મધ્યપ્રદેશના ઈન્દોરમાં વહેલી સવારે એક રહેણાંક મકાનમાં ભીષણ આગ ફાટી નીકળતા સાત લોકોના મોત થયા છે. ઇલેક્ટ્રિક વ્હીકલ (ઈવી) ચાર્જિંગ પોઈન્ટમાં થયેલા વિસ્ફોટને કારણે આગ લાગી હતી, જેણે જોતજોતામાં આખા મકાનને ઝપેટમાં લઈ લીધું હતું. મધ્યપ્રદેશના ઈન્દોરના બ્રિજેશ્વરી એનેક્સ વિસ્તારમાં બુધવારે વહેલી સવારે આ ઘટના બની હતી. ઘટનાની જાણ થતા જ જિલ્લા મેજિસ્ટ્રેટ શિવમ વર્મા અને પોલીસ કમિશનર સંતોષ કુમાર સિંહ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા.
પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર, આ મકાનની બહાર એક ઇલેક્ટ્રિક વ્હીકલ (ઈવી) ચાર્જ થઈ રહ્યું હતું. ચાર્જિંગ પોઈન્ટમાં અચાનક વિસ્ફોટ થતા આગ લાગી હતી. આ આગ ઝડપથી મકાનમાં ફેલાઈ ગઈ હતી. પરિસ્થિતિ ત્યારે વધુ વણસી જ્યારે મકાનની અંદર રાખવામાં આવેલા 10 થી વધુ ગેસ સિલિન્ડરો એક પછી એક ફાટ્યા હતા. મકાનમાં પોલીમરનો જથ્થો રાખવામાં આવ્યો હતો તેને લીધે આગ વધુ વિકરાળ બની હતી અને ઘરના ઉપરના મળે રહેલા પરિવારના સભ્યોને બહાર નીકળવાની તક જ મળી નહોતી. આખો પરિવાર જીવતો જ ભૂંજાઈ ગયો હતો.
આ મકાન મનોજ પુગાલિયા નામની વ્યક્તિનું હોવાનું સામે આવ્યું છે, જેઓ પોલીમરનો વ્યવસાય કરે છે. તેમણે મકાનમાં જ જ્વલનશીલ કેમિકલ્સ અને પોલીમરનો જથ્થો રાખ્યો હોવાથી આગ મિનિટોમાં આખા બિલ્ડિંગમાં પ્રસરી ગઈ હતી. આસપાસના લોકોએ પોલીસ અને ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા ત્રણ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા, પરંતુ સાત લોકો અંદર જ ફસાઈ ગયા હતા. ઈન્દોર કલેક્ટર શિવમ વર્માએ જણાવ્યું કે, "આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 7 લોકોના મોતની પુષ્ટિ થઈ છે.