રાજ્યમાં જમીન રી-સર્વેની કામગીરી દરમિયાન ઉદ્ભવેલી ક્ષતિઓ અને સીમાંકન (હદ નક્કી કરવા) બાબતના વર્ષો જૂના પ્રશ્નોનો કાયમી નિકાલ લાવવા માટે મહેસૂલ વિભાગ દ્વારા એક ક્રાંતિકારી પહેલ કરવામાં આવી છે. રાજ્ય સરકારના મહેસૂલ વિભાગના તાજેતરના ઠરાવ (ક્રમાંક: RD/MSC/e-file/15/2026/1429/H) મુજબ હવે જમીન માપણીના જટિલ વિવાદો ઉકેલવા માટે "Mobile Magistrate Court સમિતિ" ની રચના કરવામાં આવશે.
શું છે આ ‘મોબાઈલ મેજિસ્ટ્રેટ કોર્ટ સમિતિ’?
ઘણીવાર જમીન માપણીમાં ક્ષતિ રહી ગઈ હોય અથવા પાડોશીઓ વચ્ચે હદ બાબતે વિવાદ હોય ત્યારે મામલો લાંબો ખેંચાય છે. આ નવી વ્યવસ્થા હેઠળ અધિકારીઓની બનેલી એક વિશેષ સમિતિ સીધી ખેતર કે વિવાદિત જમીન પર જશે. તેઓ ત્યાં જ પુરાવાઓની તપાસ કરશે, પક્ષકારોને સાંભળશે અને સ્થળ પર જ વિવાદનો નિકાલ લાવવાની કોશિશ કરશે.
કોણ હશે આ સમિતિમાં?
આ સમિતિમાં મહેસૂલ અને સર્વે વિભાગના મુખ્ય અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે:
અધ્યક્ષ: મામલતદાર
સભ્ય સચિવ: ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ (DILR) અથવા ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ (ILR)
સભ્યો: સર્વેયર / સિનિયર સર્વેયર અને રેવન્યુ તલાટી
નિમંત્રિત સભ્યો: ગામના સરપંચ અને ગામના તલાટી કમ મંત્રી
સમિતિ પાસે કેવી સત્તા હશે?
આ સમિતિને જમીન મહેસૂલ અધિનિયમ, ૧૮૭૯ની કલમ-૧૧૯ અને ૧૨૦ હેઠળ સત્તા આપવામાં આવી છે. સમિતિએ સ્થળ પર જઈને તપાસ કરવાની રહેશે અને જમીન મહેસૂલ અધિનિયમની કલમ-૧૯૫ મુજબ સંક્ષિપ્ત તપાસ (Summary Inquiry) કરવાની રહેશે.
કયા કિસ્સાઓમાં આ સમિતિ મદદરૂપ થશે?
ખાસ કરીને જ્યારે સામાન્ય માર્ગદર્શિકા (SOP) મુજબ વિવાદનો નિકાલ શક્ય ન હોય ત્યારે આ સમિતિ કાર્યરત થશે. મુખ્યત્વે:
૧. પૈકી નંબરના કિસ્સાઓ જ્યાં હિસ્સા માપણી થઈ હોય પણ કબજો ન મળતો હોય.
૨. DILR કચેરીમાં હિસ્સા માપણીમાં ક્ષતિ હોય અથવા અમલવારી બાકી હોય.
૩. રી-સર્વેમાં થયેલી ગંભીર ક્ષતિઓ જેના કારણે ખેડૂતો હેરાન થતા હોય.












ખેડૂતોને શું ફાયદો થશે?
અત્યાર સુધી ખેડૂતોને જમીન માપણીના સુધારા માટે કચેરીઓના ધક્કા ખાવા પડતા હતા. હવે અધિકારીઓ પોતે ખેતર સુધી આવશે, જેનાથી સમય અને નાણાંની બચત થશે. વર્ષો જૂના સીમાંકનના વિવાદોનો ત્વરિત ઉકેલ આવશે. ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોર્ડનાઇઝેશન પ્રોગ્રામ (DILRMP) વધુ પારદર્શક બનશે.
મહેસૂલ વિભાગના આ નિર્ણયથી રાજ્યના લાખો ખેડૂતોમાં આનંદની લહેર જોવા મળી રહી છે. પ્રાંત અધિકારીશ્રી દ્વારા ટૂંક સમયમાં જ જિલ્લાવાર આ સમિતિઓની રચના કરી કાર્યવાહી શરૂ કરવામાં આવશે.