BREAKING NEWS

ગૃહમંત્રીને અપશબ્દો અને ધમકી આપતો વીડિયો બનાવનાર આશિફે મિત્રના ઘરમાંથી દોઢ લાખ ચોર્યા

  • March 12, 2026 03:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં રસુલપરામાં હુસેની ચોકમાં રહેતા યુવાનના ઘરમાંથી મિત્રએ જ રૂ.૧.૫૦ લાખની રોકડનો હાથફેરો કરી લીધો હતો જે અંગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. નોંધનીય વાત એ છે કે,જેની સામે ગુનો નોંધાયો છે તે આશિફનો વીડિયો તાજેતરમાં ભારે ચર્ચામાં હતો જેમાં તેણે ઇરાન ઈઝરાયેલના યુદ્ધને લઇ ગૃહમંત્રીને ગાળો ભાંડી, ધમકી આપી હતી.


શહેરના કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં રસુલપરામાં હુસેની ચોક પાસે રહેતા સલમાનભાઈ કરીમભાઈ નકુમ (ઉ.વ.34) દ્વારા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે રસુલપરામાં જ રહેતા પોતાના મિત્ર આશિફ ઉર્ફે બુઢો હનીફભાઈ કુંઢાનું નામ આપ્યું છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, આશરે દસેક મહિના પહેલા તેના દાદાનું મકાન હિરાસર ગામ પાસે આવેલું હોય એરપોર્ટની જગ્યામાં આ મકાન કપાતમાં જતા સરકાર તરફથી રૂપિયા 9.11 લાખ વળતર ચૂકવવામાં આવ્યું હતું. જે રકમમાંથી યુવાનના પિતા અને કાકાએ ભાગબટાઈ કરી હતી. જે રકમ પૈકી રૂપિયા દોઢ લાખ યુવાનના પિતાએ રસુલપરામાં આવેલ ઘરે કબાટમાં તિજોરીમાં રાખ્યા હતા.


દરમિયાન તારીખ 19/5/2025 ના સાંજના આઠેક વાગ્યા આસપાસ યુવાનના મોટા બાપુ ગુલમહંમદભાઈ રૈયાના પુત્ર અનીષના લગ્ન જે ગ્રીનલેન્ડ ચોકડી પાસે લાલપરી વિસ્તારમાં રહેતા હોય ત્યાં જેથી યુવાનના પરિવારના સભ્યો પ્રસંગમાં ગયા હતા અને ઘરને તાળું મારી ચાવી મિત્ર જે આશિફ જે દરરોજ નાના-મોટા કામમાં યુવાન સાથે રહેતો હોય તેને આપી હતી.


તા. 20/5/2025 ના બપોરના 2:00 વાગ્યા આસપાસ યુવાનના માતા-પિતા ઘરે આવી કબાટમાં રહેલી તિજોરીમાં જોતા રૂપિયા દોઢ લાખ જોવા મળ્યા ન હતા. જેથી તેણે પુત્રને ફોન કરી ચોરી થઈ હોવાનું કહ્યું હતું. ત્યારબાદ સલમાને ઘરે આવી તેના મિત્ર ઉર્ફે બુઢાને ફોન કરતા તેનો ફોન બંધ આવતો હતો. થોડા સમય બાદ આશિફે ઇન્સ્ટાગ્રામમાંથી કોલ કરી યુવાનને કહ્યું હતું કે, મારે રૂપિયાની જરૂર હોય માટે તારા ઘરેથી પૈસા લઈ ગયો છું. બાદમાં તેણે પોતાનાથી ભૂલ થઈ ગઈ હોય અને પૈસા ચૂકવી દેશે તેવું જણાવતા યુવાને આજદિન સુધી આ અંગે ફરિયાદ નોંધાવી ન હતી પરંતુ બાદમાં પૈસા પરત ન આપતા અંતે યુવાને મિત્ર વિરુદ્ધ ચોરીની આ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે તાલુકા પોલીસે ગુનો નોંધ્યો હતો. આ અંગે વધુ તપાસ પી.એસ.આઇ એમ આઇ શેખ ચલાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application