રાજકોટ શહેર અને શાપર તેમજ મેટોડામાં મળી કુલ ૪૫૦ જેટલા પ્લાસ્ટિકના કારખાના આવેલા છે. જ્યારે સૌરાષ્ટ્રમાં આ સંખ્યાં ૧૫૦૦ આસપાસ છે. પરંતુ હાલ મિડલ ઇસ્ટમાં યુદ્ધની પરિસ્થિતિથી આ તમામ કારખાનેદારો પર માઠી બેઠી છે. કારણ કે પ્લાસ્ટિકના દાણાનો ભાવ યુદ્ધ શરૂ થયાના બીજા દિવસે જ ડબલ થઈ ગયા છે. બીજી તરફ રો-મટિરિયલની અછતને કારણે પ્રોડક્શન થઈ શકતું નથી. કોસ્ટિંગ વધી જતા કારખાનેદારોને મશીનો બંધ કરવાનો વારો આવ્યો છે. આ કારખાનાઓમાં કામ કરતા લાખો કામદારોની રોજીરોટી પર પાટું પડ્યું છે.
વિશ્વભરમાં પ્રવર્તી રહેલી યુદ્ધ જેવી તંગ પરિસ્થિતિની સીધી અસર હવે રાજકોટના મજબૂત ગણાતા પ્લાસ્ટિક ઉદ્યોગ પર જોવા મળી રહી છે. રાજકોટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા સરકારને ઉદ્દેશીને એક યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં પ્લાસ્ટિક રો-મટીરિયલના આસમાને પહોંચેલા ભાવ અને તેની અછત અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં પ્લાસ્ટિક ઉદ્યોગ બેવડા મારનો સામનો કરી રહ્યો છે.
પરિસ્થિતિ એટલી ગંભીર છે કે રાજકોટના ઘણા ખરા પ્લાસ્ટિક એકમો હાલ બંધ હાલતમાં છે. એસોસિએશને માંગ કરી છે કે સરકાર આ બાબતે તાત્કાલિક હસ્તક્ષેપ કરી યોગ્ય નિરાકરણ લાવે.
રાજકોટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચર્સ એસોસિએશનના પ્રમુખ રમેશભાઈ ચાવડાએ આજકાલ સાંધ્ય દૈનિક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, યુદ્ધ શરૂ થયું તેના બીજા દિવસે જ કંપનીઓએ પ્લાસ્ટિકના દાણા આપવાનું બંધ કરી દીધું છે. દાણા જ ન હોય તો અમે માલ કેવી રીતે કાઢી શકીએ? 28 ફેબ્રુઆરીએ એક કિલો પ્લાસ્ટિકના દાણાનો ભાવ 100 રૂપિયા હતો જે આજે 170 રૂપિયાએ પહોંચી ગયો છે. કારખાનેદારો ઓર્ડરો લઈને બેઠા છે પણ આટલા ભાવમાં પ્રોડક્શન કાઢવું કંઈ રીતે તેવી મૂંઝવણમાં બધા બેઠા છે.
પ્લાસ્ટિકના વેપારી રજનીભાઈ સંઘાણીએ જણાવ્યું હતું કે, હાલ ઘરાકી સાવ ઠંડી પડી ગઈ છે. હાલ 15થી 20 ટકા જેટલી ખરીદી ઘટી ગઈ છે. ટ્રેડિંગ પર હાલ ઓછી અસર છે પણ ઉપરથી જ જો માલ નહીં આવે તો પરિસ્થિતિ વધુ ઘેરી બનશે અને વેપારીઓ વધુ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. પહેલા ગ્રાહકો જે દસ કિલો માલ ખરીદતા હતા તે હવે પાંચ કિલો ખરીદી રહ્યા છે. કારણ કે, ગ્રાહકોને પણ મોંઘવારી નડી રહી છે.
દાણા મળતા ન હોવાથી મશીનો થંભી ગયાઃ રમેશભાઈ ચાવડા
રમેશભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં 450 યુનિટ છે જ્યારે સૌરાષ્ટ્ર આખામાં 1500 જેટલા યુનિટ છે. જેમાં પ્લાસ્ટિકના દાણાની અછતને કારણે મોટાભાગના યુનિટો બંધ થઈ ગયા છે. કંપનીઓએ તો 26 ફેબ્રુઆરીથી જ રો-મટિરિયલ્સ આપવાનું બંધ કરી દીધું છે. દાણા મળતા ન હોવાથી મશીનો ઠપ્પ થઈ ગયા છે. જે યુનિટને દાણા મળે છે તેઓ માંડ 12 કલાક જ મશીનો ચાલુ રાખી શકે છે. પહેલા 24 કલાક મશીનો ચાલતા હતા. કિચન, હાર્ડવેર, પાણીની બોટલ સહિતના પ્લાસ્ટિકના મેન્યુફેક્ચરર્સ સહિતના યુનિટો બંધ થઈ ગયા છે. જેનાથી લાખો કામદારોની રોજગારી પર પાટું પડ્યું છે. આ મોટી ચાલ છે. એમએસએમઇવાળા આવતીકાલે દિલ્હી જવાના છે અને સરકાર પાસે દાણા રિઝર્વ રાખવા રજૂઆત કરશે.
પ્રોડક્ટનો ભાવ વધારીએ તો વેપારીઓ લેવા તૈયાર નથીઃ કારખાનેદાર
શાપરમાં ઘર માટે પ્લાસ્ટિકની વસ્તુઓ બનાવતા વિપુલભાઈએ જણાવ્યું હતું કે, હાલ પ્લાસ્ટિકના દાણાની ખૂબ જ શોર્ટેજ છે. પ્લાસ્ટિકના દાણાનો ભાવ બે દિવસમાં ડબલ થઈ ગયો છે. પહેલા ૯૦થી ૧૧૦ રૂપિયાના ભાવે એક કિલો પ્લાસ્ટિકના દાણા મળતા હતા જે હાલ ૧૯૦ રૂપિયામાં મળે છે. આટલો બધો ભાવ ચૂકવવા છતાં પ્લાસ્ટિકના દાણા મળી રહ્યા નથી. મેં ૨૫ કિલો પ્લાસ્ટિકના દાણાના ૬૦ બોરા મંગાવ્યા હતા પણ ૨૦ જ મળ્યા. પહેલા હું ૨૪ કલાક મશીનો ચલાવતો હતો પણ હાલ માંડ ૧૨ કલાક જ મશીનો ચલાવી શકીએ છીએ. કોસ્ટિંગ વધી ગયું છે અને પ્રોડક્ટનો ભાવ જે હતો તે જ છે. તેમાં ભાવ વધારીએ તો વેપારીઓ લેવા તૈયાર નથી. આ બધુ ઈરાન-ઇઝરાયેલના યુદ્ધને કારણે થયું છે.
પ્લાસ્ટિક દાણાની શોર્ટેજ, યુધ્ધના કારણે અનેક ક્ન્સાઈમેન્ટ સમુદ્રમાં: અમૃતભાઈ ગઢિયા
શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશનના પ્રમુખ અમૃતભાઈ ગઢીયાએ જણાવ્યું હતું કે ઈરાન અમેરિકા યુદ્ધને કારણે હોર્મુઝની ખાડી બંધ કરવામાં આવતા પ્લાસ્ટિક દાણાના અનેક ક્ન્સાઈનમેન્ટ સમુદ્રમાં ફસાયેલા છે જેથી પૂરતી સપ્લાય મળતી નથી. કિચન વેર ઇન્ડસ્ટ્રીને પણ માઠી અસર થઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગૂગલની મોટી જાહેરાત, ક્રોમ બ્રાઉઝરમાં મળશે અનબિલ્ટ Gemini
March 11, 2026 05:32 PMરાજકોટમાં કોમર્શિયલ ગેસની કટોકટીના એંધાણ, વિતરણ બંધ થશે તો હોટેલ-રેસ્ટોરન્ટ બંધ કરવા પડી શકે
March 11, 2026 04:25 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
