ઓનલાઈન ગેમિંગની લાલચ અને રાતોરાત કરોડપતિ થવા માટે શોર્ટ રસ્તો અપનાવવો કેટલો ખતરનાક સાબિત થાય છે તેવો એક કિસ્સો સામે આવ્યો છે. હરિદ્વાર જિલ્લાના ઝાબ્રેડા પોલીસ સ્ટેશન વિસ્તારનો એક 18 વર્ષનો યુવક ઓનલાઈન ગેમિંગનો શિકાર બન્યો અને તેના ખેડૂત પિતાએ રૂ.1.77 કરોડ ગુમાવ્યા હતા. ફરિયાદના આધારે, દેહરાદૂન સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને અજાણ્યા છેતરપિંડી કરનારાઓ સામે કેસ નોંધ્યો છે. ખેડૂતના પિતાને દિલ્હી એક્સપ્રેસવે માટે જમીન સંપાદન માટે રૂ.1.77 કરોડનું વળતર મળ્યું હતું. જે દીકરાએ ઓનલાઈન ગેમિંગના ચક્કરમાં ગુમાવી દીધું. આટલેથી ન અટકતા છેતરપિંડીનો ભોગ બનેલા પુત્રએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં, 18 વર્ષીય અભિમન્યુએ જણાવ્યું હતું કે જાન્યુઆરી 2025માં, તેણે પ્લે સ્ટોર પરથી ઘણી ગેમિંગ એપ્સ ડાઉનલોડ કરી હતી, જેમાં સ્પોર્ટ્સ બાઝી, પ્રોબો અને ડ્રીમ11નો સમાવેશ થાય છે અને તે ગેમ્સમાં રોકાણ કર્યું હતું. જૂન 2025માં જ્યારે આ એપ્સ બંધ થઈ ગઈ, ત્યારે તેણે યુટ્યુબ પર વિન અડ્ડા નામની નવી ગેમિંગ વેબસાઇટની જાહેરાત જોઈ અને તેને ડાઉનલોડ કરવા માટે પોતાની માહિતી આપી હતી. ત્યારબાદ તેને તેના વોટ્સએપ પર અજાણ્યા નંબરો પરથી વિદેશી કોડ (+237, +234, +94, વગેરે) સાથે અસંખ્ય વીઆઇપી લિંક્સ મળવા લાગી હતી. છેતરપિંડી કરનારાઓએ તેને ઓછા રોકાણની લાલચ આપી અને બમણા નફાનું વચન આપ્યું હતું.
શરૂઆતમાં, છેતરપિંડી કરનારાઓએ તેને થોડો નફો ઓફર કર્યો, જેનાથી યુવક તેમના પર સંપૂર્ણ વિશ્વાસ કરી ગયો હતો. આ જાળમાં ફસાઈને, અભિમન્યુએ યુપીઆઇ દ્વારા તેના અને તેના પિતાના પંજાબ નેશનલ બેંક, એક્સિસ બેંક અને કોટક મહિન્દ્રા બેંકમાં પાંચ અલગ અલગ ખાતાઓમાંથી પૈસા ટ્રાન્સફર કરવાનું શરૂ કર્યું હતું. જાન્યુઆરી 2025થી ડિસેમ્બર 2025ની વચ્ચે, તેણે કુલ રૂ.1.77 કરોડ છેતરપિંડી કરનારાઓના ખાતામાં જમા કરાવ્યા હતા.
જ્યારે યુવકે તેનો નફો અને મુદ્દલ પાછા માંગ્યા, ત્યારે છેતરપિંડી કરનારાઓએ પૈસા પરત કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો અને તેના બદલે વધુ પૈસા માંગવા લાગ્યા હતા. છેતરપિંડીની જાણ થતાં, યુવકે ઝેર પી લીધું હતું. તે કોઈક રીતે બચી ગયો હતો. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના એએસપી કુશ મિશ્રાએ જણાવ્યું હતું કે પીડિતે ગઈકાલે સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. યુવકે પૈસા ટ્રાન્સફર કરવા માટે ઉપયોગમાં લેવાયેલો મોબાઈલ ફોન પણ વેચી દીધો છે.
એસએસસી એસટીએફ અજય સિંહે જણાવ્યું હતું કે છેતરપિંડીમાં સામેલ પરિવાર ખેડૂત છે. યુવક બીસીએનો અભ્યાસ કરી રહ્યો છે. તેના પિતાને દૂન-દિલ્હી એક્સપ્રેસ વે માટે સંપાદિત જમીનનું વળતર મળ્યું હતું. તેમણે આ પૈસા ગુમાવ્યા હતા.