BREAKING NEWS

વસંત ગજેરાને મોટો ઝટકો: 1900 કરોડના છેતરપિંડી કેસમાં FIR રદ કરવાની અરજી હાઈકોર્ટે ફગાવી

  • March 19, 2026 02:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરતના જાણીતા ઉદ્યોગપતિ વસંત ગજેરા અને ગજેરા બંધુઓ માટે કાયદાકીય મુશ્કેલીઓ વધી છે. અંદાજે રૂ.1900 કરોડથી વધુની છેતરપિંડી અને ફોર્જરી (દસ્તાવેજી હેરાફેરી)ના કેસમાં ગુજરાત હાઈકોર્ટે આજે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે ગજેરા બંધુઓ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઇઆર રદ કરવાની અરજીને ફગાવી દીધી છે, જેનાથી હવે તેમની સામેની તપાસનો માર્ગ મોકળો થયો છે.


આ કેસની વિગત મુજબ, ફરિયાદી પ્રવીણ દેવકીનંદન અગ્રવાલે ગજેરા બંધુઓ વિરુદ્ધ મસમોટું આર્થિક કૌભાંડ આચર્યાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ગજેરા બંધુઓએ બોગસ ડિજિટલ સહીઓનો દુરુપયોગ કરીને એક ખાનગી કંપનીમાં ફરિયાદીનો જે 43 ટકા હિસ્સો હતો તેને ઘટાડીને અન્યાયી રીતે માત્ર 4.02 ટકા કરી નાખ્યો હતો. ફરિયાદીના પરિવારના સભ્યોની ખોટી સહીઓ કરીને તેમને ડિરેક્ટર પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા અને આ ખોટા દસ્તાવેજો રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.


આ કેસમાં સૌથી આઘાતજનક પાસું નાણાકીય વ્યવહારોનું છે. આરોપ મુજબ, ગજેરા બંધુઓએ સુરતના મિલેનિયમ-ટુ અને મિલેનિયમ-ફોર ટેક્સટાઈલ માર્કેટની દુકાનો વેચીને અંદાજે રૂ.2085 કરોડ મેળવ્યા હતા. જેમાંથી માત્ર રૂ.157 કરોડ જ ચેકથી દર્શાવવામાં આવ્યા હતા. બાકીના અંદાજે રૂ.1928 કરોડ રોકડમાં મેળવીને તેની ઉચાપત કરવામાં આવી હતી.


આ કાળા નાણાંનો ઉપયોગ ગજેરા બંધુઓએ અન્ય પ્રોજેક્ટ્સમાં કર્યો હોવાનો પણ ગંભીર આક્ષેપ છે. હાઇકોર્ટ જસ્ટિસની બેન્ચે આ કેસની ગંભીરતાને ધ્યાનમાં લેતા અવલોકન કર્યું કે, પ્રાથમિક દ્રષ્ટિએ આરોપીઓની ગુનાહિત સંડોવણી સ્પષ્ટપણે દેખાઈ રહી છે. કોર્ટે જણાવ્યું હતું કે, તપાસ હજુ પ્રાથમિક તબક્કામાં છે અને જે પ્રકારના પુરાવાઓ સામે આવ્યા છે, તે જોતા આ તબક્કે તપાસ અટકાવવી ન્યાયના હિતમાં નથી. આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયેલો છે, આથી એફઆઈઆર રદ કરી શકાય નહીં.


આ કેસની તપાસ હાલમાં સુરત પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગ (ઇઓડબલ્યુ) દ્વારા ચલાવવામાં આવી રહી છે. હાઈકોર્ટના આ આદેશ બાદ હવે પોલીસ ગજેરા બંધુઓ વિરુદ્ધ તપાસ વધુ તેજ બનાવશે. નાણાકીય વ્યવહારોની ઊંડી તપાસ માટે ફોરેન્સિક ઓડિટ અને અન્ય ડિજિટલ પુરાવાઓની પણ મદદ લેવામાં આવી શકે છે. આગામી દિવસોમાં આ કેસમાં વધુ મોટા ખુલાસાઓ અને ધરપકડની શક્યતાઓ પણ નકારી શકાય તેમ નથી. સુરતના હીરા અને રિયલ એસ્ટેટ જગતમાં આ ચુકાદાથી ભારે ખળભળાટ મચી ગયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application