જેતપુરના નવાગઢ ભાદર નદીના પુલ પાસે ખાનગી ટ્રાવેલ્સની બસ અને કન્ટેનર વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં ત્યાં ઉભેલ એક નિર્દોષ બાઇક ચાલક અને અન્ય એક યુવાનના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતાં.

અકસ્માતથી કરૂણાંતિકા સર્જાઇ
નવાગઢ ચોકડીથી થોડે જ આગળ ભાદર નદીના પુલ પાસે ગતરાતે એક શ્રી હરિ ખાનગી ટ્રાવેલ્સની બસ અને મચ્છી લઈને જતા ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત સર્જાયો ત્યારે ત્યાં સરધારપુર ગામના ભાભલુભાઈ લાલુ ત્યાં કોઈ કારણોસર ઉભા હતા તે આ અકસ્માતની ઝપટે ચડી ગયા અને બીજો ગોંડલનો કરણ નિલેશભાઈ દાણીધારીયા ( ઉવ. ૨૨) નામનો યુવાન જેતપુર ખાતે પોતાના ભાણેજની પ્રથમ હોળી હોય એટલે તેની વાડ હતી તેમાં આવ્યો હતો અને તે કાર્યક્રમ પૂર્ણ કરી ગોંડલ પોતાના ઘરે મોટર સાયકલ લઈને જતો હતો ત્યારે તે ત્યાં બાઇક ઉભું રાખી હજુ ઉભો જ રહ્યો ત્યાં તે પણ અકસ્માતની ઝપટે ચડી ગયો હતો.

બે બહેને એકનો એક ભાઈ ગુમાવ્યો
અકસ્માતમાં જે ટ્રેલર કન્ટેનર લઈને જતું હતું તેમાંથી કન્ટેનર જુદું થઈ રોડ નીચે ઉતરી ગયું હતું. અને રોડ પર બંને યુવાનો પણ કન્ટેનરની ઝપટે ચડી ગયા હોય બંનેના શરીરના અવયવો જુદા પડી ગયા હતા અને સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નિપજ્યા હતાં. લોકોના ટોળેટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતાં અને કન્ટેનર નીચે વધુ કોઈ દબાઈ ગયું હોવાની શંકા જતા સ્થળ પર પહોંચેલ પોલીસે કન્ટેનર ઐંચકવા ક્રેઇન બોલાવી હતી અને તેને ઉંચકતા નીચેથી કંઈ મળી આવ્યું ન હતું. અકસ્માતમાં મોતને ભેટેલ કરણના પિતાનું હજુ થોડા મહિના પહેલા જ મોત નીપજ્યું હતું. બે બહેનોનો એકનો એક ભાઈ હતો તેનું અકસ્માતમાં મોત થતા તેમના પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. ઉદ્યોગનગર પોલીસે બંને મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પીટલ મોકલી અકસ્માતની નોંધ કરી અકસ્માતની તપાસ હાથ ધરી હતી

