બજેટ સત્રનો બીજો તબક્કો આજથી શરૂ થયો હતો. બીજા તબક્કાના પ્રથમ દિવસે સ્પીકર ઓમ બિરલાને પદ પરથી હટાવવાનો પ્રસ્તાવ આવશે. બીજી તરફ, ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધ અંગે વિદેશ મંત્રી એસ. જયશંકર બંને ગૃહોમાં નિવેદન આપ્યું હતું. પ્રથમ દિવસની કાર્યવાહી માટે એનડીએની આગેવાની કરી રહેલી ભારતીય જનતા પાર્ટી અને વિપક્ષી ઇન્ડિયા બ્લોકની નેતા કોંગ્રેસ, બંને પક્ષોએ પોતાના સાંસદોને થ્રી-લાઇન વ્હિપ જાહેર કરી લોકસભામાં હાજર રહેવા જણાવ્યું હતું.
વિદેશ મંત્ર એસ. જયશંકરે ઈરાન યુદ્ધ પર રાજ્યસભામાં નિવેદન આપ્યું હતું. જયશંકરે ગૃહમાં માહિતી આપી હતી કે, ભારત આ વિસ્તારમાં સાર્વભૌમત્વનું સમર્થક છે અને અમારું માનવું છે કે કોઈપણ સમસ્યાનો ઉકેલ વાતચીત દ્વારા શોધવો જોઈએ. તેમણે કહ્યું કે, ગલ્ફ રિજનમાં એક કરોડ ભારતીયો રહે છે અને તેમની સુરક્ષા અંગે સીસીએસની બેઠકમાં પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
વિદેશ મંત્રએ આ યુદ્ધમાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં કહ્યું કે, અમે ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ અને અમે સતત તેમના સંપર્કમાં છીએ. તેમણે વધુમાં જણાવ્યું કે અમે જાન્યુઆરીમાં જ અમારા નાગરિકોને ચેતવણી આપી હતી કે તેઓ જેટલી વહેલી તકે સ્વદેશ પરત ફરે. ઈઝરાયલ અને આસપાસના વિસ્તારોમાં રહેલા ભારતીયો માટે અમારા દૂતાવાસે એડવાઇઝરી પણ જાહેર કરી હતી. વિદેશ મંત્રીએ કહ્યું કે ભારત પોતાની ઊર્જા જરૂરિયાતો પ્રત્યે પણ સતર્ક છે, કારણ કે આ સંઘર્ષને કારણે સપ્લાય ચેઇન પ્રભાવિત થઈ છે.
સરકાર ઊર્જા ક્ષેત્રની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. ભારતીય ગ્રાહકોની જરૂરિયાતો અમારી પ્રાથમિકતા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ઊર્જાના ભાવમાં થતા ફેરફાર પર અમે ચાંપતી નજર રાખી રહ્યા છીએ. વડાપ્રધાન મોદીએ યુએઈ, કતાર, કુવૈત, સાઉદી અરેબિયા, જોર્ડન, ઓમાન અને ઈઝરાયલના વડાપ્રધાનો સાથે વાતચીત કરી છે. હું પણ સતત આ દેશોના વિદેશ મંત્રીઓના સંપર્કમાં છું. અમે અમારા રાજદ્વારી માર્ગો દ્વારા પણ ચર્ચા કરી રહ્યા છીએ. આ ઉપરાંત ઈરાનના વિદેશ મંત્રી અરાગચી સાથે પણ વાત કરવામાં આવી છે. અમે સતત સ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છીએ.
તેહરાન, યુએઈ, દુબઈ અને બહેરીનમાં સ્થિત અમારા રાજદ્વારીઓ ભારતીય લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. ભારતીયોને પરત લાવવા માટે અમે ઘણી કોમર્શિયલ ફ્લાઇટ્સનું સંચાલન કર્યું છે. અત્યાર સુધીમાં 67 હજાર ભારતીયો પરત ફરી ચૂક્યા છે. ખાડી દેશોમાં ફસાયેલા અન્ય તમામ ભારતીયોને પાછા લાવવા માટે પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે.
મિડલ ઈસ્ટની ગંભીર સ્થિતિને જોતાં અમે ખાડી દેશોમાં રહેતા ભારતીય લોકો માટે અનેક એડવાઇઝરી જાહેર કરી હતી. ઈરાનમાં રહેતા તમામ લોકોને તાત્કાલિક ત્યાંથી નીકળી જવાની સલાહ આપવામાં આવી હતી. ઈરાનમાં ભારતીય દૂતાવાસ સંપૂર્ણપણે કાર્યરત છે અને અમે આ વિસ્તારોમાં રહેતા તમામ ભારતીય સમુદાયના લોકોને મદદ કરવા માટે તત્પર છીએ.
એક તરફ એસ. જયશંકર મિડલ ઈસ્ટના તણાવ અંગે સરકારનો પક્ષ રજૂ કરી રહ્યા હતા, તો બીજી તરફ વિપક્ષી સાંસદોનો હોબાળો ચાલુ રહ્યો હતો. તેઓ સરકાર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા અને ગૃહની કાર્યવાહીમાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
મધ્ય પૂર્વથી 67,000 નાગરિકો પરત લવાયા
વિદેશ મંત્રી એસ. જયશંકરે લોકસભામાં જણાવ્યું હતું કે મધ્ય પૂર્વમાં સંઘર્ષ 28 ફેબ્રુઆરી, 2026 ના રોજ શરૂ થયો હતો, જ્યારે ઈરાની નેતૃત્વ સામેના ઘણા મોટા હુમલાઓમાં જાનમાલનું નોંધપાત્ર નુકસાન થયું હતું. તેમણે તમામ પક્ષોને સંયમ રાખવાની અપીલ કરી હતી. વિદેશ મંત્રીએ એમ પણ કહ્યું હતું કે તેમણે ઈરાની વિદેશ મંત્રી સાથે વાત કરી છે, જોકે આ સમયે ટોચના નેતૃત્વ સાથે સીધી વાત કરવી મુશ્કેલ છે. જયશંકરે જણાવ્યું હતું કે મધ્ય પૂર્વથી 67,000 નાગરિકો પરત લવાયા છે.
ભારત શાંતિ અને વાતચીતના પક્ષમાં: જયશંકર
ખાડી ક્ષેત્રમાં સામાન્ય સ્થિતિ વહેલી તકે પરત ફરવાની હાકલ કરતા, વિદેશ મંત્રી જયશંકરે કહ્યું, ભારત શાંતિ, વાતચીત અને રાજદ્વારી તરફ પાછા ફરવાનું સમર્થન કરે છે. તેમણે ઉમેર્યું કે ભારત તણાવ ઓછો કરવા, સંયમ રાખવા અને પ્રદેશમાં નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવાની હિમાયત કરે છે.
ત્રણ ઈરાની જહાજો હિંદ મહાસાગરમાં હતા, ભારતે એકને આશ્રય આપ્યો: જયશંકર
ભારતીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે રાજ્યસભામાં પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ પર નિવેદન આપ્યું. તેમણે ઈરાની જહાજો વિશે માહિતી આપતા કહ્યું, મેં 28 ફેબ્રુઆરી અને 5 માર્ચે ઈરાની વિદેશ મંત્રી સાથે વાત કરી હતી. ત્રણ ઈરાની જહાજો હિંદ મહાસાગરમાં હતા. અમે ઈરાનની વિનંતી પર એક જહાજને ડોકીંગ પરવાનગી અને આશ્રય આપ્યો હતો. ઈરાને આ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે. અમે અમારી ઉર્જા જરૂરિયાતો પૂરી કરવામાં સતર્ક છીએ. એસ. જયશંકરે જણાવ્યું કે અમે બે ભારતીય ખલાસીઓ ગુમાવ્યા છે અને એક હજુ પણ ગુમ છે.