BREAKING NEWS

પશુઓની કસ્ટડીના નિયમો અંગે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ: સરકારને નોટિસ ફટકારી

  • March 11, 2026 12:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુપ્રીમ કોર્ટે ગઈકાલે પશુઓની કસ્ટડી અને માલિકીના હક સંબંધિત નિયમોની બંધારણીય માન્યતાને પડકારતી અરજી પર સુનાવણી હાથ ધરી હતી. ન્યાયાધીશ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની ખંડપીઠે આ મામલે કેન્દ્ર સરકાર અને અન્ય સંબંધિત પક્ષો પાસેથી જવાબ માંગ્યો છે. કોર્ટે આ મામલે ગંભીરતા દાખવી તમામ પક્ષકારોને નોટિસ જારી કરી છે.

આ વિવાદના કેન્દ્રમાં 'પશુઓ પર ક્રૂરતા નિવારણ (કેસ પ્રોપર્ટી પ્રાણીઓની સંભાળ અને જાળવણી) નિયમો, 2017'નો નિયમ ત્રણ છે. અરજદારની દલીલ છે કે આ નિયમ મૂળ કાયદા 'પશુઓ પર ક્રૂરતા નિવારણ અધિનિયમ, 1960'ની કલમ 29 સાથે વિરોધાભાસ ધરાવે છે.

1960ના મૂળ કાયદા મુજબ, જો કોઈ વ્યક્તિ પશુ પ્રત્યે ક્રૂરતા માટે દોષિત ઠરે તો જ કોર્ટ તેને પશુની માલિકીથી વંચિત રાખી શકે છે. જોકે, 2017ના નવા નિયમો હેઠળ, ટ્રાયલ (કેસ) પૂરો થાય તે પહેલાં જ પશુઓને માલિક પાસેથી છીનવીને શેલ્ટર હોમ કે અન્ય સંસ્થાઓને સોંપી દેવાની જોગવાઈ છે. અરજીમાં આ જોગવાઈને 'ગેરબંધારણીય' જાહેર કરવાની માંગ કરવામાં આવી છે.

અરજીમાં પશુધનને મિલકત ગણાવીને બંધારણની બે મુખ્ય કલમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં કલમ 14 જે સમાનતાના અધિકારની વાત કરે છે અને કલમ 300એ જે સ્પષ્ટ કરે છે કે કાયદાકીય પ્રક્રિયા વગર કોઈ પણ વ્યક્તિને તેની મિલકતથી વંચિત રાખી શકાય નહીં.

અરજદારે દલીલ કરી હતી કે પશુધનના માલિકો પાસેથી કેસ ચાલતો હોય તે દરમિયાન જ (પૂર્વ-જપ્તી) માલિકી હક છીનવી લેવો એ કુદરતી ન્યાયના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. ઘણીવાર પશુઓના માલિકો પર માત્ર આરોપ લાગતા જ તેમના પશુઓ લઈ લેવામાં આવે છે, જે તેમની આજીવિકા પર સીધો પ્રહાર છે.

સુપ્રીમ કોર્ટે હવે કેન્દ્ર સરકારનો પક્ષ જાણવા માટે નોટિસ જારી કરી છે. આ કેસનો ચુકાદો પશુપાલકો અને પશુ કલ્યાણ સંસ્થાઓ વચ્ચેના લાંબા સમયથી ચાલતા વિવાદનો અંત લાવી શકે છે. જો કોર્ટ આ નિયમને રદ કરે, તો પશુઓની કસ્ટડી મેળવવા માટે દોષિત સાબિત થવું અનિવાર્ય બનશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application