રાજકોટના મેટોડા જીઆઈડીસી નજીક વાજડી ગામે રહેતા મૂળ રાજસ્થાનનો યુવાને ઓનલાઇન ટાસ્ક પૂરા કરી પૈસા કમાવવાની લાલચમાં રૂ.૪૧ લાખ ગુમાવવાનો વારો આવ્યો હતો. જે અંગે રાજકોટ રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મેટોડા જીઆઈડીસીમાં આવેલી જીએન એલટેક પ્રા.લી. કંપનીમાં આસિસટન્ટ મેનેજર તરીકે નોકરી કરતા અમિત માલીરામ શર્મા (ઉ.વ.૩૭) એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના વ્હોટ્સએપમાં પાર્ટ જોબ ઓફર અંગે મેસેજ આવ્યો હતો. જે ઓફર જોઈ યુવાનને પાર્ટ ટાઈમ જોબ કરી પૈસા કમાવવાની લાલચ જાગી હતી. બાદમાં આ અંગે વધુ વાતચીત શરૂ થતાં આયુષમતી નામની વ્યક્તિએ ગ્રીન સિડ ડેવલોપર પ્રા.લી. ના એજન્ટ તરીકે ઓળખ આપી તેમની કંપની જુદી જુદી પ્રોડક્ટ પર ઓનલાઇન સારા રીવ્યુ આપવાનું કામ આપે છે. જે બદલ વળતર ચૂકવવામાં આવે છે તેવું જણાવ્યું હતું. બાદ આયુષતીએ યુવાનને પ્રથમ વ્હોટ્સએપમાં બાદમાં ટેલિગ્રામ એકાઉન્ટ પર વાતચીત શરૂ કરી હતી. બાદમાં ઓનલાઇન ટાસ્ક પૂરા કરી ટેલિગ્રામ એકાઉન્ટ ધારક 'મીરામોહન01' સાથે વાતચીત કરવા જણાવ્યું હતું.
જે બાદ યુવકે ટેલિગ્રામ એકાઉન્ટધારક સાથે વાત કરતા તેણે કંપનીની વેબસાઈટ લિંક મોકલી તેમાં એકાઉન્ટ બનાવવાનું કહેતા યુવકે પોતાનું એકાઉન્ટ બનાવ્યું હતું. જે બાદ કામ શીખવા સાયબર ગઠીયાઓએ રૂ 10 હજારની ક્રેડિટ આપી હતી. બાદ અલગ અલગ 21 ડિસનું રેટિંગ આપવાનું કાંમ મળેલ હતું. જે પૂર્ણ થતાં વળતર પેટે રૂ. 1,222 ની આવક થયેલ હતી જે યુવકે ઉપાડી લીધેલ હતી. બાદમાં રિચાર્જ કરવાનું કહી મેમ્બર સર્વિસ નામના ટેલિગ્રામ એકાઉન્ટ ધારક જેનું યુઝરનેમ 'એમ007-જીસિડ' ને માહિતી મોકલવાનું કહેલ હતું. જે શખ્સેં પોતાની ઓળખ અભય પટેલ તરીકે આપેલ હતી. બાદમાં તેણે એકાઉન્ટ નંબર મોકલતા તેમાં રૂ. 10 હજાર જમા કરાવી રેટિંગ પૂર્ણ કરતા 15680 ની આવક થતાં યુવકે ઉપાડી લીધેલ હતા. બાદમાં વધુ 10 હજાર જમા કરાવતા તેની સામે રૂ. 19575 ની આવક થતાં યુવકે તે નાણાં પણ ઉપાડી લીધેલ હતા. નાણાં ઉપડી જતાં હોય યુવકને કંપની સાચી હોવાનો ભરોસો બેસી ગયો હતો.
બાદમાં યુવાને કટકે કટકે રોકાણ શરૂ કર્યું હતું અને બાદમાં નાણાં ઉપાડવા જતાં મોટી રકમ ઉપાડવાં અલગ અલગ ફીના નામે યુવક પાસેથી જુદા-જુદા ખાતામાં ઓનલાઈન પેમેન્ટ કરાવડાવી તા. ૨૪-૧૦-૨૦૨૫ લઈ તા.૩૦-૧૧-૨૦૨૫ સુધીમાં આશરે ૪૬ જેટલા ટ્રાન્ઝેક્શન મારફતે ૪૧,૧૪,૧૮૪ જેટલી રકમ જમા કરાવી લીધી હતી. ત્યારબાદ પણ સતત પૈસાની માંગણી થતાં પોતે છેતરપિંડીનો શિકાર બન્યાનો અહેસાસ થતા અંતે આ ફરિયાદ નોંધાવી છે.