રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છના મોટાભાગના વિસ્તારમાં આજે ગરમી માટેનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી તારીખ 11 સુધી ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની ચેતવણી પણ આપવામાં આવી છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાતમાં હીટ વેવ માટે એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાત ઉપરાંત રાજસ્થાન વિદર્ભ મરાઠાવાડ કોકણમાં પણ હીટ વેવનું એલર્ટ આપવામાં આવ્યું છે. હિમાચલ પ્રદેશમાં અનેક જગ્યાએ આજે હીટ વેવ અને સીવિયર હીટ વેવ જેવી સ્થિતિ રહેવા પામી હતી.
ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ અગામી ત્રણ દિવસ સુધી ગરમીનું જોર રહેશે અને મહત્તમ તાપમાનનો પારો હજુ ત્રણથી ચાર ડિગ્રી જેટલો ઊંચકાશે. આ મુજબ આજે ગુજરાતના અનેક શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર કરી જાય એવું લાગે છે. ગઈકાલે રવિવારે સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન રાજકોટમાં 40 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદ વડોદરા અને ભુજમાં 39.4, ડાંગમાં 39.9, ડીસામાં 39.6, ગાંધીનગરમાં 39, સુરતમાં 39.1 ડીગ્રી મહત્તમ તાપમાન હતું. રાજકોટ ડીસા અને કંડલામાં ગઈકાલે સરેરાશ કરતા 6 ડિગ્રી જેટલું વધુ તાપમાન હતું. જોકે સમગ્ર દેશમાં સૌથી ઊંચું તાપમાન મહારાષ્ટ્રના આકોલામાં 40.9 ડિગ્રી નોંધાયું છે.
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગરમી તોબા પોકારાવી રહી છે ત્યારે ઓખા અને દ્વારકામાં જુદુ જ વાતાવરણ જોવા મળે છે. ઓખામાં ગઈકાલે મહત્તમ તાપમાન માત્ર 29.4 ડિગ્રી અને દ્વારકામાં 28.6 ડિગ્રી નોંધાયું હતું .આજે સવારે આ બંને શહેરોમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ અનુક્રમે 96 અને ૯૦ ટકા નોંધાયું હતું અને તેના કારણે ધુમ્મસ જોવા મળી હતી. આ બંને શહેરોમાં લઘુતમ અને મહત્તમ તાપમાન વચ્ચે માત્ર છ સાત ડિગ્રીનો જ તફાવત છે અને તેના કારણે ભેજવાળું વાતાવરણ આખો દિવસ અનુભવાય છે.