સત્ય યોગ ફાઉન્ડેશનની ગાડીમાંથી સોનાની પાદુકા, રૂ. 2.90 કરોડની નકલી નોટો ઝડપાઈઃ પ્રદીપ ગુરૂજી સહિત છની ધરપકડ

  • March 19, 2026 01:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતમાં નકલી નોટોના એક મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. અમદાવાદમાં સુરતના કામરેજમાં આવેલા 'શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન'ની ફોર્ચ્યુનર કારમાંથી સોનાની ચાખડી, રૂ.2.90 કરોડની નકલી નોટો મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શ્રી સત્ય યોગ ફાઉન્ડેશનના સંચાલક પ્રદીપ ગુરુજી સહિત છ શખ્સોની ધરપકડ કરી છે.


ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે સુરતથી નકલી નોટોનો જથ્થો અમદાવાદ લાવવામાં આવી રહ્યો છે. પોલીસે અમરાઈવાડી વિસ્તારમાં વોચ ગોઠવી હતી. તપાસ દરમિયાન એક શંકાસ્પદ ગાડી મળી આવી હતી, જેના પર 'ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા' અને 'આયુષ મંત્રાલય'નું લખાણ હતું. આ ગાડી સત્યમ યોગ ફાઉન્ડેશનની હતી, જેનો ઉપયોગ પોલીસને છેતરવા માટે કરવામાં આવતો હતો. પોલીસે આ ગાડીમાંથી રૂ.500ના દરની રૂ.2.10 કરોડની નકલી નોટો કબ્જે કરી છ લોકોની અટકાયત કરી હતી.


ઝડપાયેલા આરોપીઓની સઘન પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો કે આ આખું રેકેટ સુરતથી ચાલતું હતું. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ધોરણ પારડી ગામમાં આવેલા 'શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન'ના આશ્રમમાં જ આ નકલી નોટો છાપવામાં આવતી હતી. ક્રાઇમ બ્રાન્ચે આશ્રમમાં દરોડા પાડીને રૂપિયા 80 લાખની વધારાની નકલી નોટો, નોટો છાપવા માટેના હાઈ-ટેક કલર પ્રિન્ટર અને મશીનો અને અન્ય વાંધાજનક દસ્તાવેજો કબ્જે કર્યા છે.


આરોપીઓએ બજારમાં નોટો વહેતી કરવા માટે એક આકર્ષક સ્કીમ બનાવી હતી. તેઓ રૂ.500ની એક અસલ નોટ સામે રૂ.1500ની નકલી નોટો આપતા હતા. એટલે કે રૂ.66 લાખની અસલ ચલણી નોટના બદલામાં બે કરોડ રૂપિયાની નકલી નોટો આપવાનો સોદો નક્કી થયો હતો. આરોપીઓ એજન્ટોની એક મોટી ફોજ તૈયાર કરવાની પેરવીમાં હતા અને સારા કમિશનની લાલચ આપીને આ રેકેટને દેશવ્યાપી બનાવવાનું આયોજન કરી રહ્યા હતા. જોકે, તેઓ તેમની પહેલી મોટી ડીલ કરે તે પહેલા જ પોલીસના સકંજામાં આવી ગયા.


આ કેસમાં મુખ્ય સૂત્રધાર મનાતો યોગગુરુ પ્રદીપ અગાઉ પણ વિવાદોમાં રહી ચૂક્યો છે. વર્ષ 2018માં તેણે પોતાના જ આશ્રમના દસ સાધકો પર ગંભીર આક્ષેપો કરતીસાત પાનાની સ્યુસાઇડ નોટ લખીને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હવે તે આધ્યાત્મિકતાના ઓઠા હેઠળ આર્થિક ગુનાખોરીના આ ગંભીર રેકેટમાં ઝડપાયો છે.

ક્રાઇમ બ્રાન્ચે રૂ.500ના દરની આશરે 40,000થી વધુ નોટો કબ્જે કરી છે. આટલી મોટી સંખ્યામાં નોટોના સિરીયલ નંબર લખવા અને કાયદેસરનું પંચનામું કરવામાં પોલીસની આખી રાત વીતી ગઈ હતી. હાલ પોલીસ એ તપાસ કરી રહી છે કે શું આ પહેલા કોઈ જથ્થો બજારમાં પહોંચાડવામાં આવ્યો છે કે કેમ અને આ નેટવર્કના તાર અન્ય રાજ્યો સાથે જોડાયેલા છે કે નહીં.
આ સફળ ઓપરેશનથી ગુજરાતમાં સક્રિય નકલી નોટોના એક મોટા આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ થવાની પૂરેપૂરી શક્યતા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application