શિયાળામાં ઠંડી વધતાની સાથે રાજકોટમાં રોગચાળો વકર્યો છે, ડેંગ્યૂ, ટાઇફોઇડ, કમળો સહિતના ૨૩૨૮ કેસ એક સપ્તાહમાં નોંધાયા છે. વિશેષમાં મ્યુનિ.વિકલી એપેડેમિક રિપોર્ટમાં જણાવ્યા મુજબ, રાજકોટમાં છેલ્લા એક સપ્તાહમાં શરદી ઉધરસના સૌથી વધુ ૧૨૭૧, તાવના ૮૬૧, ઝાડા ઉલ્ટીના ૧૯૧, ડેંગ્યૂના બે, ટાઈફોઈડનો એક અને કમળાના બે સહિત રોગચાળાના કુલ ૨૩૨૮ કેસ નોંધાયા છે.
ડેન્ગ્યુ, મેલેરિયા સહિતના મચ્છરજન્ય રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાયો હતો. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૪૭૯ પ્રીમાઇસીસ જેમાં બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરેમાં મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવી હતી, જેમાં મચ્છર ઉત્પતિ બદલ રહેણાંકમાં ૨૧૬ અને કોર્મશીયલ ૭૬ આસામીને નોટીસ ફટકારવામાં આવી હતી. જ્યારે પાણીજન્ય રોગચાળો અટકાવવા વિવિધ વિસ્તારોમાં પાણીના ૨૯૨ સેમ્પલ લઇ તેના ક્લોરિન ટેસ્ટ કરવામાં આવ્યા હતા.