માર્ચ 2026 સુધીમાં મધ્ય પૂર્વના સંકટે એક નવું અને અત્યંત તકનીકી સંકટ ઊભું કર્યું છે, જેને 'મરીન ઇન્શ્યોરન્સ' (Marine Insurance) નું પતન કહેવામાં આવે છે. ઘણી મોટી વીમા કંપનીઓએ પર્સિયન ગલ્ફ માટે 'વોર રિસ્ક' (યુદ્ધ જોખમ) કવરેજ આપવાનું બંધ કરી દીધું છે. પરિણામે, 150 થી વધુ તેલ ટેન્કરો મધદરિયે ફસાઈ ગયા છે અને વિશ્વનો 20% તેલ પુરવઠો અટકી પડ્યો છે.
હોર્મુઝ સ્ટ્રેટ: ગ્લોબલ ઇકોનોમીની નસ દબાઈ
હોર્મુઝ સ્ટ્રેટ દુનિયાના તેલ વેપાર માટે સૌથી મહત્વનો માર્ગ છે. ઈરાને આ રસ્તો બંધ કરતાની સાથે જ કાચા તેલના ભાવ 100 ડોલર પ્રતિ બેરલ ને પાર કરી ગયા છે. જો આ માર્ગ લાંબો સમય બંધ રહેશે, તો ભાવ 200 ડોલર સુધી પહોંચવાની આશંકા છે.
વીમા વગર જહાજ કેમ નથી ચાલી શકતા?
મરીન ઇન્શ્યોરન્સ એ માત્ર કાગળ નથી, પણ જહાજ ચલાવવા માટેની ‘પરમિશન સ્લિપ’ છે. તેના વગર બેંકો લેટર ઓફ ક્રેડિટ આપતી નથી. બંદરો (Ports) જહાજને લાંગરવાની મનાઈ કરી દે છે. ક્રૂ મેમ્બર્સ જોખમી વિસ્તારમાં સફર કરવાનો ઇનકાર કરે છે.
લંડન સ્થિત જોઈન્ટ વોર કમિટીએ બહેરીન, કુવૈત, કતર અને ઓમાન જેવા વિસ્તારોને ‘હાઈ રિસ્ક’ ઝોનમાં મૂક્યા છે. આનાથી વીમાનું પ્રીમિયમ આસમાને પહોંચ્યું છે. દાખલા તરીકે જે જહાજનું પ્રીમિયમ પહેલા 2.50 લાખ ડોલર હતું, તે વધીને 3.75 લાખ ડોલર થઈ ગયું છે. ભારતની GIC Re જેવી કંપનીઓએ ક્ષમતા પાછી ખેંચતા અનેક વીમા કવર રદ થયા છે.
પુરવઠા પર કેવી પડી અસર?
ઇન્શ્યોરન્સ સંકટને કારણે ગલ્ફ ઝોનમાં દૈનિક ટ્રાફિકમાં 80% નો ઘટાડો નોંધાયો છે. અગાઉ આ માર્ગ પર દરરોજ 138 જહાજોની અવરજવર હતી, જે હવે ઘટીને 30 થી પણ ઓછી થઈ ગઈ છે. જહાજોના અભાવે તેનું ભાડું (Spot Rate) જે સામાન્ય રીતે 1 લાખ ડોલર પ્રતિ દિવસ હતું, તે વધીને 4.24 લાખ ડોલર થઈ ગયું છે. આ વધારાનો ખર્ચ અંતે તેલની કિંમતમાં ઉમેરાય છે.
ભારત અને એશિયા પર અસર
હોર્મુઝ સ્ટ્રેટમાંથી દરરોજ 21 મિલિયન બેરલ તેલ પસાર થાય છે, જે વિશ્વના કુલ દરિયાઈ તેલ વેપારનો લગભગ 30% હિસ્સો છે. સાઉદી અરેબિયા, ઈરાક અને UAE જેવા દેશોનું મોટાભાગનું તેલ આ માર્ગે એશિયામાં આવે છે. જો વીમા કંપનીઓ આ માર્ગ માટે કવરેજ ફરી શરૂ નહીં કરે, તો આગામી દિવસોમાં ભારતમાં પણ ઈંધણના ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે.