સંસ્કારી નગરી વડોદરામાં દિવાળી માથે પાટીદાર પરિવાર પર આભ ફાટ્યાની ઘટના સામે આવી છે. ધીર પટેલ નામનો યુવાન મિત્રો સાથે ગત રાત્રે દિવાળીની રોશની જોવા નીકળ્યો હતો. જોકે ટ્રકે કચડી નાખતા તેનું ગંભીર ઈજાઓને કારણે મોત થયું હતું. અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થતા અકોટા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, યુવકનો જન્મ દિવસ હોવાથી બધા મિત્રો જમ્યા બાદ દિવાળીને લઈ કરાયેલ રોશની જોવા નીકળ્યા હતા અને કાળ ભરખી ગયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે એક્ટિવા આખે આખું ટ્રકના આગળના ભાગમાં ઘૂસી ગયું અને યુવાનને ગંભીર ઈજાઓ થતા લોહીનું ખાબોચિયું ભરાયું હતું. અકસ્માતને લઈ લોકોના ટોળા ભેગા થતા ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.
પિતા નોકરી પૂરી ઘરે આવ્યાને માતમના સમાચાર મળ્યા
આ બનાવ અંગે મૃતકના પિતા દિનેશભાઇ હસમુખભાઈ પટેલે અકોટા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ તરસાલી વિસ્તારમાં ઓમકારમોતી-1માં રહે છે અને ખાનગી કંપનીમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવું છું. ગત રોજ નોકરી પૂરી કરી પરત ફરતા તેઓને આ બનાવ અંગે તેઓના સાળાના દીકરા દ્વારા જાણ કરવામાં આવી હતી કે તમારા દીકરા ધિરનો અકોટા બ્રિજ પાસે અકસ્માત થયો છે. બાદમાં તેઓ ઘરે પહોંચી ખાનગી હોસ્પિટલમાં પહોંચ્યા હતા.
જન્મદિવસ હોવાથી ધીર મિત્રો સાથે જમવા ગયો હતો
આ બનાવમાં યુવક ધિર પટેલનો જન્મ દિવસ હોવાથી મિત્રો સાથે પ્રથમ તરસાલીથી સુશેન ચાર રસ્તા ખાતે હોટલમાં જમવા માટે ગયા હતાં. બાદમાં શહેરમાં લગાડેલ લાઇટીંગ -શો જોવા માટે નીકળ્યા હતા અને અકોટા સોલર પેનલથી આગળ અકોટા બ્રિજ તરફ જતા હતા તે દરમિયાન આગળ અને પાછળ ટ્રક હતા. દરમિયાન પાછળના ટ્રકે એક્ટિવાને ટક્કર મારતા ધિર અને ગૌતમ બારીયા બંને મિત્રોને ઇજાઓ પહોંચી હતી. જેમાં ધિરને માંથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ખાનગી હોસ્પિટલમાં જ્યારે મિત્ર ગૌતમને સયાજી હોસ્પિટલમાં 108 મારફતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.
સારવારમાં ધિરે મ તોડ્યો
સારવાર દરમિયાન ધિરનું કરૂણ મોત થયું હતું. આ ઘટના અંગે અકોટા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. આ અકસ્માતને લઈ બ્રિજ પર ભારે ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા. હાલમાં બનાવ સંદર્ભે અકોટા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે અને ફરાર ટ્રક ચાલકને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.