BREAKING NEWS

લગ્નગાળામાં રાજકોટની સોની બજારની ચમક ફીકી પડી, 40 ટકા ખરીદી ઘટી, રિવાજ પ્રમાણેના સોનાની ખરીદીમાં મુક્યો કાપ

  • January 21, 2026 04:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વર્તમાન સમયમાં સોના-ચાંદી અને શેર બજારમાં વૈશ્વિક પરિવર્તનની અસરથી મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. સોના અને ચાંદીના વધતા ભાવો રોજ નવી સપાટીને આંબી રહ્યા છે. રાજકોટમાં સોનાનો ભાવ આજે ૧,૬૦,૦૦૦ને પણ વટાવી ગયો હતો. સોનાના ભાવ વધારાની અસરથી રાજકોટની સોની બજારની ચમક લગ્નગાળામાં પણ ઝંખવાણી પડેલી જોવા મળી રહી છે. મોટાભાગના ઝવેરીઓની દુકાનમાં ધીમી ખરીદી જોવા મળી રહી છે. લગ્નગાળામાં પણ ખરીદીમાં ૪૦ ટકા જેટલો કાપ આવતા સોની બજારની ચમક ફીકી પડેલી જોવા મળી રહી છે.  લગ્નપ્રસંગે સોના-ચાંદીના દાગીના વર અને કન્યા પક્ષ દ્રારા કરિયાવરમાં દેવાનો રિવાજ છે. પરંતુ દર વખતની જેમ બજારમાં લગ્નગાળાને લઈને રોનક જોવા મળી રહી નથી


૯ કેરેટ, ૧૪ કેરેટ અને ૧૮ કેરેટના દાગીના

રાજકોટની સોની બજારમાં લગ્નગાળામાં સોનાના વધતા ભાવો વચ્ચે મોટાભાગના લોકો જરૂરિયાત પૂરતી શુકનવંતી અને ખરીદી કરીને સંતોષ માની રહ્યા હોવાનું રાજકોટના ઝવેરીઓ જણાવી રહ્યા છે. લગ્નગાળામાં પણ મોટાભાગના નવા સોનાની ખરીદીના સ્થાને જુનું સોનું વેચી અને નવું લેવાનો રિવાજ વધ્યો છે. તો બેથી પાંચ ટકા ગ્રાહકો ૯ કેરેટ અને ૧૦થી ૨૦ ટકા ગ્રાહકો ૧૪ અને ૧૮ કેરેટના દાગીનાની ખરીદી તરફ વળ્યાં છે. ગ્રાહકો દ્રારા થતી ખરીદી દરેક સિઝનમાં પહેલાની સરખામણીમાં ઘટી રહી છે.


ગત વર્ષની સરખામણીમાં રોનક ઓછી: મયુર આડેસરા

જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના પ્રમુખ મયુર આડેશરાના જણાવ્યા પ્રમાણે લગ્નગાળાની ખરીદીમાં અગાઉની સરખામણીમાં ૩૦ થી ૪૦ ટકા જેટલો ઘટાડો છે. સૌરાષ્ટ્ર્રમાં લગ્નગાળાને લઈને હજુ પણ ૨૨ કેરેટ સોનાની ખરીદી ગ્રાહકોની પ્રથમ પસંદગી જોવા મળી રહી છે. પરંતુ વધારે તોલાના દાગીના ખરીદવાના બદલે લાઈટ વેઈટ વેલરીની ડિમાન્ડ જોવા મળી રહી છે. ૯ કેરેટ સોનાની જ્વેલરી બજારમાં આવી છે પરંતુ તેની ડિમાન્ડ જોવા મળતી નથી. પરંતુ ૨૨ કેરેટની ખરીદી કરતા ૧૦ થી ૨૦ ટકા ગ્રાહકો ૧૪ કેરેટ અને ૧૮ કેરેટના દાગીનાની ખરીદી કરી રહ્યા છે. રિટેલ માર્કેટમાં દર વખત જેવી રોનક નથી. ત્યારે ૨૪ કેરેટ સોનાના સિક્કા તથા બિસ્કીટની રોકાણકારો દ્રારા ડિમાન્ડ કરવામાં આવી રહી છે.​​​​​​​


સીઝન પ્રમાણેની ખરીદી નથી નીકળી: રૂપેશ સોની

અન્ય એક ઝવેરી પરેશભાઈ સોનીના જણાવ્યા પ્રમાણે લગ્નગાળાને લઈને સોનાની ખરીદી તો થઈ રહી છે. પરંતુ સોનાના ભાવ વધારાની અસર ખરીદી પર જોવા મળી રહી છે. સીઝન પ્રમાણે ખરીદી થઈ રહી નથી. અગાઉના વર્ષો કરતા ગ્રાહકો દ્વારા થતી ખરીદીમાં ૪૦ ટકા કાપ આવ્યો છે. લગ્નપ્રથામાં રિવાજ મુજબ વધારે વજનના સેટ અને બંગડી લોકો ખરીદી કરવા માંગે છે. પરંતુ ભાવ વધારાના કારણે મધ્યમવર્ગની ખરીદ શકિત ઘટી છે. નાણાકીય તંગી હોવાથી જૂનું સોનુ આપી અને નવું ખરીદી કરવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. બજારમાં વર્તમાન સ્થિતિ જોતા અમુક જ્ઞાતિએ નિર્ણય લીધો છે તે પ્રમાણે આગામી સમયમાં અન્ય જ્ઞાતિઓ પણ લપ્રસંગમાં અપાતી ભેટમાં કાપ મુકાઈ શકે છે. તેમજ ભવિષ્યમાં માત્ર રોકડ આપવાનો રિવાજ જોવા મળે તો નવાઈ નહીં.


બજેટ અને જરૂર પ્રમાણે ખરીદી: સોનુ સાહોલીયા

સુદર્શન વીજી ગોલ્ડના સંચાલક સોનુભાઈ સાહોલીયા જણાવે છે કે સોના અને ચાંદીના વધતા ભાવના કારણે લગ્નગાળામાં પણ ગ્રાહકો જરિયાત પૂરતી ખરીદી કરી અને સંતોષ માની રહ્યા છે. અમુક ગ્રાહકો ૧૪ અને ૧૮ કેરેટ દાગીનાની ખરીદી તરફ વળ્યા છે. તો રોકાણની દ્રષ્ટ્રિએ સોનાની લગડી સિક્કાની ડિમાન્ડ જોવા મળી રહી છે. ગ્રાહકો લગ્નગાળામાં રિવાજ પ્રમાણે ચેન, પેન્ડલ બુટી, વીંટી તેમજ બંગડી સાથેના ફુલ સેટની ખરીદી પોતાના બજેટ પ્રમાણે કરી રહ્યા છે. જે ગ્રાહકનું જેવું બજેટ એટલા તોલાની ખરીદી કરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application