રાજકોટમાં મિલકત વેરો વસુલવા 31 માર્ચ સુધીની રજાઓમાં પણ કાર્યરત રહેશે ટેક્સ બ્રાન્ચ, હિટવેવને લઈ આ સમય રહેશે

  • March 11, 2026 04:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના આવક લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. તે મુજબ તા. ૧૫.૧.૨૦૨૬ થી તા.૩૧.૩.૨૦૨૬ દરમિયાન જાહેર રજાના તમામ દિવસોમાં પણ વેરા વસુલાત શાખા, અસેસમેન્ટ સેલ તેમજ રીકવરી સેલની કામગીરી નિયમિત રીતે ચાલુ રાખવામાં આવી છે, જેથી નાગરિકોને વેરા ભરવામાં કોઈ અસુવિધા ન થાય અને તેઓ સરળતાથી પોતાની બાકી રકમ ભરપાઈ કરી શકે.


રાજકોટ મહાપાલિકા દ્વારા હાલમાં તા. ૩૧.૩.૨૦૨૬ સુધી મિલકતવેરા અને પાણી વેરા પર વ્યાજ માફી સ્કીમ અમલમાં રાખવામાં આવી છે. આ સ્કીમ અંતર્ગત નાગરિકો પોતાની બાકી રહેલ મિલકતવેરા અને પાણી વેરાની રકમ ભરી વ્યાજમાંથી રાહત મેળવી શકે છે. મહાપાલિકા દ્વારા નાગરિકોને આ સુવર્ણ તકનો લાભ લઈ સમયસર વેરો ભરવા અને શહેરના વિકાસમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવે છે.


વેરા ભરવા માટે નાગરિકોના વધતા ધસારાને પહોંચી વળવા તેમજ ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને નાગરિકો સવારના સમયગાળામાં સરળતાથી વેરો ભરી શકે તે માટે મહાપાલિકા દ્વારા ખાસ સમય વ્યવસ્થા નક્કી કરવામાં આવી છે. જેમ તા.૧૨.૩.૨૦૨૬થી તા. ૨૫.૩.૨૦૨૬ સુધીના સમયગાળા દરમિયાન તમામ દિવસોમાં, જેમાં બીજા અને ચોથા શનિવાર, રવિવાર તેમજ તહેવારોની જાહેર રજાઓનો સમાવેશ થાય છે, શહેરની તમામ વોર્ડ ઓફિસ, તમામ સિવિક સેન્ટર અને તમામ ઝોનલ કચેરીઓ ખાતે મિલકતવેરા અને પાણી વેરાની વસુલાત સવારે ૯:૩૦ કલાકથી સાંજે ૫:૦૦ કલાક સુધી ચાલુ રાખવામાં આવશે.

જ્યારે તા.૨૬.૩.૨૦૨૬ થી તા. ૩૧.૩.૨૦૨૬ સુધી તમામ દિવસોમાં શહેરની તમામ વોર્ડ ઓફિસ, સિવિક સેન્ટર અને ઝોનલ કચેરીઓ ખાતે મિલકતવેરા અને પાણી વેરાની વસુલાત સવારે ૯:૩૦ કલાકથી સાંજે ૬:૧૦ કલાક સુધી ચાલુ રાખવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application