BREAKING NEWS

ગુજરાતના 782 પ્રાથમિક શિક્ષકોના CCC સર્ટિફિકેટ બોગસ હોવાનો ધડાકો, શિક્ષણ જગતમાં ચકચાર

  • January 06, 2026 11:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જે શિક્ષકોએ કોમ્પ્યુટરના પ્રાથમિક નોલેજની સીસીસી પરીક્ષા પાસ કરી હોય તેમને જ ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવાના અને પ્રમોશનમાં પણ આ બાબતને મહત્વની ગણવાના સરકારના નિર્ણય પછી રાજ્યમાં મોટી સંખ્યામાં શિક્ષકોએ આવા બોગસ પ્રમાણપત્રો મેળવીને ઉચ્ચ પગાર ધોરણ તથા પ્રમોશનનો લાભ લીધો હોવાનું બહાર આવ્યું છે.


શિક્ષણ વિભાગના ગાંધીનગર ખાતેના વર્તુળોના જણાવ્યા મુજબ પ્રાથમિક શિક્ષકો માટે સીસીસી પરીક્ષા નિયત સમય મર્યાદામાં પાસ કરવાનું ફરજિયાત છે અને જે શિક્ષકો આવી પરીક્ષા પાસ ન કરે તેના પ્રમોશન અને ઉચ્ચતર પગાર ધોરણ અટકી જાય છે.


બોગસ સર્ટિફિકેટની બોલબાલા 

મોટી ઉંમરના અમુક શિક્ષકો કોમ્પ્યુટરની આ પરીક્ષામાં પાસ થતા હોતા નથી અને તેના કારણે બોગસ સર્ટિફિકેટની બોલબાલા થઈ ગઈ છે. આવી જ રીતે સમયનો અભાવ હોય અથવા તો પરીક્ષા આપવા ન માગતા હોય તેવા અનેક શિક્ષકોએ પાસે મોટી રકમના ઉઘરાણા કરી બોગસ સર્ટિફિકેટ આપવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. ગાંધીનગરના સૂત્રોના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં આવા 782 શિક્ષકો બહાર આવ્યા છે અને હજુ તપાસની કામગીરી ચાલુ છે.


142 શિક્ષકો સાથે મહેસાણા જિલ્લો સમગ્ર રાજ્યમાં સૌથી આગળ 

બોગસ પ્રમાણપત્ર સંદર્ભે વ્યાપક ફરિયાદો અને માહિતી મળ્યા પછી સરકારે ઓનલાઇન પોર્ટલ પર તેની ચકાસણી હાથ ધરી હતી અને તેમાં ખુલવા પામેલી વિગત મુજબ આ 782 શિક્ષકોએ પોતાના સર્ટિફિકેટ રજૂ કર્યા છે તે માન્ય સંસ્થાના નથી અથવા તો તેમાં ચેડા કરાયેલા છે. અમુક શિક્ષકોએ તો પરીક્ષા આપ્યા વગર જ એજન્ટોના માધ્યમથી નકલી સર્ટીફીકેટો મેળવી લીધા હોવાનું બહાર આવ્યું છે. આમાં પણ 142 શિક્ષકો સાથે મહેસાણા જિલ્લો સમગ્ર રાજ્યમાં સૌથી આગળ છે.


કોઈ સત્તાવાર રીતે કશુ કહેવા માગતું નથી

સીસીસી પ્રમાણપત્રોની તપાસ તેના અંતિમ તબક્કામાં પહોંચી છે ત્યારે કોઈ સત્તાવાર રીતે કશુ કહેવા માગતું નથી. પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ જે શિક્ષકોએ આ પ્રકારે બોગસ પ્રમાણપત્ર રજૂ કરીને પ્રમોશન તથા ઉચ્ચ પગાર ધોરણ મેળવેલ છે તેમની પાસેથી વ્યાજ સહિત વસૂલાત કરવામાં આવશે. પ્રમોશન મૂળ અસરથી રદ કરવામાં આવશે અને આવા તમામ શિક્ષકો સામે ખાતાકીય તપાસ કરીને બરતરફ કરવા સુધીના પગલાં લેવામાં આવશે. આ ઉપરાંત સરકારનું માર્ગદર્શન મેળવીને છેતરપિંડી અને વિશ્વાસઘાત જેવી કલમો લગાડીને પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application