BREAKING NEWS

રાજકોટમાં પ્રથમવાર ૨.૪૨ લાખના હાઈબ્રીડ ગાંજા સાથે પેડલર ઝડપાયો, નશાનો સોદાગર મુંબઈનો નીકળ્યો

  • March 18, 2026 01:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં યુવાધનને નશાના રવાડે ચડાવી કોલેજીયન યુવાનોને નશાના ખપરમાં ધકેલતા નશા સોદાગરોને ઝડપી જેલ ભેગા કરી દેવા અત્યંત જરૂરી છે ત્યારે રાજકોટ શહેર એસોજી બ્રાન્ચ દ્વારા અગાઉ જુદા જુદા નસીલા દ્રવ્યો સાથે અનેક ડ્રગ્સનો વેપાર કરતાં તત્વોની ઝડપી લીધા બાદ રાજકોટના ઇતિહાસમાં પ્રથમ વખત હાઈબ્રીડ ગાંજાના જથ્થા સાથે મુંબઈના શખ્સને એસઓજીની ટીમે પુષ્કરધામ મેઈન રોડ પર થી ૨.૪૨ લાખના ગાંજા સહિત ૩.૬૨ લાખનો મુદામાલ કબ્જે કરી ધરપકડ કરી હતી.


પોલીસ સુત્રો માંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી ચૈતન્ય મંડલીક, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા અને એસીપી ક્રાઈમ ભરત બસીયા દ્વારા શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા "ડ્રગ્સ મુક્ત રાજકોટ" મિશન અંતર્ગત નાર્કોટીકસ દ્રવ્યોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવા આદેશ કર્યા હતા.


જેના પગલે રાજકોટ એસઓજી બ્રાન્ચ પીઆઈ એસ.એમ.જાડેજા ની રાહબરીમાં પીએસઆઇ વી.વી.ધ્રાંગુ ટીમ સાથે પેટ્રોલિંગમાં નીકળ્યા હતા ત્યારે એએસઆઈ ઇન્દ્રસિંહ જાડેજા અને કોન્સ્ટેબલ હાર્દિકસિંહ પરમારને રાજકોટના પુષ્કરધામ મેઈન રોડ ઉપર કે. પટેલ રેસ્ટોરન્ટ નજીક એક શંકાસ્પદ હિલચાલ કરતો શખ્સ માદક પદાર્થ હાઈબ્રીડ ગાંજાના જથ્થા સાથે ઉભો હોવાની હકીકત મળી હતી.


આ ચોક્કસ બાતમીના આધારે શહેર એસઓજી ટીમે દરોડો પાડી ધ્રુવ સંજય જોષી ઉ.વ.૨૬, રહે- શિતલ પાર્ક શેરી નં.૦૨, શિવ શક્તિ સોસાયટી બ્લોક નં.૯ રાજકોટ, મુળ રહે. સ્પ્રીંગ બિલ્ડીંગ સંઘવી એસ-૩ ઇકોસીટી મીરા રોડ ઇસ્ટ થાણે મુંબઇ ને ઝડપી પાડી તેની પાસેથી માદક પદાર્થ હાઇબ્રીડ ગાંજાનો જથ્થો ૬૯.૩૮૦ ગ્રામ ૨.૪૨ લાખ સહિત કુલ ૩.૬૨ લાખનો મુદામાલ કબ્જે કરી ધરપકડ કરી હતી.


ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં હાઈબ્રીડ ગાંજાનો જથ્થો અમદાવાદથી લઈને આવ્યો હતો અને તે રાજકોટ શહેરમાં છૂટકમાં વેચાણ કરવા આવ્યાની કબુલાત આપી હતી પરંતુ હાલ તેના ગ્રાહકો અને સપ્લાયર અંગેની વિગત મેળવવા એસ ઓ જી એ આરોપીના રિમાન્ડ મેળવવા પોલીસે તજવીજ આદરી છે. આ અંગેની કામગીરીમાં એસ ઓ જી બ્રાન્ચના પીઆઇ સંજયસિંહ જાડેજા, એફ એસ એલ અધિકારી સમીર જોશી, પીએસઆઇ વી વી ધ્રાંગુ , ઇન્દ્રસિંહ જાડેજા ફિરોજ રાઠોડ અરુણ બામણીયા વિરેન્દ્રસિંહ ઝાલા મૌલિક સાવલિયા દિગ્વિજયસિંહ ગોહિલ હાર્દિક સિંહ પરમાર યોગેન્દ્રસિંહ ઝાલા મોનાબેન બુશા સહિતની ટીમ જોડાઈ હતી


પેડલરો હાઈબ્રીડ ગાંજો બેંગકોક, થાઈલેન્ડથી હવાઈ માર્ગે લાવે છે

વિદેશમાંથી પ્રતિબંધિત હાઇબ્રીડ ગાંજો હવાઈ માર્ગે ગુજરાતમાં લાવી સપ્લાય કરતા હોય છે હાઈબ્રીડ ગાંજો વધુ નશાકારક હોવાથી બેંગકોક ,થાઈલેન્ડ,જેવા દેશમાંથી પેડલરો આયાત કરે છે અને સમગ્ર ગુજરાતભરના જુદા જુદા શહેરોમાં નશાના સોદાગર થકી તેનું નેટવર્ક ચલાવી છૂટકમાં વેચાણ કરી રહ્યા હું જાણવા મળી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application