BREAKING NEWS

ખોખડદડમાં મોડી રાત્રે ત્રણ કારમાં હથિયારો સાથે ધસી આવેલી ટોળકીએ આતંક મચાવ્યો

  • March 12, 2026 02:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખોખડદડ ગામે મોડી રાત્રીના ત્રણ કારમાં હથિયાર સાથે ધસી આવેલા શખસોએ થાર કારમાં તોડફોડ કરી પરિણીતાને ધમકી આપી હતી. પ્રસિદ્ધ હાસ્ય કલાકાર નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ તેમજ યુવરાજ ખુમાણ સાથે યુવકને થયેલી બોલાચાલીને પગલે યુવરાજ ખુમાણ તથા તેની સાથેના 13 અજાણ્યા શખસોએ હથિયારો સાથે ધસી આવી ધમકી આપ્યા અંગે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવવામાં આવી છે. જે ફરિયાદના આધારે પોલીસે પોલીસે રાયોટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.

બનાવ અંગે ખોખડદડ ગામે ત્રિશા પાર્કમાં રહેતા મનિષાબેન રામભાઈ લાખનોત્રા(ઉ.વ.૩૨) એ આરોપી તરીકે યુવરાજ ખુમાણ, રવિ અને તેની સાથે આવેલા બારથી તેર અજાણ્યા શખસોના નામ આપ્યા છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે,પરીવારમાં પતિ રામભાઈ, મોટી દીકરી હાર્મીશા (ઉ.વ. સાડા ત્રણ વર્ષ) અને દીકરો દ્વારકેશ (ઉ.વ. ૧) છે. અમારી સોસાયટીમાં અમારા ઘરની સામે મારા સગા ભાઈ કાળુભાઈ ઉર્ફે લાલાભાઈ જગમાલભાઈ બામરોટીયા રહે છે અને તેમની પાસે થાર ફોરવ્હીલર કાર છે, જેના રજીસ્ટ્રેશન નં. જીજે-03-પીજે-5554 છે.

પરિણીતાએ જણાવ્યું હતું કે, ગઈ તા.૧૪/૦૨/૨૦૨૬ ના રાત્રીના આશરે સવા ત્રણ વાગ્યાની આસપાસ તે ઘરે સુતા હતા ત્યારે ઘરની બહાર શેરીમાં ગાડીના કાચ તુટવાના જોરથી અવાજ આવતા તેઓ ઘરનો દરવાજો ખોલી બહાર આવી જોયું તો શેરીમાં લાલાભાઈની થાર કાર પાસે બારથી તેર શખસો ઉભા હતા અને તેમના હાથમાં પાઈપ -ધોકા તથા તલવાર જેવા હથીયાર હતા. તેમાંથી એક યુવરાજ ખુમાણ હતો અને તેની સાથે બીજા બારથી તેર અજાણ્યા શખસો હતા. ફરિયાદીને યુવરાજ ખુમાણ જોઈ જતા તે તથા તેની સાથે એક શખસ જેને બધા રવિ કહીને બોલાવતા હતા તે મારા પર હુમલો કરવા દોડયા હતાં. બંને ગાળો આપી ધમકી આપવા લાગ્યા કે, તારો ભાઈ લાલો ક્યાં છે, તારા ભાઇ લાલાને સમજાવી દેજે કે સીધી રીતે ચાલે બાકી તેના પરિવારને જીવવા નહીં દઉં જાનથી મારી નાખીશ કહી યુવરાજ ખુમાણ તથા તેના સાથેના માણસોએ તેમના હાથમાં રહેલ ધોકા-પાઈપથી ફરિયાદીના ભાઈની થાર ગાડીમાં ધોકા-પાઇપ મારી કારના કાચ તોડી નુકસાન કર્યું હતું. બાદ પરિણીતા ઘરમાં જતા રહી ૧૧૨ માં ફોન કરતા આ બધા લોકો તેમની અલગ -અલગ ત્રણ કારમાં બેસી નાસી ગયા હતાં.

પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના ભાઇ લાલાભાઈને નીતીન ઉર્ફે ખજૂર જાની તથા યુવરાજ ખુમાણ સાથે સાવરકુંડલા ખાતે બોલાચાલી-ઝઘડો થયેલ હતો. જે ઝઘડાનો ખાર રાખી યુવરાજ ખુમાણે ટોળાં સ્વરૂપે ધસી આવી ખૂનની ધમકી આપી થાર કારમાં તોડફોડ કરી હતી. બનાવ અંગે આજીડેમ પોલીસે રાયોટ, ધમકી, તોડફોડની કલમો હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application