અમદાવાદમાં સુરતના કામરેજમાં આવેલા 'શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન'ની ફોર્ચ્યુનર કારમાંથી સોનાની ચાખડી, રૂ.2.90 કરોડની નકલી નોટો મળી આવવાના કેસમાં તપાસનો ધમધમાટ રાજકોટ પહોંચ્યો હતો. આશ્રમના સંચાલક પ્રદીપ ગુરૂના રાજકોટ સ્થિત ઘરમાં પોલીસે દરોડા પાડ્યા હતા. યુનિવર્સિટી પોલીસે પ્રદીપ ગુરુના સ્થાનિક નિવાસસ્થાને તપાસ હાથ ધરી હતી.
પોલીસ કાફલાએ પ્રદીપના ભાઈ અમિતની કાર અને ઘરના ખૂણેખૂણે ઝીણવટભરી તલાસી લીધી હતી. આ તપાસ દરમિયાન કોઈ વાંધાજનક દસ્તાવેજો કે નકલી નોટો મળી છે કે કેમ તે અંગે હજુ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. જોકે, પોલીસે પરિવારના સભ્યોની પ્રાથમિક પૂછપરછ કરી વધુ પુરાવા એકત્ર કરવાની તજવીજ શરૂ કરી છે.
બીજી તરફ, મીડિયા સાથેની વાતચીતમાં પ્રદીપના ભાઈ અમિતે પોતાના ભાઈનો બચાવ કરતા ચોંકાવનારો દાવો કર્યો હતો. તેણે જણાવ્યું કે, મારો ભાઈ નિર્દોષ છે અને તેને કોઈ મોટા ષડયંત્રમાં ફસાવવામાં આવ્યો છે. સારુ હોય ત્યાં ગંદકી હોય જ છે.
પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસ સ્થળ પર કરવામાં આવ્યું છે. તેની ગાડીમાંથી કંઈ મળ્યું નથી. અમદાવાદમાં અમિતનો ભાઈ પ્રદીપ ગુરૂ પકડાયો છે. પ્રદીપ અહીં રહેતો હોય એટલે અમે અહીં તપાસ હાથ ધરી હતી.
હાલમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ સંયુક્ત રીતે આ રેકેટના મૂળ સુધી પહોંચવા માટે આશ્રમ અને નિવાસસ્થાનના સીસીટીવી ફૂટેજ તેમજ બેંક ખાતાઓની વિગતો તપાસી રહી છે.