જામનગરમાં તા.૧૯ માર્ચના રોજ ઝુલેલાલ જન્મ-જયંતિની ઉજવણીને લઈને વૈકલ્પિક રૂટ જાહેર કરાયો
આવતીકાલે જુના રેલ્વે સ્ટેશન, ગીતા લોજ પાસેથી ત્રણ બત્તી ચોક સર્કલ સુધીનો રસ્તો બંધ રહેતા વાહનચાલકો જુના રેલ્વે સ્ટેશનથી ગેલેક્સી સિનેમા તરફ જવાના વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરી શકશે
જામનગરમાં આવતીકાલ તા.૧૯-૩-૨૦૨૬નાં રોજ સિંધી સમાજના ઈષ્ટદેવશ્રી ઝુલેલાલની જન્મ-જયંતિની ઉજવણી કરવામાં આવનાર હોવાથી વહેલી સવારથી સમગ્ર સિંધી સમાજના દર્શનાર્થીઓ દર્શન કરવા મંદિરે જતાં હોય છે. તેમજ મંદિરમાં પ્રસાદ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ થતું હોય છે. તહેવાર/ઉત્સવ દરમ્યાન દર્શનાર્થે આવતા બાળકો, વૃદ્ધ વડીલો તેમજ મહિલાઓ સહિતના લોકોને ટ્રાફિક સમસ્યાનો સામનો ન કરવો પડે તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી શારદા કાથડ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જાહેરનામાં મુજબ આવતીકાલે સવારના ૫:૦૦ કલાકથી રાત્રીના ૧૨:૦૦ કલાક સુધી તમામ પ્રકારના વાહનો માટે જૂના રેલ્વે સ્ટેશન, ગીતા લોજ પાસેથી ત્રણ બત્તી ચોક સર્કલ સુઘીનો રસ્તો બંધ રહેશે. તેમજ વૈકલ્પિક રૂટ તરીકે જૂના રેલવે સ્ટેશનથી ગેલેક્સી સિનેમા તરફ જવાનો ડાયવર્ઝન રૂટ રહેશે.
આ જાહેરનામું કામગીરીમાં રોકાયેલ સરકારી વાહનો, એમ્બ્યુલન્સ તથા ફાયર વિભાગના વાહનોને લાગુ પડશે નહીં. આ જાહેરનામું તાત્કાલીક અસરથી અમલમાં લાવવું જરૂરી હોય, ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(૬) ના પરંતુકની જોગવાઈ મુજબ તાત્કાલિક અસરથી અમલમાં લાવવામાં આવે છે. આ પ્રતિબંધાત્મક હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનારી વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે. તેમ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે