ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆતમાં જ સૂર્યનારાયણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આકાશમાંથી વરસી રહેલી 'અગનજ્વાળા'ને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. માર્ચના પ્રથમ ૧૦ દિવસમાં જ તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર કરી જતાં છેલ્લા ત્રણ વર્ષના તમામ રેકોર્ડ ધ્વસ્ત થયા છે. ખાસ કરીને પર્યટન સ્થળ દીવમાં ગરમીએ સદીનો રેકોર્ડ તોડી નાખતા પ્રવાસીઓ અને સ્થાનિકોમાં ફાળ પડી છે. હવામાન વિભાગે આજે રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ગરમીનું રેડ એલર્ટ આપ્યું છે. રાજકોટવાસીઓને મોબાઈલમાં ટેક્સ્ટ મેસેજ દ્વારા રેડ એલર્ટની જાણ કરવામાં આવી રહી છે.
દીવમાં ૧૦૦ વર્ષની સૌથી ભયાનક ગરમી
સામાન્ય રીતે માર્ચ મહિનામાં દીવનું તાપમાન ૩૭ ડિગ્રીની આસપાસ રહેતું હોય છે, જે પ્રવાસીઓ માટે સાનુકૂળ ગણાય છે. પરંતુ આ વર્ષે કુદરતે જે વળાંક લીધો છે તે આઘાતજનક છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા અનુસાર, દીવમાં મહત્તમ તાપમાન ૪૧.૩ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે છેલ્લા ૧૦૦ વર્ષનો સૌથી ઊંચો આંકડો છે. ઉનાળુ વેકેશનમાં જે દીવ ઠંડક માટે જાણીતું છે, ત્યાં અત્યારે ભઠ્ઠી જેવો અહેસાસ થઈ રહ્યો છે.
રાજકોટ અને સુરેન્દ્રનગર માટે 'રેડ એલર્ટ'
હવામાન વિભાગે સૌરાષ્ટ્રના બે મુખ્ય જિલ્લાઓ, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં આજે 'રેડ એલર્ટ' જાહેર કર્યું છે. અહીં પ્રચંડ હીટવેવની આગાહી કરવામાં આવી છે. બપોરના સમયે રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે અને તંત્ર દ્વારા નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ પુષ્કળ પાણી પીવા અપીલ કરવામાં આવી છે.