BREAKING NEWS

અમરેલી કોર્ટને બોમ્બની ધમકી, મુંબઈ હુમલાના આતંકી અજમલ કસાબ નામનો મેઇલમાં ઉલ્લેખ

  • March 09, 2026 01:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમરેલી શહેરમાં સરકારી સંસ્થાઓને નિશાન બનાવીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ આપવાનો સિલસિલો અટકવાનું નામ લઈ રહ્યો નથી. આજે સવારે અમરેલી કોર્ટ પરિસર અને જજની ચેમ્બરને ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર વહીવટી તંત્ર અને પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ હતી. આ ધમકીભર્યા ઈ-મેઈલમાં મુંબઈ હુમલાના આતંકી અજમલ કસાબ અને તમિલનાડુના મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવતા સુરક્ષા એજન્સીઓ અત્યંત સતર્ક થઈ ગઈ હતી.


મળતી વિગતો અનુસાર, કોઈ અજ્ઞાત શખ્સ દ્વારા મોકલવામાં આવેલા આ ઈ-મેઈલમાં અત્યંત ભયાનક દાવો કરવામાં આવ્યો હતો. મેઈલમાં લખ્યું છે કે, અમરેલી કોર્ટ પરિસરમાં કુલ 14 જેટલા આરડીએક્સ ભરેલા બોમ્બ ગોઠવવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં જ વિસ્ફોટ કરવામાં આવશે.


આ ધમકીની ગંભીરતામાં વધારો કરતું પાસું એ છે કે, તેમાં અજમલ કસાબના નામનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઈ-મેઈલમાં ન્યાયતંત્ર પર સવાલ ઉઠાવતા લખાયું છે કે, જો કોર્ટ નિર્દોષ નાગરિકોને ન્યાય ન અપાવી શકતી હોય, તો આવી કોર્ટ શું કામની? આ પ્રકારના ઉશ્કેરણીજનક લખાણ અને તમિલનાડુના સંદર્ભે તપાસની દિશામાં અનેક સવાલો ઊભા કર્યા છે.


ધમકી મળતાની સાથે જ અમરેલી જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો કોર્ટ ખાતે દોડી ગયો હતો. સાવચેતીના પગલે તુરંત જ કોર્ટનું કામકાજ અટકાવી દેવામાં આવ્યું હતું. ન્યાયાધીશો, વકીલો, કોર્ટના કર્મચારીઓ અને પોતાના કામ માટે આવેલા પક્ષકારોને તાત્કાલિક સુરક્ષિત રીતે બહાર કાઢી આખું પરિસર ખાલી કરાવવામાં આવ્યું હતું.


હાલમાં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (બીડીડીએસ), ડોગ સ્ક્વોડ અને એફએસએલ (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)ની ટીમો દ્વારા કોર્ટના ખૂણેખૂણાની તપાસ કરવામાં આવી રહી છે. કોર્ટની બહાર મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થયા હોવાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. નોંધનીય છે કે અમરેલીમાં છેલ્લા થોડા દિવસોમાં આ ત્રીજી ઘટના છે. અગાઉ શહેરની મુખ્ય પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને પણ આવી જ રીતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. વારંવાર એક જ પ્રકારની પેટર્નથી મળતા ઈ-મેઈલને કારણે પોલીસ અને સાયબર ક્રાઈમ સેલ મૂંઝવણમાં છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News