પંજાબના મોહાલીમાં એક ઓડી કારના ચાલકે બેજવાબદારી પૂર્વક પુરપાટ કાર ચલાવી પગપાળા જઈ રહેલી એક વિદેશી મહિલાને ફંગોળી હતી, ઠોકર એટલી જોરદાર હતી કે મહિલા હવામાં 15 ફૂટ ઉંચે ઉછળીને નીચે પટકાઈ હતી અને ગંભીર ઈજાના પગલે તેનું મોત નીપજ્યું હતું. ઘટનાના પગલે આસપાસમાં લોકો એકત્રિત થઈ ગયા હતા.તુર્કીયેની મહિલા ચાલીને જતી હતી ત્યારે આ અકસ્માત લગભગ 12:00 વાગ્યે એમકેર હોસ્પિટલની સામે આવેલા વીઆઈપી રોડ પર થયો હતો.
મૃત મહિલાની ઓળખ માવલુદા તરીકે થઈ છે, જે મૂળ તુર્કીયેની રહેવાસી હતી. અહેવાલો અનુસાર, માવલુદા તેના મિત્ર સાથે એમકેર હોસ્પિટલમાં દર્દીને મળવા ગઈ હતી. જ્યારે તે હોસ્પિટલ છોડીને ચાલીને રસ્તો ક્રોસ કરી રહી હતી, ત્યારે એક કાળી ઓડી કારે તેને ટક્કર મારી હતી
આખી ઘટના સીસીટીવીમાં કેદ
સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે પણ રુવાડા ખાડા કરી દે તેવા છે. જેમાં સ્પષ્ટ દેખાય છે કે બેકાબુ કારના ચાલકે મહિલાને એટલી ઝડપે ફંગોળી હતી કે મહિલા 15 ફૂટ ઉંચે ઉછળી રોડની બીજી તરફ નીચે પડી અને ખુબ બધું લોહી વહી જતા ઘટના સ્થળે જ નિશ્ચેતન બની ગઈ હતી. પોલીસે આ ફૂટેજ કબજે લીધા હતા.અને મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. ઓડી કારના નંબર અને આરોપી ડ્રાઇવરની ઓળખ કરવા માટે પોલીસ રસ્તા પર લગાવેલા અન્ય સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસી રહી છે.