ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ગેસ પુરવઠાને લઈને ઉભી થયેલી અસમંજસની સ્થિતિ વચ્ચે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. વર્ષ 2026-27ના અંદાજપત્રની રજૂઆત બાદ આયોજિત પત્રકાર પરિષદમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ મોના ખંધારે રાજ્યની જનતાને આશ્વસ્ત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં LPG અને PNGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને નાગરિકોએ ગભરાવાની જરૂર નથી.
એક સાથે બે કનેક્શન રાખનારાઓ માટે મહત્વની સૂચના
સરકારે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે જે ગ્રાહકો પાસે PNG (પાઈપલાઈન ગેસ) અને LPG (સિલિન્ડર) એમ બંને પ્રકારના કનેક્શન છે, તેમણે આગામી બુધવાર સુધીમાં પોતાનું LPG કનેક્શન ફરજિયાતપણે સરેન્ડર કરવાનું રહેશે. સરકારની પ્રાથમિકતા અત્યારે વધુમાં વધુ વપરાશકર્તાઓને PNGમાં કન્વર્ટ કરવાની છે, જેથી સિલિન્ડરના જથ્થાનું ભારણ ઘટાડી શકાય.
LPG પુરવઠામાં 20 ટકાનો વધારો અને નવી ફાળવણી
રાજ્યમાં ગેસની અછત ન સર્જાય તે માટે સરકારે સામાન્ય પુરવઠામાં 20 ટકાનો વધારો કર્યો છે. આ ઉપરાંત
નવા કનેક્શન: જ્યાં PNG નેટવર્ક નથી, ત્યાં 70 ટકા મર્યાદામાં નવા LPG કનેક્શન અપાશે.
ધાર્મિક સંસ્થાઓ: એક વર્ષથી સતત ભોજન સેવા આપતી સંસ્થાઓને 10 ટકા મર્યાદામાં કોમર્શિયલ કનેક્શનની મંજૂરી અપાઈ છે.
આવશ્યક સેવાઓ: હોસ્પિટલ અને શિક્ષણ સંસ્થાઓને 100 ટકા, જ્યારે ફાર્મા અને ડેરી ઉદ્યોગને 70 ટકા કેપ સાથે પુરવઠો મળશે.
ગ્રામ્ય વિસ્તારો માટે કેરોસીનનો વિકલ્પ
ગામડાઓમાં ગેસના પુરવઠાને પહોંચી વળવા માટે સરકારે વધારાના વિકલ્પ તરીકે કેરોસીન વિતરણની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા ફાળવાયેલા 14.52 લાખ લિટર જથ્થામાંથી દરેક જિલ્લાને 36 હજાર લિટર કેરોસીન અપાશે. જેમાં પરિવાર દીઠ 5 લિટર અને સંસ્થા દીઠ 25 લિટરની મર્યાદા નક્કી કરવામાં આવી છે.
ચુસ્ત દેખરેખ અને હેલ્પલાઇન નંબર
ગેસ એજન્સીઓ પર કોઈ ગેરરીતિ ન થાય તે માટે દરેક એજન્સી પર મહેસૂલ વિભાગના અધિકારી અને પોલીસ કર્મચારીઓની તૈનાતી કરવામાં આવી છે. છેલ્લા 12 દિવસમાં 900થી વધુ સ્થળોએ તપાસ પણ કરવામાં આવી છે. શહેરોમાં ગેસની અછત ન વર્તાય તે માટે ગેસ ડિલિવરી વાનને દિવસ દરમિયાન પણ પ્રવેશની છૂટ અપાઈ છે.
હેલ્પલાઇન નંબર: જો નાગરિકોને LPG અંગે કોઈ પ્રશ્ન હોય, તો તેઓ રાજ્ય સરકારના હેલ્પલાઇન નંબર 1800-232-0222 પર સંપર્ક કરી શકે છે.
સરકારના આ આક્રમક અને પારદર્શક પગલાંથી આગામી દિવસોમાં ગેસ વિતરણ વ્યવસ્થા વધુ સુદ્રઢ બને તેવી શક્યતા છે. ખાસ કરીને 'એક ઘર, એક કનેક્શન'ના નિયમથી બ્લેક માર્કેટિંગ પર અંકુશ આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
