિરથી પ્રસ્થાન - કોઠારિયાનાકા ચોક – ગુજરી બજાર – નાવાનાકા રોડ – કંદોઈ બજાર – દાણાપીઠ – કોર્ટચોક – નાગરિક બેંક – જયુબેલી ચોક – મોટીટાંકી ચોક – ત્રિકોણબાગ – સાંગણવા ચોક – લાખાજીરાજ રોડ – દિવાનપરા ઢાળ – કોઠારિયાનાકા – શ્રી હરમંદિર ખાતે પુર્ણાહુતી
નવાનકા રોડ સિંધિ કાપડ બજાર એસોસિએશન દ્વારા વિવિધ કાર્યક્રમો
નવાનકા રોડ સિંધિ કાપડ બજાર એસોસિએશન દ્વારા “ચેટીચાંદ-૧૦૭૬” મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. સવારે ૧૦ વાગ્યાથી ૧ વાગ્યા સુધી ભજન, કીર્તન અને આધ્યાત્મિક પ્રવચનોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં જાણીતા ભજન ગાયક અમિતકુમાર ધનવાણી અને તેમની પાર્ટી દ્વારા ભજનો રજૂ કરવામાં આવશે. સાંજે વિશેષ મહાપ્રસાદનું આયોજન રાખવામાં આવ્યું છે. શ્રી હરમંદિર ખાતેથી નીકળેલી શોભાયાત્રાનું ૪:૩૦ વાગ્યે સ્વાગત કરવામાં આવશે.